અસમ

ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર આવેલાં છે, તો તેની પશ્ચિમની સરહદે મેઘાલય અને ત્રિપુરાના પ્રદેશો છે. ઉત્તરે ભૂતાન દેશ અને અરુણાચલ પ્રદેશનું રાજ્ય તથા દક્ષિણે મિઝોરમ રાજ્ય આવેલા છે. વસ્તી : 3,11,69,272 (2011), જેમાં 66 ટકા હિંદુ, 25 ટકા મુસલમાન તથા બાકી અન્ય ધર્મના છે. ત્યાંની મુખ્ય ભાષા ઇન્ડો-આર્યન કુળની અસમિયા છે, જે બ્રહ્મપુત્ર નદીની ખીણના વિસ્તારોમાં બોલાય છે. કુચબિહાર સરહદથી દિબ્રુગઢ સુધીના વિસ્તારમાં બોલાતી ભાષા ઊડિયા તથા બંગાળી ભાષાઓ સાથે ગાઢ સંપર્ક ધરાવે છે. તેનું કાર્યકારી પાટનગર દિસપુર છે. દિસપુર ખાતે કાયમી પાટનગરનું નિર્માણકાર્ય હાથ ધરવા રૂ. 1,000 કરોડની સહાયની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી છે.

અસમ રાજ્ય

અસમ એ ભારતનો એવો પ્રાંત છે, જેની 1951-52ના ગાળામાં અવારનવાર પુનર્રચના થતી રહી છે. તેનું પાટનગર શિલૉંગ હતું. તેની ઉત્તરે તિબેટ (ચીન), પૂર્વ તરફ બ્રહ્મદેશ (હવે મ્યાનમાર) અને નૈર્ઋત્યે પૂર્વ પાકિસ્તાન (હવે બાંગલાદેશ) હતાં. 1951માં ઉત્તર કામરૂપનો દેવાંગિરિ પ્રદેશ ભૂતાનને સોંપવામાં આવ્યો. 1957માં તેનો નાગા પર્વતીય જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. 1963માં અલગ નાગાલૅન્ડ રાજ્યની રચના કરવામાં આવી, જેમાં નાગા પર્વતીય જિલ્લા ઉપરાંત તેનસૅંગ વિસ્તાર પણ તેમાં ભેળવી દેવામાં આવ્યો. 1970માં ખાસી અને જયંતિયા પર્વતીય જિલ્લાઓ તથા ગારો પર્વતીય જિલ્લાનું અલાયદું સંયુક્ત મેઘાલય રાજ્ય સ્થપાયું. 1971ના ‘નૉર્થ-ઈસ્ટ એરિયાઝ (રિઑર્ગેનાઇઝેશન) ઍક્ટ’ અન્વયે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અરુણાચલ પ્રદેશ તથા મિઝોરમની બે અલગ રાજ્યો તરીકે સ્થાપના થઈ. મેઘાલય, અરુણાચલ પ્રદેશ તથા મિઝોરમ અસમથી જુદા જુદા સમયે છૂટાં પડ્યાં ત્યારે તેમનો વિસ્તાર અનુક્રમે 22,445; 81,424 અને 21,067 ચો. કિમી. હતો.

અસમ વિસ્તૃત નદીવિસ્તાર ધરાવે છે, જેમાં વિશાળ બ્રહ્મપુત્ર, સુર્મા, કુશિયારા અને તેમની શાખાપ્રશાખાઓ છે. વરસાદની ઋતુમાં પટ બદલતી અને ચારેય બાજુ ફેલાતી તોફાની, રૌદ્ર સ્વરૂપની બ્રહ્મપુત્ર અસમમાં ઠેર ઠેર વિનાશ વેરે છે, અને તે સાથે કાંપ ઘસડી લાવીને જમીનને ફળદ્રૂપ કરે છે. અસમના મુખ્યત્વે ત્રણ પ્રાકૃતિક વિભાગ છે : (1) ઉત્તરમાં બ્રહ્મપુત્ર અને તેની શાખાપ્રશાખાઓની ખીણનો પ્રદેશ, (2) સુરમા અને કચાર જિલ્લાની ખીણનો ભાગ, (3) આ બંને ખીણપ્રદેશોને જુદા પાડતી ટેકરીઓની હારમાળાનો પ્રદેશ.

અસમ કુલ 27 જિલ્લાઓમાં વહેંચાયેલું છે : તે પૈકી કર્બી એન્ગલોન્ગ સૌથી મોટો અને કામરૂપ મૅટ્રો પોલિટન સૌથી નાનો જિલ્લો છે.

અસમની આબોહવા સમધારણ રહે છે. જો કે વરસાદની ઋતુમાં તે અત્યંત ભેજવાળી હોય છે. મુખ્યત્વે બે ઋતુઓ જોવા મળે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો ચાર મહિનાનો શિયાળો તથા બાકીના સમયમાં વરસાદની ઋતુ. અહીં ભૂકંપ અવારનવાર થયાના દાખલા છે. 1897, 1930 અને 1950ના ભયાનક ભૂકંપો આજે પણ યાદ કરાય છે.

અસમ તેની ખનિજસંપત્તિ માટે પ્રસિદ્ધ છે, જેમાં કોલસો, તેલ અને કુદરતી વાયુ મુખ્યત્વે ગણાવી શકાય. ચીની માટી તથા લોહખનિજ (iron-ore) પણ થોડા પ્રમાણમાં ઉપલબ્ધ છે; પરંતુ અસમની મોટી સમૃદ્ધિ તે તેની વનસંપત્તિ તથા વન્ય પ્રાણીઓની છે. ગરમ અને ભેજવાળા હવામાનને પ્રતાપે ત્યાં અનેક જાતની વનસ્પતિ જોવા મળે છે, જેમાં ઉત્તર અસમમાં ઊગતાં હૉલોંગ–જે 15 મીટર ઊંચાઈ ધરાવે છે અને નોહોરનાં વૃક્ષો ખાસ જાણીતાં છે, કારણ કે તેમનાં લાકડાંમાંથી ‘પ્લાયવુડ’ અને ચા ભરવાની પેટીઓ બને છે. વળી, બ્રહ્મપુત્રના ઉત્તરના કિનારે ખેર અને સીસમનાં વૃક્ષોનાં વન આવેલાં છે. અહીંથી પેદા થતા તેજાના તથા ઇમારતી લાકડું વેપારી ધોરણે ખૂબ અગત્ય ધરાવે છે. અસમ ટીક તરીકે ઓળખાતા બોન્સમમાંથી ઉચ્ચ પ્રકારનું ઇમારતી લાકડું પ્રાપ્ત થાય છે. પશ્ચિમના પ્રદેશોમાં સાલનાં ઝાડ થાય છે, જ્યારે વાંસ લગભગ બધે જ ઊગે છે.

અસમમાં ફેલાયેલી વનશ્રી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે મોટો આશીર્વાદ છે. અહીંનાં પક્ષીઓમાં મુખ્યત્વે સ્નાપ્સી, ફ્લોરિકન્સ, પેલિકન, ટીલ્સ અને વિવિધ પ્રકારના બગલાઓ જોવા મળે છે. બીજાં પ્રાણીઓમાં ઠેર ઠેર વાઘ, ચિત્તા, રીંછ અને તરેહ તરેહનાં હરણની જાતો દેખાય છે. વાનરની એક ખાસ જાત-સફેદ વાળવાળો ગિબન-ઉત્તર કચારની ટેકરીઓના પ્રદેશમાં જ જોવા મળે છે. જંગલી હાથીઓનાં ટોળાં પણ અસમભરમાં ઠેર ઠેર ફરતાં જોઈ શકાય છે. ભુતાનની સરહદે વહેતી મનસ નદીના તીરે ભારતનું અદ્વિતીય અભયારણ્ય આવેલું છે. સોનેરી વાનર(Golden Langoor)ની જાત અહીં જોવા મળે છે. મધ્ય અસમમાં આવેલું કાઝીરંગા અભયારણ્ય એકશૃંગી ગેંડા માટે સુપ્રસિદ્ધ છે.

અર્થતંત્ર : ખેતી એ આ પ્રદેશનો મુખ્ય વ્યવસાય છે. કુલ વસ્તીના 65 ટકા વસ્તી ખેતી પર તથા 10 ટકા વસ્તી ખેતીને સંલગ્ન એવા વ્યવસાયોમાં રોકાયેલી છે. ખેડાણ હેઠળની આશરે 70 ટકા જમીન પર ચોખાનું ઉત્પાદન થાય છે. અન્ય કૃષિપેદાશોમાં તેલીબિયાં, વટાણા, કઠોળ, સરસવ, શેરડી વિશેષ નોંધપાત્ર છે. ફળફળાદિમાં નારંગી, કેળાં અને અનનાસનું ઉત્પાદન થાય છે.

તેની ખનિજસંપત્તિમાં કોલસા, ખનિજતેલ, પ્રાકૃતિક વાયુ અને ચૂનાનો પથ્થર ઉપલબ્ધ થાય છે. ચાના બગીચા ઠેર ઠેર જોવા મળે છે. ખનિજતેલ તથા ચા બાદ કરીએ તો આસામ ઔદ્યોગિક રીતે પછાત ગણાય છે. મૂડીની અછત તથા વાહનવ્યવહારનો અલ્પ વિકાસ આ બે તેના ઔદ્યોગિક પછાતપણા માટેનાં મુખ્ય કારણો છે. જંગલસંપત્તિ વિપુલ હોવાથી લાકડાં વહેરવાનાં કારખાનાં વિકસ્યાં છે. ઉપરાંત, નકશીકામવાળું કાપડ તથા રેશમી સાડીઓના ઉત્પાદન માટે આ પ્રાંત સારી ખ્યાતિ ધરાવે છે. અસમની લગભગ દરેક સ્ત્રી વણાટકામ જાણે છે અને દરેક કુટુંબમાં ઓછામાં ઓછી એક હાથસાળ તો હોય છે.

અસમમાં 6 વિમાનમથકો છે. જોકે આંતરિક વાહનવ્યવહાર વણવિકસેલો રહ્યો છે. રેશમનો ઉદ્યોગ અસમનો સૌથી જૂનો ગૃહઉદ્યોગ છે. અહીં ત્રણ પ્રકારનાં રેશમ થાય છે : ઇરી, પટ અને મુગા. રેશમના કીડા ઘરમાં કે વૃક્ષ ઉપર ઉછેરવામાં આવે છે. વણાટકામ અસમની સંસ્કૃતિ અને પરંપરાનું એક અંતર્ગત અંગ છે. ચાના બગીચા અને તેનો ઉછેર અસમનો સૌથી અગત્યનો ઉદ્યોગ છે. છેક 1835થી ચાના છોડની શોધ થઈ હતી અને ત્યારપછીનાં વર્ષોમાં તેમાં અવિરત પ્રગતિ થઈ રહી છે. સમગ્ર દેશમાં ચાની પેદાશમાં અસમ પ્રથમ સ્થાન ધરાવે છે. ખેતીની અન્ય પેદાશમાં ડાંગર અગ્રસ્થાન ધરાવે છે.

ચાનો બગીચો, અસમ

અસમના લોકો મૉંગોલ જાતિના, ભીને વાન અને નાના કદના હોય છે. સ્ત્રીઓ મોટે ભાગે સાડી, ‘મેખલા’ (લાંબી કફની કે પહેરણ) અથવા અસમમાં તૈયાર થયેલી અડધી સાડી (રેશમની ચાદર) પરિધાન કરે છે.

મુખ્ય ઉત્સવો જેવા કે દિવાળી, હોળી અને દુર્ગાપૂજા ઉપરાંત અસમના લોકોનો સૌથી મોટો ઉત્સવ બિહુ ગણાય છે, જે વર્ષમાં ત્રણ વાર ઊજવાય છે. 14મી જાન્યુઆરી ઉપર માઘ બિહુ કે ભિગાલી બિહુની ઉજવણી થાય છે. બિહુ અસમનો જાણીતો નૃત્યપ્રકાર છે. તે સમયે ખેતીનું કામ પૂરું થતું હોય છે. 13 તથા 14 એપ્રિલના રોજ બોહાગ કે રોંગલી (રંગોળી?) બિહુથી અસમના લોકોનું નૂતન વર્ષ શરૂ થાય છે. ઑક્ટોબરની મધ્યમાં કટિ-બિહુનો ઉત્સવ મનાવાય છે.

લોકનૃત્યની મૃદ્રામાં પરંપરાગત વેશભૂષા-સજ્જ અસમ કન્યા

અસમ શિવનાં અસંખ્ય મંદિરો ધરાવે છે. અસમમાં તાંત્રિકવાદની શરૂઆત પ્રાચીન સમયથી થયેલી. વૈષ્ણવ સંપ્રદાય ચૈતન્યના સમકાલીન શંકરદેવ દ્વારા શરૂ થયો હતો. અસમના સમાજનું ધ્યાન ખેંચતું લક્ષણ ત્યાંના લોકોનું ઉદાર વલણ છે. અસમમાં દહેજપ્રથા બિલકુલ નથી અને સ્ત્રીઓ સમાજમાં ઊંચું સ્થાન ધરાવે છે.

ઇતિહાસ અને રાજકીય વિકાસ : અસમની બ્રહ્મપુત્ર નદીની ખીણનો ઇતિહાસ ક્રિશ્ચિયન યુગના આરંભના સમયથી તારવી શકાય છે. આધુનિક બોડો પ્રજાના પ્રાચીન વંશજો આ વિસ્તારમાં વસતા હતા. અસમનું પ્રાચીન નામ કામરૂપ હતું અને સાતમી સદીના અરસામાં તેની રાજધાની પ્રાગ્જ્યોતિષપુર (પૂર્વની જ્યોત) હતી. પૂર્વમાં બ્રહ્મદેશથી માંડીને પશ્ચિમમાં કરતોયા નદી સુધી પથરાયેલા આ રાજ્યની સરહદોમાં બ્રહ્મપુત્રની ખીણ, બંગાળના રંગપુર અને કૂચબિહારના જિલ્લાઓનો પણ સમાવેશ થતો હતો. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં અહીં અસુર જાતિનો વંશ રાજ્ય કરતો હતો. અસુરોમાં નરકાસુર રાજા સૌથી વધુ શક્તિશાળી હતો. સાતમી સદીની શરૂઆતમાં કુમાર ભાસ્કર વર્મા કામરૂપ ઉપર રાજ્ય કરતો હતો. તે ઉત્તર ભારતમાં રાજ્યકર્તા હર્ષવર્ધનનો સમકાલીન હતો. ભાસ્કર વર્મા પછી પાલ વંશે લગભગ ચાર સો વર્ષ સુધી અહીં રાજ્ય કર્યું હતું. ત્યારબાદ મુસ્લિમોનું આક્રમણ શરૂ થયું હતું.

