અસમઈ (જ. 74૦, બસરા, ઇરાક; અ. 828, બસરા, ઇરાક) : અરબી ભાષાવિદ્, સાહિત્યકાર. તેમનું નામ અબ્દુલ મલિક બિન કુરૈબ હતું. પરંતુ ‘અલ્ અસમઈ’ના નામે તેઓ પ્રસિદ્ધ છે. તેઓ બસરાના વતની હતા. અરબીના શબ્દકોશ રચનારાઓમાં તે શ્રેષ્ઠ ગણાતા. તેમને અરબી ભાષા અને તેની બધી બોલીઓ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હતું. ખલીફા હારૂન અલ્ રશીદે પોતાના પુત્ર અલ્ અમીનને શિક્ષણ આપવા માટે તેમને નીમ્યા હતા. અસમઈની પ્રખ્યાત કૃતિઓ ‘અલ્ ફુર્સ’, ‘અલ્ અર ઉજીઝો’ તથા ‘મજમૂઅતુલ અસ્મઇય્યાત’ છે. અસમઈની બીજી કૃતિઓ ‘કિતાબુલ ઇબિલ’ (ઊંટો વિશેનું પુસ્તક), ‘કિતાબુલ ખૈલ’ (ઘોડા વિશેનું પુસ્તક) અને ‘કિતાબુલ ખલ્કે ઇન્સાન’ (માનવસર્જન વિશેનું પુસ્તક) છે. તેઓ ગ્રંથપ્રકાશક, ભાષ્યકર્તા અને અરબી કાવ્યના વિવેચક પણ હતા. અરબી સાહિત્યના ઇતિહાસલેખકોનું મંતવ્ય છે કે અસમઈ જન્મ્યા ન હોત તો અરબી સાહિત્ય અને શબ્દકોશનો મોટો ભાગ નાશ પામ્યો હોત.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