આયંગર, ગોરુરુ રામસ્વામી

January, 2002

આયંગર, ગોરુરુ રામસ્વામી (જ. 1904 , ગોરુરુ, તાલુકો હસન, કર્ણાટક; અ. 1991 ) : અગ્રગણ્ય કન્નડ વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર અને જીવનચરિત્રલેખક. 17 વર્ષની વયે અભ્યાસ છોડી અમદાવાદ આવી સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લીધો. તે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ગાંધીજી સાથે ઘણી મુસાફરી કરી. તેમણે મૈસૂર રાજ્યમાં ખાદી વસ્ત્રાલય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપનામાં ભાગ લીધો. 1942  અને 1947 માં તેમણે જેલવાસ ભોગવ્યો. તેમનો પુત્ર રામચંદ્ર 1942 ના આંદોલનમાં શહીદ થયો. તેમણે અમેરિકાના પ્રવાસ વિશે ‘અમેરિકા દલ્લી ગોરુરુ’ – યાત્રાગ્રંથ લખ્યો. તેને 1980 માં ભારતીય સાહિત્ય અકાદમીએ પુરસ્કાર એનાયત કર્યો હતો. 1932 માં પ્રગટ થયેલી તેમની પ્રથમ કૃતિ ‘હોલ્લીય ચિત્રગલુ’માં ગ્રામજીવનનાં સુંદર રેખાચિત્રો છે. તેમણે વિનોદપ્રધાન રેખાચિત્રોના – ‘બેસ્તારા કરિયા’, ‘શિવરાત્રી’, ‘ઉસુલુ’, ‘વૈય્યારી’ વગેરે ગ્રંથો લખેલા છે. તેમની નવલકથા ‘હેમાવતી’(1946 )માં સત્યાગ્રહની અને હરિજનસમસ્યાની પાર્શ્વભૂમિમાં એક બ્રાહ્મણનાં હરિજન કન્યા સાથે લગ્ન કરાવ્યાં છે. તેમની ‘મેરેવનિગે’ (1948) ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલન વિશેની પ્રથમ કન્નડ નવલકથા છે. તેમણે કસ્તૂરબા (1943) તેમજ મૌલાના અબુલ કલામ આઝાદનાં જીવનચરિત્ર લખેલ છે; ગાંધીજી અને તૉલ્સ્તૉયની કૃતિઓના તેમજ કનૈયાલાલ મુનશીની નવલકથા ‘ભગવાન કૌટિલ્ય’નો અનુવાદ કન્નડમાં કર્યો છે. તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા અને ગામડામાં આશ્રમ સ્થાપી ગ્રામસેવા કરતા હતા. કન્નડ સાહિત્યના ‘નવોદય’કાળમાં તેઓ ખાસ સ્થાન ધરાવે છે. ‘સાહિત્યરશ્મિ’ – તેમનો કવિતા અને સાહિત્ય વિશેનો વિવેચનગ્રંથ છે.

એચ. એસ. પાર્વતી