અલ્પમૂત્રક અંત:સ્રાવ

January, 2001

અલ્પમૂત્રક અંત:સ્રાવ (ADH) : પીયૂષિકા (pituitary) ગ્રંથિના પાછળના ભાગમાં ઉત્પન્ન થતો અંત:સ્રાવ. આ અંત:સ્રાવ મૂત્રકનલિકાઓ(renal tubules)માંથી પાણીનું પુન:શોષણ કરાવે છે. તેનો સ્રાવ સાવ બંધ થાય તો પાણીનું પુન:શોષણ થતું અટકે છે. પાણીનો જે જથ્થો મૂત્રક(nephron)માં ગળાય, તે બધો જ મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આને અતિજલમેહ (diabetes insipidus) કહે છે. જો આ અંત:સ્રાવનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય તો મૂત્રકનલિકાની પુન:શોષણક્ષમતા વધી જાય છે. તેથી પેશાબમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને શરીરમાં પાણીનો ફરીથી સંગ્રહ થવા માંડે છે.

અલ્પમૂત્રક અંત:સ્રાવ(ADH)નું ઉત્પાદન

અલ્પમૂત્રક અંત:સ્રાવ કેવી રીતે કાર્ય કરે છે તે ચોક્કસ સમજી શકાયું નથી; પરંતુ એમ માનવામાં આવે છે કે અંત:સ્રાવ મૂત્રકનલિકાની સાથે જોડાય છે. તેનાથી સાઇક્લિક એ.એમ.પી.નું ઉત્પાદન વધે છે, જે પાણીનો મુક્ત પ્રવાહ પેદા કરે છે અને તેથી પેશાબમાં પાણી ઓછું જાય છે. શરીરમાં જ્યારે પણ ક્ષારનું પ્રમાણ પાણીના પ્રમાણ કરતાં વધી જાય, ત્યારે મગજનો અધશ્ર્ચેતક (hypothalamus) નામનો ભાગ ઉત્તેજિત થાય છે. તે પીયૂષિકા ગ્રંથિને ઉત્તેજિત કરે છે. આમ થવાથી અલ્પમૂત્રક અંત:સ્રાવનું ઉત્પાદન ઘટે છે. એ રીતે વધારાના પાણીનો નિકાલ થાય છે. શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય ત્યારે આનાથી વિરુદ્ધ અલ્પમૂત્રક અંત:સ્રાવનું ઉત્પાદન થાય છે. અલ્પમૂત્રક અંત:સ્રાવનું આસૃતિદાબ (osmotic pressure) દ્વારા નિયમન થાય છે. વળી શરીરમાં લોહીનું પ્રમાણ (volume) ઓછું થાય ત્યારે પણ અધશ્ચેતક ઉત્તેજિત થાય છે. જેના કારણે આ અંત:સ્રાવનું ઉત્પાદન વધે છે. આ અંત:સ્રાવ લોહીની નાની ધમનીઓને સંકોચે  છે. તેથી લોહીનું દબાણ વધે છે. આ ઉપરાંત અલ્પમૂત્રક અંત:સ્રાવ શરીરમાં સોડિયમના આયનો(ions)ના પ્રમાણનું પણ નિયમન કરે છે.

નવનીત શાહ

શિલીન નં. શુક્લ