આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ

January, 2002

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ (જ. 1874 ; અ. 1941 ) : દક્ષિણ ભારતના એક રાષ્ટ્રવાદી નેતા. પિતા રામનાથપુરમના જમીનદાર. મદુરાઈ અને ચેન્નાઈમાં શિક્ષણ લીધું. 1895માં પ્રેસિડેંસી કૉલેજ, ચેન્નાઈમાંથી કાયદાના સ્નાતક બન્યા.

1898થી વકીલાત શરૂ કર્યા બાદ 1920માં ઍડવોકેટ જનરલની જગ્યાનું રાજીનામું. રાજકારણમાં પ્રવેશ બાદ 1926માં ગુવાહાટી કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ થયા. સરકારે આપેલો. C.I.E.નો ઇલકાબ પરત આપી દીધો.

કૉંગ્રેસ તરફથી ચેન્નાઈમાંથી ચૂંટાઈ વડી ધારાસભાના ઉપનેતા (સ્વરાજ્ય પક્ષના) બન્યા.

સાયમન કમિશનનો તેમણે સખત વિરોધ કરી બહિષ્કાર કરેલો. 1928માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરી ત્યાં ભારતીય કૉંગ્રેસની પ્રવૃત્તિ માટે સહાનુભૂતિ મેળવી.

શેષાદ્રિ શ્રીનિવાસ આયંગર

1929માં બ્રિટને રજૂ કરેલ સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ્ય (ડોમિનિયન સ્ટેટ્સ)ની સામે ‘સંપૂર્ણ સ્વરાજ્ય’ના મુદ્દા પર શ્રીનિવાસને મોતીલાલ નહેરુ સાથે ઉગ્ર મતભેદ થયેલો, જે વિશે અંતે લાહોર કૉંગ્રેસના અધિવેશનમાં ‘સંપૂર્ણ સ્વરાજ્ય’ માટે નિર્ણય લેવાયેલો.

શ્રીનિવાસ આયંગરે કૉંગ્રેસનો સંદેશો સમગ્ર મદ્રાસ (ચેન્નાઈ) પ્રાંતમાં ગામેગામ પહોંચતો કર્યો. તેઓ જ્ઞાતિવાદના સખત વિરોધી હતા. અસ્પૃશ્યતાની સામે તેમને સખત નાપસંદગી હતી. મદ્રાસ રાજ્યની આમજનતાના તેઓ સાચા અર્થમાં નેતા હતા. લોકો તેમને ‘શ્રીમાન’ કહેતા, તેઓ માનવતાવાદી હતા.

તેમણે બે પુસ્તકો લખ્યાં છે : (1 ) પ્રૉબ્લેમ ઑવ્ ડેમૉક્રસી ઇન ઇન્ડિયા, (2) સ્ટેલમેટ ઍન્ડ રીઑર્ગેનિઝેશન.

હેમન્તકુમાર શાહ