અસમના આધુનિક ઇતિહાસમાં મ્યાનમારથી આવેલા અહોમ રાજાઓએ રાજ્ય કર્યું હતું. તેઓ ચીની-તિબેટી જાતિના હતા. તેરમી સદીની શરૂઆતથી રાજ્ય કરનાર આ વંશ 1826 સુધી, એટલે કે છસો વર્ષ સત્તા ઉપર રહ્યો હતો. રાજા રુદ્રસિંગ(1696-1714)ના શાસન દરમિયાન આ પ્રદેશે ઝડપી વિકાસ સાધ્યો હતો. હિન્દુ ધર્મથી આકર્ષાઈ અહોમ લોકો કાળક્રમે હિન્દુ બની ગયા. છસો વર્ષના સમય દરમિયાન અસમ આબાદીના શિખરે પહોંચ્યું. આસામ કે અસમ નામ સંસ્કૃત ભાષાનું છે. તેનો અર્થ જેની કોઈ બરાબરી કરી શકે નહિ-અપ્રતિમ-એવો થાય છે. 1816થી 1826નાં દસ વર્ષના ગાળા દરમિયાન અસમ ઉપર મ્યાનમારે કબજો જમાવ્યો હતો, કારણ કે તે દરમિયાન રાજ્યમાં અંધાધૂંધી પ્રવર્તતી હતી. અસમના ઇતિહાસની એક ખૂબી એ રહી છે કે તેમાં મૉંગોલ અને આર્ય સંસ્કૃતિનો સંગમ અને સમન્વય થતો રહ્યો છે.

1826માં બ્રિટિશ સૈન્યોએ મ્યાનમારનાં લશ્કરોને હઠાવ્યાં, યાંદાબુની સંધિ દ્વારા અસમનો કબજો લીધો અને ત્યારથી 1874 સુધી તેને બંગાળના લેફટનન્ટ ગવર્નરના તાબા હેઠળ મૂકવામાં આવ્યું. 1874માં તે પ્રદેશ માટે અલાયદા ચીફ કમિશનર નીમવામાં આવ્યા અને તેને ભારતના અન્ય ભાગો સાથે ભેળવી દીધું. પછી અસમ ભારતનો અંતર્ગત ભાગ બન્યું અને તેની સ્વતંત્ર હસ્તીનો અંત આવ્યો. 1905માં બંગાળ અને અસમનો એક સંયુક્ત પ્રાંત બનાવવામાં આવ્યો. 1912માં અસમના અલગ પ્રાંતની રચના થઈ. 1921માં આ પ્રાંત માટે અલગ ગવર્નરની નિમણૂક કરવામાં આવી. 1937માં તેને સ્વાયત્ત પ્રાંતનો દરજ્જો આપવામાં આવ્યો. 1947માં ભારતનું વિભાજન થયું ત્યારે આ પ્રાંતના બહુસંખ્ય મુસ્લિમ વિસ્તારોને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા.

બ્રિટિશ લોકોએ 1835માં ચાનો છોડ શોધીને તેના આધારે એક નવો ખેતીઉદ્યોગ અસમમાં શરૂ કર્યો. ચાના વિકસતા ઉદ્યોગ માટે તેમણે ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઓરિસાથી મજૂરો આયાત કર્યા અને બંગાળીઓને વહીવટી કામમાં રોક્યા. પરિણામે બિનઆસામી લોકો સરળતાથી અસમમાં પ્રવેશ્યા, એટલું જ નહિ, પણ ત્યાં સ્થિર થઈ શક્યા, કારણ કે તળ અસમના લોકો નિષ્ક્રિય અને બેપરવા રહ્યા. રાજ્ય બહારના લોકોની ‘આસામીકરણ’ની પ્રક્રિયા ચાલતી રહી; તે સાથે અસમની આદિવાસી પ્રજાને પણ તેમની પરંપરાગત જમીન ઉપરથી ઉખાડી નાખવામાં આવ્યા, કારણ કે એ જમીનનો ઉપયોગ હવે જુદી રીતે થવાનો હતો. બિનઅસમ લોકો ધીમે પણ ચોક્કસ સ્વરૂપે અસમમાં પ્રવેશ કરતા રહ્યા. બંગાળના હિન્દુઓ તેમજ મુસ્લિમો અસમમાં છવાઈ ગયા. મુસ્લિમો અસમ (અસમિયા) ભાષા અને રીતભાત અપનાવીને આસામના થઈ ગયા, પણ બંગાળી હિન્દુઓ તેમ કરવા તૈયાર ન હતા. તેઓ તેમનું આગવું વ્યક્તિત્વ અને નિરાળા અસ્તિત્વને ટકાવી રાખવા માગતા હતા. પરિણામે આસામના લોકો બંગાળી મુસ્લિમો કરતાં બંગાળી હિન્દુઓ તરફથી વિશેષ ભય સેવતા થયા. સ્થળાંતર કરીને સતત પ્રવેશની આ પ્રક્રિયાથી અસમની મૂળ વસ્તીનું ચિત્ર બદલાતું ગયું અને પરિણામે સામાજિક-આર્થિક પ્રશ્નો ઊભા થયા. 1901 પછીની પ્રત્યેક વસ્તીગણતરીમાં બહારના લોકોનો વધતો જતો ધસારો સતત નોંધાતો ગયો.

જંગલનાં તોતિંગ અને વજનદાર લાકડાંનું હાથી દ્વારા વહન

બહારના આગંતુકોના ધસારાને વ્યવસ્થિત કરવાના પ્રયાસ રૂપે 1920માં ‘લાઇન સિસ્ટમ’ દાખલ કરવામાં આવી; પરંતુ તેનાથી સંતોષકારક ઉકેલ આવી શક્યો નહિ. 1938માં જ્યારે સર સાદુલ્લા આસામના ગવર્નર હતા ત્યારે તેમણે ‘વધારે અનાજ વાવો’ના નારા તળે મોટા પ્રમાણમાં બિનઆસામી લોકોના પ્રવેશ માટે માર્ગ મોકળો કર્યો. આ પછી 1971માં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવતાં ભારત અને બાંગ્લાદેશની સરહદો ખુલ્લી થઈ ગઈ અને તેની ઉપર કોઈ અંકુશ રહ્યો નહિ. આથી ગેરકાયદે ઘૂસણખોરીનું પ્રમાણ ખૂબ વધી જવા પામ્યું. બીજી તરફ અસમના લોકોની ફરિયાદ રહી કે કેન્દ્રમાંથી ફાળવવામાં આવતાં નાણાં પરત્વે તેને અન્યાય થતો હતો.

બિનઅસમ લોકોના સતત ધસારાને કારણે અસમના લોકોનો માનસિક ભય તેની ચરમસીમાએ પહોંચ્યો. રાજ્ય-સરકારની કક્ષાએ આ પરિસ્થિતિની નોંધ લેવાઈ, પરંતુ તે અંગે કોઈ નિર્ણાયક કે અસરકારક પગલાં લેવાયાં નહિ, તેમજ જે કંઈ લેવાયાં તે બિનકાર્યક્ષમ પુરવાર થયાં. આ પ્રકારની પરિસ્થિતિમાં 1979માં જ્યારે મંગલદોઈના સંસદીય મતવિસ્તારમાં સાંસદના અવસાનના કારણે પેટાચૂંટણી યોજવામાં આવી ત્યારે મતદારોની ફેરચકાસણી કરતાં તેમાં આશરે 45,000 જેટલાં બિનઅસમ નામ જણાયાં.

આ જાણકારી સ્ફોટક પુરવાર થઈ અને તેના કારણે અસમના પ્રથમ આંદોલનની શરૂઆત બાર કલાકની રાજ્યવ્યાપી હડતાળથી થઈ, જે સંપૂર્ણ રહી. અસમના લોકોનો વ્યાપક ટેકો અને સહકાર મેળવવા માટે હવે પિકેટિંગ, બંધ, દેખાવો, ભૂખહડતાળ વગેરે રીતે આંદોલનો શરૂ થયાં અને તેનું નેતૃત્વ અખિલ અસમ છાત્ર પરિષદે (All Assam Student’s Union અથવા ટૂંકમાં, AASU) લીધું. તેના પ્રમુખ તરીકે યુવાન કાર્યકર પ્રફુલ્લકુમાર મોહંતો હતા.

યુવાન કાર્યકરોને સાથ આપતું બીજું મોટું મંડળ અસમના વિવિધ રાજકીય પક્ષોનું બનેલું હતું, જે અખિલ અસમ ગણ સંગ્રામ પરિષદ(AAGSP)ના નામથી જાણીતું થયું. બંને મંડળોએ એકમેકના સહકારથી આ આંદોલનનું સંચાલન કર્યું અને લોકપ્રતિકારનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. અસમના લોકોનું આ રાજ્યવ્યાપી આંદોલન વિવિધ સ્વરૂપે અને અનેક સ્તર ઉપર ચાલ્યું, જેમાં સંચારબંધી સામેનો મૂક પ્રતિકાર, વિના ટિકિટે જાહેર વાહનોમાં યાત્રા, ઢોલ-નગારાં અને અન્ય વાદ્યો વગાડીને જનમત જાગ્રત કરતાં સરઘસો, સાઇકલ-સરઘસો, ભીંતપત્રો, મૂક સરઘસો વગેરેનો સમાવેશ થતો હતો. અસમના આ આંદોલનમાં સમાજનો પ્રત્યેક વર્ગ જોડાયો – નોકરિયાતો, ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરો. આ આંદોલનમાં અસમની બહેનો પણ એટલી જ સક્રિય રહી. પરંતુ ખરી કટોકટી તો ત્યારે સર્જાઈ જ્યારે તેલ અને કુદરતી વાયુનો મોટો પુરવઠો સમસ્ત દેશને પૂરો પાડનાર અસમે રાજ્યમાંથી નિકાસ થતાં તેલ-વાયુને રોક્યાં. ત્રણ મહિના સુધી ચાલેલા લોકસત્યાગ્રહના આ પગલાથી અસમનું આંદોલન તેના ચરમબિન્દુએ પહોંચ્યું.

અસમનું આંદોલન અહિંસક રહી શક્યું નહિ અને ઘણી વાર હિંસાના અણછાજતા બનાવો બનતા રહ્યા. 1983ની વિધાનસભાની ચૂંટણી વેળાએ ઘણું લોહી રેડાયું. શરૂઆતથી જ ‘આસુ’-(AASU) એ આ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર પાછળની માગણી એ હતી કે મતદારોની યાદીમાંથી બિનઅસમ લોકોનાં નામ કમી કરવાં જોઈએ. આ તબક્કે જુદા જુદા પક્ષો આમનેસામને આવી ગયા : અસમના હિન્દુઓ બહારના મુસ્લિમો સામે, આદિવાસીઓ બિનવાસીઓની સામે.

આ સંદર્ભમાં ભારત સરકાર તથા ‘આસુ’ વચ્ચે જે વાટાઘાટો ચાલી તે ખૂબ અગત્યની હતી. આંદોલનકારોની મુખ્ય માગણી એ હતી કે 1951ના વર્ષને વિભાજક (cut-out) વર્ષ તરીકે ગણીને તે પછી આવેલા બિનઅસમીઓનાં નામ જુદાં પાડવાં અને તે મુજબ મતયાદીમાં ફેરફાર કરવો. ઉપરાંત, તેમણે રાજ્યની સરહદો બંધ કરવાની તથા ભારતીય મતદાતાઓ માટે ઓળખપત્રો આપવાની માગણી કરી. ભારત સરકારની ‘આસુ’ અને ગણતંત્ર પરિષદ સાથે ચલાવવામાં આવેલી લંબાણ મંત્રણાઓના આધારે 15 ઑગસ્ટ, 1985ના રોજ અસમની સમજૂતી ઉપર સહીસિક્કા થયા. આ સમજૂતીમાં બિનઅસમીઓને જુદા તારવવા માટે 1967ના વર્ષને વિભાજક વર્ષ તરીકે નિયત કરવામાં આવ્યું અને 1971ના વર્ષથી આવેલા બિનઅસમીઓને રાજ્ય બહાર મોકલવાનો નિર્ણય લેવાયો. ભારત સરકારે અસમને પૂરતી નાણાકીય સહાયની બાંયધરી આપી.

આ પછી તે જ વર્ષે (1985) યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આંદોલનકારોએ આસામ ગણ પરિષદના નામે ઝંપલાવ્યું. પરિષદે સંપૂર્ણ બહુમતી મેળવી અને પ્રફુલ્લકુમાર મોહંતોના નેતૃત્વ નીચે અસમની નવી સરકાર સત્તા ઉપર આવી.

અસમનું આંદોલન શરૂઆતથી અંત સુધી વિદ્યાર્થીઓના હાથમાં રહ્યું. તેના નેતાઓ અને અનુયાયીઓ મુખ્યત્વે યુવાનો જ હતા. તેમણે છ વર્ષ સુધી તેનું સફળતાપૂર્વક સંચાલન કર્યું, તે પણ કોઈ રાજકીય પક્ષનો આધાર લીધા સિવાય. ભારતના રાજકારણમાં અસમનું આંદોલન એક સીમાચિહન બની ગયું.

પરંતુ 1988-89માં આસામનો પ્રશ્ન બીજા સ્વરૂપે દેશ સમક્ષ ઉપસ્થિત થયો. અસમના ઉત્તરના ભાગમાં વસતા બોડો લોકો અસમથી છૂટા પડવા માટેનું આંદોલન ચલાવી રહ્યા છે. બોડો અને અસમીઓ વચ્ચે વર્ષોથી વિસંવાદ રહ્યો છે. અસમીઓએ 1983ની ચૂંટણીનો વિરોધ અને બહિષ્કાર કર્યો હતો તેને બોડો લોકોએ ટેકો આપ્યો હતો. બોડો લોકોની મુખ્ય માગણી તેમની બોડો ભાષાને રાજ્યમાં માન્યતા અપાવવાની અને બોડોલૅન્ડને અલગ રાજ્ય બનાવવાની છે. નોકરીઓ માટે બોડો લોકો માટે અનામત-પ્રથા અસ્તિત્વમાં છે જ. બોડો આંદોલનના કારણે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. પરંતુ પોલીસબળથી કે લશ્કરી બળથી તેને કચડી નાખવું સરળ નથી. આથી તો તે ઊલટું વકરે છે. અસમની સરકારને શંકા છે કે બોડો આંદોલનની પાછળ સીધી કે આડકતરી રીતે કેન્દ્રની કૉંગ્રેસ સરકારનો દોરીસંચાર છે અને તેના કારણે જ તે ચાલુ રહ્યું છે.

નવેમ્બર 1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસની હાર થતાં અને વિશ્વનાથ પ્રતાપસિંહની રાષ્ટ્રીય મોરચાની નવી સરકાર સત્તા ઉપર આવતાં આ પ્રશ્ન વિશે વિધાયક અને અસરકારક નીતિ અપનાવવામાં આવી અને બોડો પ્રતિનિધિઓ, અસમની સરકાર અને કેન્દ્રીય સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ કરવામાં આવી. રાષ્ટ્રીય મોરચાની સરકારે સ્પષ્ટ કર્યું કે બોડો લોકોની સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની માગણી કોઈ કાળે સ્વીકારી શકાય તેમ નથી. ત્રણેય પક્ષો વચ્ચેની વાતચીતનો દોર 1990માં ચાલુ રહ્યો.

1993 સુધી બોડો અસંતોષ દૂર કરવા કોઈ નક્કર પગલાં ન લેવાતાં અસમમાં વ્યાપક હિંસા ફેલાઈ. ત્યારબાદ ‘બોડો કરાર’ હેઠળ બોડોલૅન્ડ સ્વાયત્ત પરિષદની રચના કરવામાં આવી, પણ કરાર કાર્યાન્વિત ન થતાં બોડો આંદોલન વધુ ને વધુ ઉગ્ર બન્યું. બોડોલૅન્ડનો આ પ્રશ્ન ઉત્તરીય અસમની મહત્વની સમસ્યા છે.

નાગા બળવાખોરોને દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના પ્રયાસોના એક ભાગ રૂપે નાગાલૅન્ડમાં 1997માં પ્રથમ સંઘર્ષવિરામ જાહેર કરવામાં આવેલો. 14 જુલાઈ, 2001ના રોજ એક સમજૂતી દ્વારા આ સંઘર્ષવિરામની મુદત લંબાવવામાં આવી. એ સાથે જ્યાં નાગ જાતિની વસ્તી હોય તેવાં પૂર્વોત્તર ભારતનાં અન્ય રાજ્યો અરુણાચલ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને અસમનાં રાજ્યોમાં આ સંઘર્ષવિરામ અમલી બનાવવામાં આવ્યો. અસમમાં પ્રજાએ આ સંઘર્ષવિરામનો સખ્ત વિરોધ કર્યો. આ સંઘર્ષવિરામ પારદર્શક નથી એવા આક્ષેપ સાથે અસમના તત્કાલિન મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ આ અંગેની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી, કારણ, તેમને દહેશત છે કે આ સમજૂતી અસમમાં ઉલ્ફા અને અન્ય ઉગ્રવાદી સંગઠનોને ઉત્તેજન આપે તેમ બને. પૂર્વ મુખ્ય પ્રધાન પ્રફુલ્લકુમાર મોહંતો પણ આ સમજૂતીથી નારાજ હતા.

નાગરિકત્વના મુદ્દે અસમ સંવેદનશીલ રાજ્ય છે. અહીં બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી ચાલુ રહે છે; આથી બેવડા નાગરિકત્વની માંગ આ રાજ્યમાં ઊભી થઈ છે.

રાજકીય એકમ તરીકે આસામની ધારાસભા એકગૃહી છે અને 126 વિધાનસભ્યોની બનેલી છે. મે, 2001માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષ વિજયી નીવડતાં તરુણ ગોગોઈની મુખ્ય પ્રધાન તરીકે વરણી થઈ હતી. 2016 સુધી તરુણ ગોગોઈ મુખ્યમંત્રી રહ્યા હતા. 2016થી ભાજપના સબોનંદ સોનોવલ મુખ્યમંત્રી છે. પૂર્વે હિતેશ્વર સાઇકિયા અને પ્રફુલ્લકુમાર મોહંતોને દીર્ઘકાળ પર્યંત મુખ્ય પ્રધાન તરીકે અસમની સેવા કરવાની તક સાંપડી હતી.

અસમ ભારતનું એક સરહદી રાજ્ય છે જેની જમીનની સીમાઓ બાંગ્લાદેશને અડે છે. આથી અહીં જમીનમાર્ગે બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી ચાલતી રહે છે. એક કાચા અંદાજ મુજબ સરહદ પાર કરીને અસમમાં પ્રવેશેલા આ વિદેશીઓની સંખ્યા દોઢ કરોડને આંબી ગઈ છે. તેમાંના ઘણા ભારતમાં સ્થિર થઈને ‘યેન કેન પ્રકારે’ નાગરિકત્વ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ અસમની મૂળ વતની બોડો પ્રજા સાથે નોકરી, વેપાર-ધંધા અને અન્ય કામકાજોમાં ભાગીદારી કરે છે. મૂળ બોડો સમુદાયની સાથે બાંગ્લાદેશીઓ તેમના હક્ક માંગે છે. આ વલણ સ્થાનિક બોડો પ્રજાને માન્ય નથી. વધુમાં તેમની ‘બોડોલૅન્ડ’ની છેક ભાષાવાર પ્રાંત-રચનાના સમયની જૂની માંગણી ઊભી જ છે જેનો સરકાર કોઈ અપેક્ષિત પ્રત્યુત્તર આપતી નથી. 2003માં અસમની રાજ્ય સરકાર, કેંદ્ર સરકાર અને બોડોલૅન્ડ મુક્તિવાહિની વચ્ચે ‘મેમોરેન્ડમ ઑવ્ સેટલમેન્ટ’ અનુસાર બોડોલૅન્ડ તરીકે ઓળખાતા નવ જિલ્લાના વહીવટમાં બોડો કાઉન્સિલને હિસ્સો આપવામાં આવ્યો. વધુમાં સંજોગો અનુકૂળ હોય ત્યારે બોડોલૅન્ડને અલગ રાજ્યનો દરજ્જો આપવાની બાબત કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. આ બાબતે પણ બોડો અસમીઓ ધીરજ ગુમાવી રહ્યા છે. આ સંજોગોમાં બોડો સમુદાયનો અસંતોષ અવારનવાર ફાટી નીકળે છે. આવી જ ઘટના જુલાઈ, 2012માં બની જેમાં મૂળ બોડો પ્રજા અને બાંગ્લાદેશી વસાહતીઓ વચ્ચે ભારે તોફાનો ફાટી નીકળ્યાં. તેથી વ્યાપક પ્રમાણમાં લોકોને ઘરબાર છોડી રાહત-છાવણીઓમાં આશ્રય લેવાની ફરજ પડી. આથી આ બે સમુદાયો વચ્ચે ખરાખરીનો જંગ ઊભો થયો છે. વાસ્તવમાં તે આર્થિક લાભો મેળવવામાં તેમજ અસ્તિત્વ અને ઓળખ ટકાવવાની લડાઈ છે. આવા સંઘર્ષો દેશને માટે ચિંતાનો વિષય છે. 2010 પછી નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન ફોર અસમ (NRC)ના નામે નવો સંઘર્ષ શરુ થયો છે.

અસમમા ઉલ્ફાની સ્થાપના 1979માં થઈ હતી. પૂર્વોત્તરમાં આ સંગઠન વધુ હિંસાત્મક કાર્યવાહીમાં સંકળાયેલું હતું. 2010માં આ સંગઠન બે વિભાગમાં વહેંચાઈ ગયું હતું. એક ભાગનું નેતૃત્વ અરવિંદ રાજખોવાએ સંભાળ્યું હતું. જ્યારે બીજા ભાગનું નેતૃત્વ પરેશ બરૂઆએ સંભાળ્યું હતું. 2023માં શાંતિ સ્થાપવા માટે સરકાર તરફથી પ્રયત્નો થતા રહ્યાં હતાં પરંતુ બરૂઆ જૂથે શાંતિ સમજૂતિમાં જોડાવા ઇન્કાર કર્યો અને અરવિંદ રાજખોવાના જૂથે 700 લડાકુએ શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું. આ સંગઠનને કારણે છેલ્લા પચાસ વર્ષમાં દસ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતાં. ઉલ્ફાનાએક ઘટક સાથે જે ઐતિહાસિક શાંતિ કરાર થયા છે તે આવનારા વર્ષોમાં અસમ માટે વધુ લાભદાયી બનશે. આમ પૂર્વોત્તરમા ઉગ્રવાદનો અંત લાવવામાં કંઇક અંશે સફળતા મળી છે તેમ કહી શકાય.

ફાલ્ગુની પરીખ

અનુ. દેવવ્રત  પાઠક

રક્ષા મ. વ્યાસ