અલ્પવિકાસ

January, 2001

અલ્પવિકાસ : અર્થતંત્રની સ્થગિતતા કે પરિવર્તનના અભાવમાંથી સર્જાતી આર્થિક પરિસ્થિતિ. દેશના અર્થતંત્રમાં પ્રાપ્ય સાધનોનો ઇષ્ટ તથા મહત્તમ ઉપયોગ કરવાથી આર્થિક વિકાસની જે સપાટી પ્રાપ્ત થઈ શકે તેનાથી નિમ્ન સ્તર અર્થતંત્રના અલ્પવિકાસનો નિર્દેશ કરે છે. અલ્પવિકાસ એ એક સાપેક્ષ ખ્યાલ છે. આર્થિક પરિબળોના સંદર્ભમાં વિકાસની ભિન્ન ભિન્ન અપેક્ષિત સપાટી ધ્યાનમાં લઈને જ તેનો વિચાર થઈ શકે; દા.ત., વિકાસની ગર્ભિત શક્તિ હોવા છતાં તેનો ઉપયોગ થતો ન હોય, ઉત્પાદનનાં ભૌતિક સાધનો તથા માનવમૂડી પૂર્ણ રોજગારીની સમતુલા ભોગવતાં ન હોય, દેશનું સામાજિક તથા આર્થિક માળખું વિકાસવિહીન, પ્રણાલીગત વ્યવસાયો પર જેમતેમ નભતું હોય, વિશ્વના અન્ય વિસ્તારોમાં થતાં પરિવર્તનો જેને સ્પર્શતાં પણ ન હોય અને આ બધાંને પરિણામે અર્થતંત્ર બંધિયાર હાલતમાં સબડતું હોય તો તે અલ્પવિકાસનું દ્યોતક ગણાય. અલ્પવિકાસ એ અર્થતંત્રની સ્થગિતતામાંથી કે પરિવર્તનના અભાવમાંથી સર્જાય છે. દેશની રાષ્ટ્રીય તથા માથાદીઠ આવકમાં વૃદ્ધિ હાંસલ કરવાની સંભાવના હોવા છતાં જ્યારે તેનું કદ નીચું રહે અને નીચી સપાટીએ સ્થગિત થઈ જાય ત્યારે અર્થતંત્ર અલ્પવિકાસથી પીડાય છે તેમ કહેવાય. કેટલાંક અર્થશાસ્ત્રીઓ અલ્પવિકાસને ‘નીચી આવકની સમતુલા’ (low income equilibrium) કહે છે તો બીજા તેને ‘ગરીબીનું વિષચક્ર’(vicious circle of poverty)ના ખ્યાલ દ્વારા સમજાવે છે. ગરીબી વાસ્તવમાં ઓછી ઉત્પાદકતા તથા ઓછી આવકની સપાટીમાંથીં પરિણમે છે. ઓછી આવકને લીધે બચતોની મૂડીરોકાણની સપાટીથી નીચી રહે છે. પરિણામે રોજગારી, આવક તથા વપરાશની સપાટી નીચી રહે છે અને આ બધાં પરિબળો અંતે ગરીબીને કાયમી બનાવે છે. આમ ગરીબી એ જ ગરીબીનું કારણ છે. ‘A country is poor, because it is poor’ એમ કહેવાય છે.

અલ્પવિકાસ એ અલ્પભૌતિક સાધનોની માફક માનવમૂડીની અછત અથવા તેની ઓછી ગુણવત્તાનું પરિણામ પણ છે. માનવમૂડીની ગુણવત્તા શિક્ષણનું પ્રમાણ, તેની ગુણવત્તા, તાલીમની સગવડો, સમાજવ્યવસ્થાનું સ્વરૂપ, પ્રજાની આકાંક્ષાઓ, લોકમાનસનું સ્વરૂપ જેવાં અનેક પરિબળોને આધીન હોય છે. ભારતમાં ઊંચી ગુણવત્તા ધરાવતાં મબલક ભૌતિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં માનવમૂડીની ઓછી ગુણવત્તાને લીધે દેશ તેના અલ્પવિકાસનો નિર્દેશ કરે છે. ભારતીય પ્રજાના માનસ પર ધર્મનું આંધળું વર્ચસ્, વિઘાતક જ્ઞાતિપ્રથા, સંયુક્ત કુટુંબ-પદ્ધતિ, વતન પ્રત્યેનો બિનજરૂરી લગાવ, ભાષા તથા પ્રાંતવાદ – આ બધાં પરિબળો અમુક અંશે ગતિશીલ માનસનાં અવરોધક ગણાય. અલ્પવિકાસ તેનું પરિણામ છે.

વિકાસની ભિન્ન ભિન્ન સપાટીને આધારે વિશ્વના દેશોને અલ્પવિકસિત, વિકાસશીલ અને વિકસિત – આ ત્રણ મુખ્ય સમૂહોમાં વહેંચી નાખવામાં આવે છે. વિકાસ એ એક પ્રક્રિયા છે તો અલ્પવિકાસ એ તેની નિમ્ન સપાટી સૂચવે છે.

જુદા જુદા નિર્દેશકો દ્વારા અલ્પવિકાસ વ્યક્ત કરી શકાય. આધુનિક ઢબે ઔદ્યોગિક વિકાસના અભાવે કોઈ દેશની મોટાભાગની વસ્તી કૃષિક્ષેત્રમાંથી આજીવિકા મેળવતી હોય અને નિભાવ પૂરતી ખેતીવ્યવસ્થા હોવાથી કૃષિઉત્પાદનમાં અનાજના ઉત્પાદન તરફનો ઝોક વધારે હોય તો તેનું માળખું અલ્પવિકાસ વ્યક્ત કરે છે. આ અર્થમાં બસો વર્ષ પહેલાં વિશ્વના બધા જ દેશો અલ્પવિકસિત હતા. ઔદ્યોગિક ક્રાંતિએ દેશ દેશ વચ્ચેના આર્થિક તફાવતમાં વધારો કર્યો છે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવકની સપાટી નીચી હોવાથી મૂડીસર્જનનો દર નીચો હોય છે. પરિણામે બચતોમાંથી દેશના ભાવિ વિકાસ માટે પૂરતા પ્રમાણમાં મૂડીનો જથ્થો ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય તો તે અલ્પવિકાસનો નિર્દેશ કરે છે. ભાવિ આર્થિક વિકાસ માટે અર્થતંત્રમાંથી જ સાધનો યોજવાની સમસ્યા અલ્પવિકાસ સાથે સંકળાયેલી છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ પ્રણાલીગત વ્યવસાયો અને તેવી ઉત્પાદનપદ્ધતિને અલ્પવિકાસ કહે છે; તો બીજા વસ્તીવિસ્ફોટ, બાળમૃત્યુનું ઊંચું પ્રમાણ, વ્યાપક બેકારી તથા વસ્તીની નીચી સરેરાશ અપેક્ષિત આયુમર્યાદા (average life expectancy) દ્વારા અલ્પવિકાસનો ખ્યાલ સમજાવવાનો પ્રયાસ કરે છે. અલ્પવિકાસના ખ્યાલ અંગે એ રીતે મતમતાંતર પ્રવર્તે છે.

સ્વૈરવિહાર પર રચાયેલા તથા આર્થિક આયોજનને વરેલા બંને પ્રકારના દેશો ‘વિકાસ’ સાધવાનો પ્રયાસ કરતા હોય છે, છતાં વિકાસની કોઈ સર્વમાન્ય વ્યાખ્યા હજુ સુધી તારવવામાં આવેલી નથી; એટલું જ નહિ, પરંતુ વિકાસની વિભાવના માત્ર આર્થિક વિકાસ સાથે સંબંધ ધરાવે છે તેવો અભિપ્રાય મોટાભાગના વિચારકોનો છે. પરિણામે બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના અરસામાં માથાદીઠ વાસ્તવિક ઉત્પાદનમાં ઝડપી અને સતત વધારો થાય તો તે વિકાસ ગણાતો. આ અર્થમાં વિચારીએ તો જે દેશો માથાદીઠ વાસ્તવિક ઉત્પાદનમાં ઝડપી અને સતત વધારો હાંસલ કરવામાં અશક્તિમાન સાબિત થયા છે તે અલ્પવિકાસથી પીડાય છે તેમ કહી શકાય, પરંતુ વિકાસ કે અલ્પવિકાસ અંગેની આ વિચારસરણીમાં ભૌતિક ઉત્પાદનના કદના પરિબળને વધુ પડતું મહત્વ આપવામાં આવ્યું છે અને ભૌતિક ઉત્પાદન હાંસલ કરનાર માનવ-પરિબળની અવગણના કરવામાં આવી છે. દેશની માનવસંપત્તિની ગુણવત્તા, વિકાસ પ્રત્યેનો પ્રજાનો દૃષ્ટિકોણ તથા અભિગમ, સમાજનું સંસ્થાકીય માળખું, લોકોનાં વિવિધ સંગઠન 1 – આ બધી બાબતોનો વિચાર કર્યા વિના વિકાસ કે અલ્પવિકાસની વિભાવના વ્યક્ત કરવી યોગ્ય ગણાય નહિ; તેથી માત્ર આર્થિક નિર્દેશકોને આધારે વિકાસ કે અલ્પવિકાસનો વિચાર કરવાને બદલે એ એક વ્યાપક પ્રક્રિયા છે અને તેમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને રાજકીય પરિબળો પણ ભાગ ભજવે છે એ હકીકતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ, વિકાસ અને અલ્પવિકાસને ઉત્પાદનલક્ષી પરિબળ દ્વારા મૂલવવાને બદલે માનવ-પરિબળને તેમાં કેન્દ્રસ્થાન આપવામાં આવ્યું છે. 1960ના અંત સુધી પુરવાર થયું કે રાષ્ટ્રીય કે માથાદીઠ ઉત્પાદન તથા આધુનિકીકરણનું વિસ્તરણ – આ બંને વિશ્વના મોટાભાગના દેશોની પ્રજાના જીવનધોરણ પર અનુકૂળ અસર કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે; એટલું જ નહિ, પરંતુ ‘વિકાસ’ વધતો જાય છે તેની સાથે જ આર્થિક અને સામાજિક વિષમતાઓ અને અસમાનતાઓ પણ વધી રહી છે. વાસ્તવિક જીવન સાથે સીધો સંબંધ ધરાવતી આ હકીકતના સાક્ષાત્કારને લીધે વિકાસ કે અલ્પવિકાસ અંગેની વિભાવનામાં ગરીબીથી પીડાતા વિશ્વની વસ્તીના એક મોટા સમૂહની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાની બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ રીતે વિચારીએ તો જે દેશો પોતાના દેશની કુલ વસ્તીના મોટા સમૂહની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરવા અશક્ત છે તે દેશો અલ્પવિકસિત છે તેવો ખ્યાલ પ્રચલિત થયો તેની સાથે એમ પણ સ્વીકારવામાં આવ્યું કે અલ્પવિકસિત દેશોની પર્યાવરણની સમસ્યા મહદંશે તેમની ગરીબીની સમસ્યા સાથે સંકળાયેલી છે અને તેના નિરાકરણ માટે વિકાસની નવી વ્યૂહરચના અનિવાર્ય છે.

આમ, અલ્પવિકાસ એ એક સાપેક્ષ અને તર્કસંગત વિભાવના છે. તેનો સીધો સંબંધ સમાજના કલ્યાણ સાથે રહેલો છે. બહોળા અર્થમાં વિચારીએ તો સમાજના બધા લોકોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પાણી, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ તથા આરોગ્યસેવા સંતોષાય, માનવ ભયમુક્ત થાય, તેનું જીવન નિશ્ર્ચિંત બને, સમાજની સાંસ્કૃતિક અસ્મિતા જળવાય અને લોકોની ભાગીદારી તથા આત્મનિર્ભરતા વધે તેમાં વિકાસની નવી વ્યૂહરચના જોઈ શકાય તેમ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે