અસફખાન : નૂરજહાંનો ભાઈ અને મુમતાઝ બેગમનો પિતા. નૂરજહાંએ મુમતાઝ અને શાહજહાંનો લગ્નસંબંધ ગોઠવી આપ્યો હતો. અસફખાન સામાન્ય રીતે નૂરજહાંનો પક્ષ લેતો, પરંતુ જહાંગીરના પાછલા વખતમાં તે મહોબતખાન સાથે મળી ગયો હતો. જહાંગીરને બંદીખાને રાખવા બદલ નૂરજહાંએ તેને ઠપકો આપ્યો હતો.

જહાંગીરના અવસાન બાદ અસફખાને પોતાના જમાઈ ખુર્રમ(શાહજહાં)ને ગાદીએ બેસાડવા માટે સફળતાપૂર્વક ખટપટ કરી હતી. તેણે શાહજહાંના અમલમાં બીજાપુર કબજે કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

‘અસફવિલાસ’નું સંસ્કૃત કાવ્ય જગન્નાથ પંડિતે અસફખાન માટે લખ્યું હતું.

ર. ના. મહેતા