અસફજાહ, નિઝામુલ્મુલ્ક (જ. 20 ઑગસ્ટ 1671, આગ્રા, ઉત્તરપ્રદેશ; અ. 1 જૂન 1748, બુરહાનપુર, મધ્યપ્રદેશ) : હૈદરાબાદમાં નિઝામશાહીનો સ્થાપક. નિઝામુલ્મુલ્ક તરીકે જાણીતા મીર કમરુદ્દીન ચિન કિલિચખાન હેઠળ દખ્ખણનો સૂબો (પ્રાંત) સ્વતંત્ર થયો હતો. 17મી સદીના મધ્યમાં તેના પિતામહ ખ્વાજા આબિદ શેખ ઉલ્ ઇસ્લામ બુખારાથી ભારત આવીને ઔરંગઝેબની નોકરીમાં જોડાયા હતા. નિઝામુલ્મુલ્કની પિતા ગાઝીઉદ્દીન ફીરોઝજંગ પણ ઔરંગઝેબના સમયમાં આવેલા અને શાહી મુઘલ સેવામાં વિવિધ હોદ્દા ધરાવીને તેમણે કીર્તિ મેળવી હતી. મીર કમરુદ્દીનને તેર વર્ષની વયે નાની ટુકડીનો સરદાર નીમવામાં આવ્યો હતો. ત્યાંથી બઢતી આપીને તેને ચિન કિલિચખાનનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઔરંગઝેબના મૃત્યુ સમયે તે બીજાપુરમાં હતો અને શાહજાદાઓ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં તે તટસ્થ રહ્યો હતો. બહાદુરશાહે તેને દખ્ખણમાંથી હઠાવી અવધનો સૂબેદાર (governor) બનાવ્યો હતો. કેટલોક સમય તે જાહેર સેવામાંથી નિવૃત્ત થયો, પરંતુ બહાદુરશાહના અમલનાં છેલ્લાં વર્ષોમાં તેના પિતાનો ખિતાબ, ગાઝીઉદ્દીન ફીરોઝજંગ મેળવીને તે ફરી મુઘલ સેવામાં જોડાયો.
મુઘલ સમ્રાટ ફર્રુખશિયરે 1713માં તેને દખ્ખણનો સૂબો (governor) નીમ્યો અને તેને ખાનખાનાન તથા નિઝામુલ્મુલ્ક બહાદુર ફત્હજંગના ખિતાબો આપ્યા. તેણે દખ્ખણમાં મરાઠાઓની વધતી જતી સત્તાને અંકુશમાં રાખવા પ્રયાસો કર્યા. દિલ્હી દરબારમાં જૂથવાદને કારણે 1713ના અંતમાં દખ્ખણના હાકેમનો (Viceroy) હોદ્દો ગુમાવ્યો હતો. સૈયદ હુસેનઅલી તેના સ્થાને નિમાયો. નિઝામુલ્મુલ્કની મુરાદાબાદ બદલી કરવામાં આવી અને પછી તેને બિહાર મોકલવાનું પણ વિચારવામાં આવ્યું. નવા પ્રાંતનો હવાલો તે સંભાળે તે અગાઉ, ફર્રુખશિયરના શાસનનો અંત આવ્યો. પછી તેની માળવામાં બદલી કરવામાં આવી. માળવામાં તેણે ખમીર બતાવ્યું. તેણે અસીરગઢ અને બુરહાનપુરના કિલ્લા કબજે કર્યા તથા ખંડવા અને બાલાપુરની લડાઈઓમાં મુઘલ સૈન્યોને હરાવ્યાં. દિલ્હીમાં સૈયદોનું પતન થતાં, 172૦ના અંત સુધીમાં તે ફરી વાર દખ્ખણનો માલિક બન્યો. 11મી ઑક્ટોબર 1724ના રોજ વરાડમાં શકરખેડા મુકામે નિઝામુલ્મુલ્કે મુબારિઝખાનને હરાવી મારી નાખ્યો. તેણે પોતાને અસફજાહનો ખિતાબ આપવાની દિલ્હીના સમ્રાટને ફરજ પાડી. આ ખિતાબ તેના વારસો સદીઓ સુધી ભોગવતા હતા. આ સમયથી હૈદરાબાદના સ્વંતત્ર રાજ્યની સ્થાપના થઈ તેમ કહી શકાય.
1725માં નિઝામુલ્મુલ્ક વિજેતા તરીકે હૈદરાબાદમાં પ્રવેશ્યો. જૂન 1725માં તેને માફી આપીને દખ્ખણના હાકેમ (Viceroy) તરીકે માન્ય રાખતો હુકમ કરવામાં આવ્યો. પરંતુ માળવા અને ગુજરાતના સૂબાના પદેથી તેને દૂર કરવામાં આવ્યો. 1725 પછી નિઝામુલ્મુલ્કે દિલ્હીના મુઘલ સમ્રાટની દરમ્યાનગીરી વિના, દખ્ખણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને હૈદરાબાદ રાજ્યનો વિકાસ કર્યો. 1727થી 1731 સુધી તેણે મરાઠાઓ વચ્ચે કુસંપ કરાવવાના પ્રયાસો કર્યા, પરંતુ આખરે તેમાં નિષ્ફળતા મળી. બાજીરાવ પેશવાએ પાલખેડની લડાઈમાં નિઝામુલ્મુલ્કને હરાવ્યો અને મુંગીશેગાંવની સંધિ કરવા ફરજ પાડી. મરાઠાઓને ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા દેવા નિઝામ કબૂલ થયો.
1737માં નિઝામને મુઘલ સામ્રાજ્યનો મુખ્ય પ્રધાન નીમીને દિલ્હી બોલાવવામાં આવ્યો. મરાઠાઓ સામે કામ લેવાની તેની સમક્ષ તાત્કાલિક સમસ્યા હતી. છતાં 1738માં ભોપાલ પાસેની લડાઈમાં બાજીરાવે તેને હરાવ્યો. તેણે દુરાઈ સરાઈની સંધિ કરવી પડી. તે મુજબ માળવા તથા નર્મદા અને ચંબલ વચ્ચેનો પ્રદેશ બાજીરાવને આપવો પડ્યો. નાદિરશાહે આક્રમણ કર્યું ત્યારે નિઝામુલ્મુલ્ક દિલ્હીમાં હતો. ત્યાંથી દખ્ખણમાં પાછા ફર્યા બાદ તેણે હૈદરાબાદ રાજ્યને મજબૂત બનાવ્યું. ખાફીખાને નિઝામુલ્મુલ્કના દખ્ખણના કાર્યક્ષમ વહીવટી તંત્રની ભારોભાર પ્રશંસા કરી છે. અસફજાહ તેના સમયનો મહાન સેનાપતિ, મુત્સદ્દી અને વહીવટદાર હતો. ઔરંગઝેબના સમયના તથા તેની નીતિ અને પરંપરાઓના પ્રતિનિધિ તરીકે મુઘલ દરબારમાં તેનું સ્થાન પ્રતિષ્ઠિત વડીલ તરીકેનું હતું. 1739માં મોહમ્મદશાહની નિર્બળતાને લીધે તેને દિલ્હીની ગાદીએ બેસવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ અસફજાહે માલિકને વફાદાર રહી તે દરખાસ્ત સ્વીકારી નહોતી.
જયકુમાર ર. શુક્લ