આંત્રરોધ (intestinal obstruction) : આંતરડાના હલનચલનનું અટકી જવું. તે એક તત્કાલ સારવાર માગી લેતી ગંભીર સ્થિતિ છે. આંતરડાનું હલનચલન લહરીગતિ(peristalsis)ના રૂપમાં થાય છે, જેથી મોં વાટે લેવાયેલો ખોરાક જેમ જેમ પચતો જાય તેમ તેમ તે આગળ ને આગળ ધકેલાતો જાય છે. આંતરડાની આ ગતિ કોઈ ભૌતિક કારણસર અટકે તો જે સ્થળે આ અટકાવ થયો હોય તેની પહેલાંનું આંતરડું ખૂબ જોરથી લહરીગતિ કરતું થાય છે. તેથી આવા આંત્રરોધને ગતિશીલ (dynamic) આંત્રરોધ કહે છે. આંતરડાના પોલાણમાં અર્ધપચેલો ખોરાક, સુકાઈ ગયેલો મળ કે પિત્તની પથરી (gall stone) આ પ્રકારનો અંતરોધ (obstruction) સર્જે છે. આંતરડાની દીવાલના ચેપને કારણે થતો સોજો (શોથ, inflammation) કે સંકીર્ણન (stricture), અથવા આંતરડાની દીવાલનું કૅન્સર પણ આ પ્રકારનો અટકાવ કરે છે. આંતરડાને લોહીનો પુરવઠો મળતો બંધ થાય તો તે ભાગ મરી જાય અને અવરોધ ઊભો કરે છે. સારણગાંઠ (hernia) કે પેશીરજ્જુ (tissue band) આંતરડાને બહારથી દબાવીને આંત્રરોધ સર્જે છે (જુઓ આકૃતિ.). ઉપર જણાવેલ ત્રણે રીતે અવરોધ સર્જવા માટે ભૌતિક કારણ અવશ્ય હોય છે, જ્યારે આંતરડાની ગતિનું નિયમન કરતાં ચેતાતંતુઓનાં જાળાં(nerve plexuses)ના કાર્યમાં વિક્ષેપ પડે ત્યારે સ્તંભજ (adynamic) પ્રકારનો આંત્રરોધ ઉત્પન્ન થાય છે (જુઓ આંત્રરોધ, સ્તંભજ.). આંત્રરોધનો આ ચોથો પ્રકાર છે.

વિવિધ પ્રકારના આંત્રરોધો : (1) પરિતનકલાની કોથળી, (2) સારણગાંઠમાંનું આંતરડું, (3) લોહીની નસો, (4) સારણગાંઠનું મુશ, (5) અવરોધકારી આંતરડાનો સોજો, (6) આંતરડાનો પેશીનાશ, (7) બાહ્ય નલી, (8) અંતર્નલી, (9) ગ્રીવા, (10) ટોચ, (11) આંતરડામાં પડેલી આંટી (વ્યાવર્તન), (12) લોહીની નસમાં અવરોધ, (13) સ્થિર અને ફૂલેલું આંતરડું.

ગતિશીલ આંત્રરોધ ઉગ્ર (acute), દીર્ઘકાલી (chronic) અથવા દીર્ઘકાલીન ઉગ્રતાવાળો આંત્રરોધ (acute-on-chronic) – એમ ત્રણ પ્રકારના આંત્રરોધ છે. ઉગ્ર આંત્રરોધ નાના આંતરડામાં થાય છે અને તેનો દર્દી પેટની મધ્યમાં દુખાવાની, તરત થતી ઊલટીની, પેટનો મધ્ય ભાગ ફૂલવાની અને કબજિયાતની ફરિયાદ કરે છે. મોટા આંતરડાનો અવરોધ દીર્ઘકાલીન હોય છે અને તેનો દર્દી પહેલાં પેટના નીચલા ભાગમાં ચૂંક અને પછી પેટનો ફુલાવો તથા કબજિયાત અનુભવે છે. મોટા આંતરડામાંથી વિસ્તરીને નાના આંતરડાને સંડોવતો દીર્ઘકાલીન આંત્રરોધ ઉગ્રતા પામીને પહેલાં પેટનો દુખાવો તથા કબજિયાત અને પછી પેટનો ફુલાવો અને ઊલટી સર્જે છે.

અવરોધ પહેલાંનું આંતરડું ખૂબ જોરથી લહરીગતિ કરે છે જ્યારે પાછળનું આંતરડું બે કે ત્રણ કલાક પછી શાંત બની પડી રહે છે. વાયુ તથા પ્રવાહીને કારણે અવરોધની પહેલાંનું આંતરડું ફૂલે છે. તેમાં મોં વાટે લીધેલી હવા (68 %), લોહીમાંથી પ્રસરીને આવેલો વાયુ (22 %) અને અર્ધપચેલ ખોરાક અને જીવાણુ(bacteria)થી ઉત્પન્ન થયેલો વાયુ (10 %) હોય છે. આ વાયુમાં 90 % નાઇટ્રોજન હોય છે.

લગભગ 8 લિટર જેટલા પાચક રસો એકઠા થાય છે. તેથી શરીરમાંનું પાણી ઘટે છે અને નિર્જલન (dehydration) થાય છે. આ એકઠું થયેલું પ્રવાહી ઊલટી વાટે બહાર નીકળે છે. સારણગાંઠમાંના જકડાઈ ગયેલા (strangulated) આંતરડાના ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેથી તેમાંના ગ્રામ-અનભિરંજિત (Gram-negative) જીવાણુ અંતર્વિષ (endotoxin) સર્જે છે. લોહીનો પુરવઠો બંધ થતાં આંતરડાના તે ભાગનો પેશીનાશ (gangrene) થાય છે. પરિતનગુહા(peritoneal cavity)માં ચેપ પ્રસરે છે અને તેનું વિષ લોહી વાટે શરીરમાં ફેલાય છે. ક્યારેક જકડાઈ ગયેલા આંતરડાનો ભાગ ફાટી જાય છે. આ કારણોને લીધે લોહીનું દબાણ ઘટે છે, રુધિરાભિસરણમાં વિક્ષેપ પડે છે અને આઘાતની સ્થિતિ ઉત્પન્ન થાય છે. યોગ્ય સારવાર ન મળે તો દર્દી મૃત્યુ પણ પામે છે.

આંત્રરોધનાં મુખ્ય ચિહનો તથા લક્ષણો ચાર છે : (1) દુખાવો, (2) ઊલટી, (3) પેટનું ફૂલવું તથા (4) કબજિયાત. ઉગ્ર આંત્રરોધના દર્દીને વારંવાર ડૂંટી પાસે ચૂંક સાથે ઊલટી થાય છે. ઊલટીમાં પહેલાં અર્ધપચેલ ખોરાક, પછી સફેદી(શ્લેષ્મ, mucus), પછી ઊર્ધ્વગામી (regurgitant) પિત્ત અને છેલ્લે મળ નીકળી આવે છે. પેટ ફૂલે છે અને ક્યારેક આંતરડાની લહરગતિ બહારથી સ્પષ્ટ જોઈ શકાય છે. પેટમાંનો ગુડગુડાટ (borborygmi) પણ ઘણી વખત સ્પષ્ટ સંભળાય છે. આવા દરેક દર્દીમાં સારણગાંઠનાં જાણીતાં સ્થાનો હંમેશાં તપાસવામાં આવે છે. સંપૂર્ણ કબજિયાત થતાં વાછૂટ ને મળ અટકી જાય છે. શરીરમાંથી પાણી ઘટી જતાં ચામડી, જીભ અને આંખ સૂકાં થઈ જાય છે તથા પેશાબ ઘટે છે. સપડાઈ ગયેલ આંતરડાના આંત્રરોધમાં ઉપર જણાવેલી જીવનને જોખમાવે તેવી ઘણી તકલીફો થતી હોવાથી આંતરડું ફસાયું છે કે નહિ તે જોવું પડે છે. અચાનક ઊપડતી ચૂંક, આખા પેટમાં અડકવાથી થતી વેદના (સ્પર્શવેદના, tenderness) તથા અક્કડ થઈ ગયેલા પેટના સ્નાયુઓ (rigidity) ફસાયેલ આંતરડાથી થતા આંત્રરોધના સૂચક છે. પેટ પર મૂકેલો હાથ ઉપાડી લેતાં થતી વેદના (સ્પર્શોત્તર વેદના, rebound tenderness) આ પ્રકારના આંત્રરોધનું વિશિષ્ટ ચિહન છે. જો આંતરડું સારણગાંઠમાં સપડાઈ ગયું હોય તો તે સારણગાંઠ કઠણ (tense), સ્પર્શવેદનાશીલ (tender), દબાવી ન શકાય તેવી (irreducible) તથા તકલીફ દરમિયાન મોટી થઈ ગયેલી હોય છે. પેટના એક્સ-રે-ચિત્રણમાં સંખ્યામાં અને કદમાં વધી ગયેલી વાયુ-પ્રવાહીની સપાટીઓ નિદાનસૂચક હોય છે. તેનાથી અવરોધનું સ્થાન પણ જાણી શકાય છે. બેરિયમ-બસ્તી(barium enema)ની તપાસ ઉગ્ર આંત્રરોધમાં જોખમી હોય છે. દીર્ઘકાલીન આંત્રરોધમાં બેરિયમ-ચિત્રશ્રેણીઓ તથા આંતરડાની અંત:નિરીક્ષા(endoscopy) ઉપયોગી બને છે. પેટનું ધ્વનિચિત્રણ (sonography) પણ ઉપયોગી નીવડે.

સારવારનાં મુખ્ય ત્રણ પગથિયાં છે : (1) નાક-જઠરી નળી દ્વારા જઠર, પક્વાશય (duodenum) અને શક્ય હોય તો મધ્યાંત્ર-(jejunum)માંના પ્રવાહીનું ચૂષણ (suction), (2) ચૂસી કઢાયેલા પ્રવાહી અને આયનો(ions)ના સમપ્રમાણમાં નસ વાટે પાણી અને આયનો ચઢાવવાં તે અને (3) શસ્ત્રક્રિયા દ્વારા આંત્રરોધ દૂર કરવો તે. પ્રથમ બે પગલાંથી દર્દીની બગડતી જતી સ્થિતિ સ્થિર થાય છે. દર્દીને મોં વાટે કશું જ આપવામાં આવતું નથી. ફસાયેલા (strangulated) આંતરડાવાળી બાહ્ય કે અંત:સારણગાંઠ (external or internal hernia) અથવા દીર્ઘકાલીન આંત્રરોધમાં થયેલી તરતની ઉગ્રતા-(acute-on-chronic obstruction)વાળા દર્દીઓમાં પાણી અને ખનિજ-આયનોની ખોટ પૂરી કરીને તરત ઉદરછેદન-(laparotomy)ની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. નાના આંતરડાનો અવરોધ દૂર કરતાં પહેલાં ફૂલેલા આંતરડામાં રહેલા પ્રવાહીને ચૂસી લેવામાં આવે છે, જેથી તેમાંના જીવાણુનું વિષ બધે ફેલાઈને દર્દીનું મૃત્યુ ન નિપજાવે. અવરોધનું કારણ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. જો આંતરડું સંકોચાઈને કાયમી અવરોધ કરતું હોય (સંકીર્ણન, stricture) તો તે ભાગ કાપીને આંતરડાના કપાયેલા છેડાઓને સાંધી દેવામાં આવે છે. જો આંતરડાં ચોંટી ગયાં હોય (adhesion) તો તેનાં પેશીરજ્જુઓ (tissue bands) કાપી નાંખવામાં આવે છે. ફસાવાથી પેશીનાશ પામેલા આંતરડાના ટુકડાને કાપી નાખવામાં આવે છે. જો મોટા આંતરડામાં અવરોધ થયો હોય તો તેનું મુખ્ય કારણ સામાન્યત: કૅન્સરની ગાંઠ હોય છે. તેથી પૂરેપૂરું કે અડધું મોટું આંતરડું કાઢી નાખવામાં આવે છે (સ્થિરાંત્રછેદન, colectomy). તેથી ક્યારેક નવો મળમાર્ગ બનાવવાની જરૂર ઊભી થાય છે. આ માટે અંતાંત્ર-છિદ્રણ (ileostomy) કે સ્થિરાંત્રછિદ્રણ (colostomy) કરવામાં આવે છે, જેથી નાના કે મોટા આંતરડામાંથી મળ પેટની આગળની દીવાલમાંના કાયમી છિદ્ર દ્વારા બહાર આવી શકે. સ્તંભજ આંત્રરોધ (paralytic ileus), આંત્રાંત્રરોધ (intussusception) અને આંત્રવ્યાવર્તન (intestinal volvulus) પણ આંત્રરોધ કરે છે. નાનાં બાળકોમાં આંત્રરોધનાં મુખ્ય કારણો જન્મજાત અવિકસન (congenital atresia) તથા આંત્રવ્યાવર્તન છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી