અમીન, આર. કે. (જ. 24 જૂન 1923, બાવળા, જિ. અમદાવાદ; અ. 30 નવેમ્બર 2004) : ગુજરાતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા લોકસભાના પૂર્વ સભ્ય. પૂરું નામ રામદાસ કિશોરદાસ અમીન. માતાનું નામ નાથીબહેન. પિતા કપાસના વેપારી. પ્રાથમિક શિક્ષણ વતન બાવળામાં. માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદ ખાતે. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું, ‘ભારત છોડો’ આંદોલનમાં નવ માસ સુધી ભૂગર્ભમાં રહ્યા અને તે દરમિયાન સરકારી મકાનો અને અન્ય સંપત્તિને લક્ષ્ય બનાવી તોડફોડની પ્રવૃત્તિ કરી. તે જ અરસામાં ‘ભભૂકતી જ્વાળા’ શીર્ષક હેઠળ નવલકથા લખી. 1943માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં વધુ અભ્યાસ માટે જોડાયા અને 1944માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા અર્થશાસ્ત્ર વિષય સાથે પાસ કરી, જેમાં યુનિવર્સિટીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને 1948માં અર્થશાસ્ત્ર (entire) વિષય સાથે એમ. એ. ની પરીક્ષા પાસ કરી અને તેમાં પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. 1951માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એસસી. થયા અને તેમાં પણ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. 1951-52માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને પાછા લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા, જ્યાંથી 1954માં એમ.એસસી.(અર્થશાસ્ત્ર)ની પદવી પ્રાપ્ત કરી અને તેમાં ઇકૉનૉમિક હિસ્ટ્રી અને ઇકૉનૉમિક સ્ટૅટિસ્ટિક્સમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. સ્વદેશ પાછા આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ફરી અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા (1953-54). 1954માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના બી. જે. વાણિજ્ય વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે નિમાયા (1954-59). દરમિયાન એક વર્ષની રજા લઈને દિલ્હી ખાતેની નૅશનલ કાઉન્સિલ ઑવ્ એપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ(NCAER)માં સીનિયર ઇકૉનોમિસ્ટ તરીકે બસ્તી જિલ્લાનો સામાજિક-આર્થિક અહેવાલ અને પાણીના પુરવઠાના તેમજ સિંચાઈ ક્ષેત્રમાં મૂડીરોકાણના માનદંડો નક્કી કરતો અહેવાલ તૈયાર કર્યા.

આર. કે. અમીન

1958-66ના ગાળામાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તથા યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે કામગીરી કરી. ત્યારથી તેઓ યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓ પર કામ કરતા રહ્યા છે. આ યુનિવર્સિટી માટે શરૂઆતનું નાણાભંડોળ ભેગું કરવામાં પણ તેમનો ફાળો સક્રિય રહ્યો હતો. 1966માં જાહેર જીવનમાં ઝંપલાવવા માટે અધ્યાપનના વ્યવસાયને તિલાંજલિ આપી અને સ્વતંત્ર પક્ષમાં સક્રિય બન્યા. 1967માં આ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાના ધંધૂકા મતવિસ્તારમાંથી વિજય મેળવી લોકસભાના સભ્ય બન્યા (1967-70). ત્યારબાદ કૉંગ્રેસ અને સામ્યવાદી વિરોધી જુદા જુદા પક્ષોના વિલયથી રચવામાં આવેલા જનતા પક્ષના ઉમેદવાર તરીકે 1977માં સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર વિજય મેળવ્યો અને બીજી વાર લોકસભાના સભ્ય બન્યા (1977-80). 1968-70 દરમિયાન જનતા પક્ષના રાષ્ટ્રીય સ્તરના સંયુક્ત સેક્રેટરીની જવાબદારી વહન કરી અને 1968-71 દરમિયાન તેની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય રહ્યા. 1974-77 દરમિયાન ભારતીય લોકદળ પક્ષના ગુજરાત એકમના વડા તરીકે કામ કર્યું. તે સમયે અસ્તિત્વ ધરાવતો જનતા પક્ષ વિખેરવામાં આવ્યા બાદ ભારતીય લોકદળ પક્ષની સ્થાપના થઈ હતી, જેના રાષ્ટ્રીય સ્તરના સામાન્ય મંત્રી તરીકે અને પક્ષના સંસદીય બોર્ડના સભ્ય તરીકે પ્રો. અમીને સેવાઓ આપી હતી. 1984-89 દરમિયાન ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તથા ગુજરાત શાખાના ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી. એ પછી 1989માં તેમણે જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.

1962-99 દરમિયાન વલ્લભવિદ્યાનગર ખાતેના ઍગ્રોઇકૉનૉમિક સેન્ટરના તથા 1968-99 દરમિયાન અખિલ ભારતીય ઇકૉનૉમિક રિસર્ચ સેન્ટરના સંચાલક મંડળના સભ્ય તરીકે તથા અખિલ ભારતીય કુર્મી ઍસોસિયેશનના પ્રમુખ તરીકે પ્રો. અમીને કામગીરી કરી હતી. ઉપરાંત, 1954-67 દરમિયાન ઑલ ઇન્ડિયા ઇકૉનૉમિક ઍસોસિયેશનની કારોબારીમાં તેમની વરણી થતી રહી હતી. 1972માં ગુજરાત ઇકૉનૉમિક કૉન્ફરન્સના પાંચમા અધિવેશનના અધ્યક્ષપદે તેઓ ચૂંટાયા હતા. 1970માં ભારતના જાહેર ક્ષેત્રના એકમોની અખિલ ભારતીય સમિતિ પર તથા 1978-80 દરમિયાન કેન્દ્ર સરકારના એક્સપેન્ડિચર કમિશન પર તેમની નિમણૂક થઈ હતી.

તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, યુરોપના દેશો, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો, કુવૈત, આફ્રિકાના કેટલાક દેશો વગેરેની મુલાકાત લીધી છે.

પ્રો. અમીને મુખ્યત્વે અર્થશાસ્ત્ર પર વિપુલ લેખનકાર્ય કર્યું છે. તેમાં અંગ્રેજી અને ગુજરાતી પાઠ્યપુસ્તકો ઉપરાંત મૂડીવાદ પર મૌલિક ગ્રંથ લખ્યો છે તથા ખેડા જિલ્લાના ઔદ્યોગિક વિકાસની ગર્ભિત શક્તિઓનું આલેખન કર્યું છે. અર્થશાસ્ત્રને લગતાં જુદાં જુદાં સામયિકોમાં તેમના લેખો પ્રકાશિત થતા રહ્યા છે.

1943માં ભૂગર્ભમાંથી બહાર આવ્યા પછી તેમણે ગુજરાતના અન્ય યુવાનો સાથે કાશ્મીરનો પગપાળા પ્રવાસ કર્યો હતો અને તે દરમિયાન નૅશનલ કૉન્ફરન્સના નેતા બક્ષી ગુલામ મોહંમદના મહેમાન રહ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે