અમીચંદ (જ. ?; અ. 1767) : ધનને ખાતર દેશદ્રોહ કરનાર શરાફ, મૂળ નામ અમીરચંદ. અમૃતસરનો આ શીખ વેપારી કલકત્તામાં વસીને શરાફીનો ધંધો કરતો હતો. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલા સામે જીતવું અશક્ય હોવાથી ક્લાઇવે કાવતરું કરી નવાબના સરસેનાપતિ મીરજાફર, શ્રીમંત શ્રૉફ જગતશેઠ અને રાય દુર્લભને નવાબ વિરુદ્ધ બળવો કરવા લલચાવ્યા. કાવતરાની વિગતો અમીચંદ દ્વારા નક્કી કરી. અમીચંદે રૂપિયા 30 લાખ માગ્યા, નહિતર કાવતરું જાહેર કરવાની ધમકી આપી. સંધિની શરતોમાં રકમ આપવાનો ઉલ્લેખ કરાવવા રૉબર્ટ ક્લાઇવે બે નકલો તૈયાર કરાવી. સફેદ કાગળની સંધિમાં રૂ. 30 લાખ આપવાનો ઉલ્લેખ ન કર્યો. લાલ કાગળની સંધિમાં રકમનો ઉલ્લેખ કરી તે નકલ તેને બતાવી. વૉટસન કબૂલ ન થવાથી બનાવટી દસ્તાવેજમાં ક્લાઇવે તેની સહી બીજા પાસે કરાવી. પ્લાસીના યુદ્ધ બાદ અમીચંદે નાણાં માગ્યાં ત્યારે ક્લાઇવે બનાવટી દસ્તાવેજ બતાવી તેને શાંત કર્યો. અમીચંદને તેનાથી સખત આઘાત લાગ્યો હતો. આ કિસ્સા ઉપરથી ધનને ખાતર દેશદ્રોહ કરનારને ‘અમીચંદ’ કહેવાનું રૂઢ બની ગયું છે.

જયકુમાર ર. શુક્લ