આંત્રવાત (intestinal gas) : આંતરડામાં વાયુનો પ્રકોપ. પેટમાં વાયુ ત્રણ રીતે થાય છે : (1) હવા ગળવાથી, (2) અર્ધપચેલા ખોરાક કે આંતરડામાંના જીવાણુઓ(bacteria)થી અને (3) લોહીમાંના વાયુઓનું આંતરડાની અંદર પ્રસરણ (diffusion) થવાથી. સામાન્ય રીતે જઠર અને આંતરડામાં વાયુ 200 મિલિ.થી વધુ હોતો નથી. દિવસ દરમિયાન ગુદા વાટે 7થી 20 વખતની વાછૂટ દ્વારા 600 મિલિ. જેટલો વાયુ બહાર નીકળે છે. આંત્રવાતના મુખ્ય પાંચ ઘટકો છે : નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બનડાયૉક્સાઇડ, હાઇડ્રોજન અને મિથેન વાયુ.

(1) ખોરાક કે પાણી સાથે હમેશાં થોડી માત્રામાં હવા અન્નનળીમાં જાય છે, જેમાંની મોટાભાગની ઓડકાર દ્વારા બહાર નીકળી જાય છે. બહુ જ થોડી હવા જઠર કે આંતરડામાં પ્રવેશે છે. જેમને હંમેશાં જમ્યા પછી આવા ઓડકાર કે ઘચરકા આવતા હોય તેઓ મોટેભાગે મોં વાટે હવા ગળતા હોય છે, જે મોટા અવાજ સાથે બહાર આવે છે. માનસિક તણાવ અથવા છાતી કે પેટના રોગવાળા દર્દીઓમાં આ સ્થિતિ ઘણી વખત જોવા મળે છે. તેને વાતગ્રસન (aerophagy) કહે છે. ઓડકાર થોડા સમય માટે રાહત આપે છે. જઠર અને આંતરડામાં હવા પ્રવેશે તેથી તે અવયવો ફૂલે છે, પીડાકારક બને છે. તેનાથી થતી અસ્વસ્થતા વાતગ્રસનનું એક વિષચક્ર (vicious cycle) સર્જે છે. દર્દીને મૂળ તકલીફ સમજાવવામાં આવે અથવા તે ચુઇંગ-ગમ કે પીપરમિન્ટ ખાય તો વાતગ્રસન અટકાવી શકાય છે. જમ્યા પછી ચત્તા સૂવાથી અન્નનળી-જઠર વચ્ચેનો દ્વાર-રક્ષક (sphincter) નીચે રહી જાય છે અને જઠરમાંની હવાનો પરપોટો ઉપરના ભાગમાં ફસાઈ જાય છે, જ્યાંથી તે પક્વાશય (duodenum) દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. જો વ્યક્તિ ડાબા પડખે (વામકુક્ષિ) સૂઈ જાય તો જઠર-અન્નનળી વચ્ચેનો દ્વાર-રક્ષક ઉપરના ભાગમાં રહે છે અને જઠરમાંથી હવા સરળતાથી ઓડકાર રૂપે બહાર નીકળી જાય છે.

(2) ખોરાકની પચનક્રિયા દરમિયાન થતી ઍસિડ (અમ્લ) અને બાયકાર્બોનેટ વચ્ચેની રાસાયણિક ક્રિયાને કારણે કે ચરબી(મેદ)ના પચન સમયે ઉપરના આંતરડામાં કાર્બન-ડાયૉક્સાઇડ બને છે, જેમાંનો મોટાભાગનો વાયુ શોષાઈ જાય છે. નીચેના (મોટા) આંતરડામાં જીવાણુઓ કઠોળ, ફળો, ઘઉં, મકાઈ, ઓટ, બટાકા વગેરેમાંના કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનમાંથી હાઇડ્રોજન અને કાર્બન ડાયૉક્સાઇડ બનાવે છે. વાલ, ડુંગળી, કોબીજ, ફુલેવર અને માંસ જેવા સલ્ફરવાળા ખોરાકમાંથી મિથેન, એમોનિયા તથા હાઇડ્રોજન સલ્ફાઇડ બને છે. આ વાયુઓ દુર્ગંધવાળા હોય છે. અપશોષણ સંલક્ષણ(malabsorption syndrome)માં ન પચેલા કાર્બોહાઇડ્રેટમાંથી હાઇડ્રોજન વાયુ વધુ પ્રમાણમાં બને છે, જે લોહીમાં શોષાઈને ઉચ્છવાસ વાટે બહાર નીકળે છે. તેથી જો ઉચ્છવાસમાં તે વાયુનું પ્રમાણ દર દસ લાખે 15 ભાગ(15 ppm)થી વધુ હોય તો તે કાર્બોહાઇડ્રેટનું પચન અને શોષણ બરાબર થતું નથી એમ નિશ્ચિત થાય છે. જો મોટા આંતરડામાં મિથેન વાયુ ઉત્પન્ન થાય તો તે મળમાં ફસાઈ જાય છે, જેને કારણે મળ પાણી પર તરે છે. વાયુની તકલીફવાળા દર્દીઓના આંતરડામાંના વાયુના ઘટકોનું પ્રમાણ સામાન્ય માણસ કરતાં જુદું હોતું નથી. મોટાભાગના દર્દીઓમાં જે ખોરાક લેવાથી વાયુ-પ્રકોપ થયેલો માનવામાં આવે છે તે ખોરાક મોટે ભાગે તો આંતરડાનું ચલન (motility) વધારીને જ અસ્વસ્થતા કરતો હોય છે. રેચકો (જુલાબ) પણ આ જ કારણે આંત્રવાતની તકલીફ કરતા હોય છે. લેક્ટેઝ નામના ઉત્સેચક (enzyme)ની ઊણપ હોય તો દૂધમાંના લેક્ટેઝનું પચન થતું નથી અને તેવા દર્દીઓને આંત્રવાતની તકલીફ થાય છે. જેમને વધુ પડતી વાછૂટ થતી હોય તેઓ હાઇડ્રોજન, મિથેન અને કાર્બન-ડાયૉક્સાઇડ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરતા હોય છે. તે સામાજિક મૂંઝવણનું કારણ બને છે. સારવાર રૂપે ચૂંકરોધક ઔષધો અને ઇસબગોળ આંતરડાના ચલનને સામાન્ય બનાવવામાં મદદરૂપ થાય છે. જરૂર પડ્યે દૂધ કે વધુ કાર્બોહાઇડ્રેટવાળા ઉપર જણાવેલા ખોરાકની ચીજોનો ઉપયોગ ઘટાડવાનું પણ સૂચવવામાં આવે છે. આંત્રરોધ (intestinal obstruction) કે જઠર કે આંતરડાના છિદ્રણ(perforation)માં તે બે અવયવોનું, તથા મધુપ્રમેહ કે પૅપ્ટિક વ્રણ(peptic ulcer)ના દર્દીમાં જઠરનું ચલન બંધ થઈ જાય છે, પેટ ફૂલે છે અને પીડા થાય છે.

(3) લોહીમાંના વાયુઓ તથા આંતરડાની અંદરના વાયુઓના આંશિક દાબ (partial pressure) તેમના પ્રસરણની દિશા અને માત્રાનું નિયમન કરે છે. તેથી હાઇડ્રોજન અને મિથેન વાયુઓ હંમેશાં લોહીમાં પ્રવેશે છે, જ્યારે ઑક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન-ડાયૉક્સાઇડના પ્રસરણની દિશા જુદા જુદા સમયે જુદી જુદી રહે છે.

શિલીન નં. શુક્લ

સુધાંશુ પટવારી