આંત્રરોધ, સ્તંભજ (paralytic ileus) : આંતરડાના ચેતા (nerves) અને સ્નાયુઓના કાર્યમાં વિક્ષેપ પડવાથી તેના હલનચલનનું અટકી જવું તે. (જુઓ આંત્રરોધ આકૃતિ.). આંતરડાના હલનચલનનું નિયમન કરવા માટે બે ચેતાજાળાં (plexuses) કાર્ય કરે છે : ઑરબેક(Auerbach)નું આંત્રપટ જાળું (mesenteric plexus) અને મિસ્નેર(Meissner)નું અવશ્લેષ્મકલા જાળું (submucosal plexus). આ બંને ચેતાજાળાંની કાર્યશીલતામાં વિક્ષેપ પડે છે. તેથી આંતરડાની લહરીગતિ (peristalsis) અટકે છે. તેમાં વાયુ અને પ્રવાહી ભરાય છે, પેટ ફૂલે છે, ગુદા વાટે વાયુ છૂટતો નથી તથા ઊલટી થાય છે. આંતરડાના ચલનથી થતો ‘ગુડ ગુડ’ અવાજ સંભળાતો નથી. ફૂલેલા પેટને આંગળી વડે ઠોકતાં (percussion) ઢોલ જેવો (tympanic) અવાજ આવે છે. ચૂંક આવતી નથી. નાડી ઝડપથી ચાલે છે. પેટની શસ્ત્રક્રિયાનો તાજો ઘા હોય તો તે ખૂલી જવાનો ભય રહે છે. પેટના એક્સ-રે-ચિત્રણમાં વાયુ-પ્રવાહી ભરેલાં આંતરડાં દેખાય છે.
સ્તંભજ આંત્રરોધના મુખ્ય પાંચ પ્રકારો નોંધાયા છે :
(1) શસ્ત્રક્રિયા બાદ થતો આંત્રરોધ : શસ્ત્રક્રિયા બાદ લગભગ 16 કલાકમાં નાના આંતરડાની લહરીગતિ પાછી આવે છે. જઠર અને મોટું આંતરડું લાંબો સમય લે છે. જો ચેપ (infection) ન હોય તો શસ્ત્રક્રિયા પછીનો આ વિકાર જોખમી હોતો નથી. જો લોહીમાં પ્રોટીન ઓછું હોય, મૂત્રપિંડ કાર્ય કરવામાં નિષ્ફળ જતું હોય અથવા જઠરાંત્રમાર્ગનું પ્રવાહી વધુ પ્રમાણમાં ચૂસી (suction) લેવામાં આવ્યું હોય તો આ પરિસ્થિતિ નિર્માય છે.
(2) ચેપને કારણે થતો પરિતનગુહાશોથ (peritonitis) સ્તંભજ આંત્રરોધ કરે છે. જીવાણુઓનું વિષ આંતરડાની ગતિ અટકાવે છે. તે ઉપરાંત આંતરડાં એકબીજાં સાથે ચોંટી જાય છે. આમ ચેતાકીય તથા ભૌતિક કારણોસર આંતરડાનો રોધ (obstruction) થાય છે.
(3) પાંસળી કે કરોડના મણકાનું ભાંગવું, પરિતનગુહા પાછળ લોહીનું વહેવું કે પ્લાસ્ટરનું જૅકેટ પહેરવું વગેરેથી ચેતાપરાવર્તી ક્રિયા (reflex action) રૂપે આંતરડાનું હલન-ચલન અટકે છે. વળી (4) મૂત્રપિંડની કાર્ય કરવાની નિષ્ફળતા કે (5) લોહીમાં પોટૅશિયમનું ઘટેલું પ્રમાણ પણ આંતરડાંના ચેતાતંતુઓના કાર્યમાં વિક્ષેપ લાવી સ્તંભજ આંત્રરોધ સર્જે છે. શસ્ત્રક્રિયા દ્વારા જઠરમાંનું પ્રવાહી શોષી લઈને તથા આંતરડાનું હલનચલન શરૂ ન થાય ત્યાં સુધી મોં વાટે કશું જ ન આપીને આ વિકારને થતો અટકાવવામાં આવે છે. પરિતનગુહામાં ચેપ ન લાગે તેની સાવચેતી રાખી તથા લોહીમાં પોટૅશિયમનું યોગ્ય પ્રમાણ સાચવીને આ વિકાર થતો અટકાવી શકાય છે. સારવાર કરતી વખતે ઉપર જણાવેલા મૂળ કારણની ચિકિત્સા કરવી પડે છે. ચિંતાને કારણે હવા ગળવાથી (વાતગ્રસન, aerophagy) આંતરડાં ફૂલે છે અને સ્તંભજ આંત્રરોધ થાય છે. તેથી નાક-જઠરી (naso-gastric tube) નળી વાટે આવી હવા કાઢી લેવામાં આવે છે. જરૂર પડ્યે ઘેન માટે થોડી માત્રામાં મૉર્ફિન કે પેથિડીન અપાય છે. લોહીમાંના પોટૅશિયમનું પ્રમાણ સરખું કરવામાં આવે છે તથા મૂત્રપિંડની નિષ્ફળતાની યોગ્ય સારવાર આપવામાં આવે છે. આંતરડાની લહરગતિ ઉત્તેજવા માટે કૅલ્શિયમ પેન્ટોથિનેટ જેવાં ઔષધોનો ઉપયોગ જોખમી ગણાય છે. જો આંત્રરોધ મટે નહિ તો ઉદરછેદન(laparotomy)ની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી