અલ્પપ્રતિગ્રાહીકરણ

January, 2001

અલ્પપ્રતિગ્રાહીકરણ (hyposensitization) : ઍલર્જી ઘટાડવાની પ્રક્રિયા. રોગ સામે રક્ષણ માટે શરીરમાં પ્રતિરક્ષાક્ષમતા (immunity) રહેલી છે. તે બહારના પદાર્થોમાં રહેલા પ્રોટીનના બનેલા પ્રતિજન(antigen)ને ઓળખીને તેની સામે વિશિષ્ટ પ્રતિદ્રવ્ય (antibody) બનાવે છે. આ પ્રતિદ્રવ્ય જ્યારે તેના સંબંધિત પ્રતિજનના સંપર્કમાં આવે ત્યારે તેને ગ્રહી લે છે અને તેની અસરને નાબૂદ કરે છે. આ સ્થિતિને પ્રતિગ્રાહિતા (sensitivity) કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ ચોક્કસ પદાર્થમાં પ્રતિજન માટે વધુ પડતી પ્રતિગ્રાહિતા દર્શાવે ત્યારે તેને અતિપ્રતિગ્રાહિતા (hypersensitivity) કહે છે. તેને વિષમોર્જા અથવા ઍલર્જી કહે છે. આવી વ્યક્તિને ઍલર્જિક તથા આવા પ્રતિજનને ઍલર્જન (allergen) કહે છે. પ્રતિગ્રાહિતા રોગનો પ્રતિકાર કરવા માટેની ઉપયોગી પ્રતિરક્ષા-પ્રક્રિયા છે, જ્યારે અતિપ્રતિગ્રાહિતા (ઍલર્જી) નુકસાનકારક પણ નીવડી શકે છે. અતિપ્રતિગ્રાહિતાને અતિસંવેદનશીલતા પણ કહે છે. આના ઉપચાર અથવા અલ્પસંવેદીકરણ માટે વિકસાવવામાં આવેલી પદ્ધતિને અલ્પપ્રતિગ્રાહીકરણ કહે છે. તેને માટે વ્યક્તિ જે પ્રતિજન માટે ઍલર્જિક (વિષમોર્જિત) હોય તે પ્રતિજનનું, તેની ઓછી સાંદ્રતા- (concentration)વાળું અર્થાત્ મંદ માત્રાવાળું, ઇન્જેક્શન દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. દર્દીનું શરીર આ પ્રતિજનની સામે ખાસ પ્રકારનું પ્રતિદ્રવ્ય બનાવે છે, જે ઍલર્જી માટે જવાબદાર એવા IgG પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને તેને નિષ્ક્રિય બનાવે છે. આમ, આ નવું પ્રતિદ્રવ્ય પ્રતિજન સામે ઍલર્જિક પ્રતિક્રિયા કરતા મૂળ પ્રતિદ્રવ્યને કાર્ય કરતાં અવરોધે છે, તેથી તેને અવરોધી પ્રતિદ્રવ્ય પણ કહે છે.

અલ્પપ્રતિગ્રાહીકરણનો પ્રયોગ ખાસ કરીને શ્વાસમાં આવવાથી ઍલર્જી કરતા ઍલર્જનને માટે કરવામાં આવે છે. આવા ઍલર્જનથી દર્દી સામાન્ય રીતે દૂર રહી શકતો નથી. આવા ઍલર્જનમાં કેટલાંક ફૂગનાં રજકણો, ધૂળનાં રજકણો વગેરેનો સમાવેશ થાય છે. તેથી, અલ્પપ્રતિગ્રાહીકરણ ખાસ કરીને ઍલર્જિક દમ તથા ઍલર્જિક નાસિકાશોથ(rhinitis)ના દર્દીઓને સારવાર માટે ઉપયોગી છે.

આ ખૂબ લાંબી તથા 4-5 વર્ષનો સમયગાળો માંગી લે એવી પ્રક્રિયા હોવાથી ડૉક્ટરે આ પ્રકારની સારવાર ચાલુ કરતાં પહેલાં મહત્વના તથા સાચા ઍલર્જનની શોધ કરવી જોઈએ, તેમજ સારવાર અંગેની આવશ્યકતા કેટલે અંશે છે તે વિચારી લેવું જોઈએ. માટે દર્દીએ આપેલી ઍલર્જનની માહિતી તથા ઍલર્જી-કસોટી દ્વારા પકડાયેલા ઍલર્જન માટે અલ્પપ્રતિગ્રાહીકરણ-પદ્ધતિ વધુ યોગ્ય ગણાય.

સામાન્ય રીતે અલ્પપ્રતિગ્રાહીકરણ માટે ખાસ પ્રકારની રસી (vaccine) આવે છે. આ રસીમાં જેટલી સાંદ્રતાવાળા ઍલર્જનને શરીરમાં દાખલ કરવાથી 2+ કે તેથી વધુ પ્રમાણમાં હકારાત્મક ઍલર્જી-કસોટી આવતી હોય તો તેનાથી પચાસમા કે સોમા ભાગની સાંદ્રતાવાળું મંદ પ્રવાહી દાખલ કરવું જોઈએ.

અલ્પપ્રતિગ્રાહીકરણની ત્રણ ભિન્ન પદ્ધતિઓ છે : (1) ઋતુપૂર્વ (preseasonal) ચિકિત્સા : આમાં દર્દીને ઍલર્જીના હુમલા જે ઋતુમાં થતા હોય તે ઋતુ આવતાં પહેલાં દર વર્ષે રસી આપવામાં આવે છે. (2) ઋતુકાલ (co-seasonal) ચિકિત્સા : આમાં દર્દીને ચિહ્નો શરૂ થતાંની સાથે તેમજ ઋતુમાં સારવાર આપવામાં આવે છે. (3) નિરંતર (perennial) ચિકિત્સા : દર્દીને દરેક ઋતુમાં એટલે કે આખું વર્ષ સારવાર અપાય છે.

એક વર્ષ સારવાર આપ્યા પછી તબીબી દર્દીને કેટલી રાહત થઈ છે તે નક્કી કરે છે. જો 50 % કે તેથી વધુ રાહત હોય તો તે સારવાર પછીનાં ચાર વર્ષ સુધી સામાન્ય રીતે ચાલુ રાખે છે અને જો 30 %થી ઓછી રાહત હોય તો સારવાર લાભદાયક થશે નહિ એમ માનીને તે બંધ કરવી હિતાવહ હોય છે.

ગૌતમ ભગત