અમિસ, કિંગ્ઝલી (જ. 16 એપ્રિલ 1922, ક્લેફામ, લંડન; અ. 22 ઑક્ટોબર 1995, લંડન, યુ.કે.) :  અંગ્રેજ કવિ અને નવલકથાકાર. શિક્ષણ સિટી ઑવ્ લંડન સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. પત્ની એલિઝાબેથ જેન હાવર્ડ અને પુત્ર માર્ટિન બંને નવલકથાકાર. સ્વાનસી, કૅમ્બ્રિજ(1948–61)માં અધ્યાપક અને પીટરહાઉસ, કૅમ્બ્રિજ(1961–63)ના ફેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘રૉયલ કોર ઑવ્ સિગ્નલ્સ’માં લેફ્ટનન્ટ તરીકે સેવા. વેલ્સ, ઇંગ્લૅન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સની યુનિવર્સિટીઓમાં અધ્યાપન. ‘બ્રાઇટ નવેમ્બર’ (1947), ‘અ ફ્રેમ ઑવ્ માઇન્ડ’ (1953) અને ‘અ કેસ ઑવ્ સૅમ્પલ્સ’ (1956) કાવ્યસંગ્રહો. રૉબર્ટ કૉન્ક્વેસ્ટે સંપાદિત કરેલ ‘ન્યૂ લાઇન્સ’(1956)માં તેમનાં કાવ્યોને યથાયોગ્ય સ્થાન આપ્યું છે. તેમની સમગ્ર કવિતા ‘કલેક્ટેડ પોએમ્સ’ (1979) છે. તેમણે ‘ધ ન્યૂ ઑક્સફર્ડ બુક ઑવ્ લાઇટ વર્સ’ (1978) કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું છે. તેમની પ્રથમ નવલકથા ‘લકી જિમ’ (1954, ચિત્રપટ 1957) દ્વારા તેમને લોકપ્રિયતા મળી. આ નવલકથાનો પ્રતિનાયક (antihero) જિમ ડિક્સન નીચલા મધ્યમ વર્ગનો ઉગ્રમતવાદી અધ્યાપક છે. તે શિષ્યવૃત્તિઓ મેળવી આગળ વધેલો શ્રમજીવી જુવાન છે. નોકરીધંધાની શોધ કરતાં તેને સમજાય છે કે સારાં આરામદાયી સ્થાનો તો મોટા શ્રીમંત ઘરના નબીરાઓ માટે જ જાણે અનામત હોય છે. ‘ઍંગ્રી યંગ મૅન’ – ઉદ્દંડ યુવાન – તરીકે વાચકોએ આ પાત્રને બિરદાવ્યું. છઠ્ઠા દસકામાં તો ગ્રેટ બ્રિટનમાં આ નામ ઘેર ઘેર જાણીતું થયું હતું. ‘ધૅટ અનસર્ટન ફીલિંગ’(1955, ચિત્રપટ ‘ઓન્લી ટૂ કૅન પ્લે’, 1962)માં જિમ જેવો જ પ્રતિનાયક છે. કિંગ્ઝલીની પૉર્ટુગલની મુલાકાતે ‘આઇ લાઇક ઇટ હિયર’ (1958) નામની વિનોદપ્રધાન નવલકથાને જન્મ આપ્યો. ‘ટેક એ ગર્લ લાઇક યૂ’ (1960, ચિત્રપટ 1970) નવલકથા છે. અમેરિકામાં અધ્યાપનકાર્યના અનુભવે ‘વન ફૅટ ઇંગ્લિશમૅન’ (1963) નવલકથા સર્જાઈ. ‘ધી ઍન્ટિ-ડેથ લીગ’ (1966) નામની જાસૂસી નવલકથામાં પ્રભુના વલણ પ્રત્યે ગંભીર ફરિયાદ છે. ‘કર્નલ સન’ (1968) – ‘રૉબર્ટ માર્ખામ’ના તખલ્લુસથી પ્રસિદ્ધ થઈ હતી. તે જેમ્સ બૉન્ડ પ્રકારની થ્રિલર છે. ‘ધ ગ્રીન મૅન’ (1969) અલૌકિક વાતાવરણની કથા છે. ‘ધ રિવરસાઇડ વિલાઝ મર્ડર’ (1973) અને ‘ઑન ડ્રિન્ક’ (1973)  બંને ડિટેક્ટિવ નવલકથાઓ છે. ‘ધી ઑલ્ટરેશન’(1976)માં એક એવા સમાજની કલ્પના કરી છે; જેમાં કોઈ પણ જાતના સામાજિક કે રાજકીય સુધારાને સ્થાન નથી અને જે કંઈ કહો તેમાં નામદાર પોપની સત્તા જ સર્વોચ્ચ છે. ‘જૅક્સ થિંગ’ (1979) અને નારીવાદની વિરુદ્ધમાં લખાયેલી ‘સ્ટૅનલી ઍન્ડ ધ વિમેન’ (1984) નવલકથાઓ છે. વેલ્સના મધ્યમવર્ગ પ્રત્યે વ્યંગ કરતી ‘ધી ઓલ્ડ ડેવિલ્સ’ (1986) નવલકથા માટે તેમને ‘બ્રુકર પ્રાઇઝ’ એનાયત થયું હતું. ‘ન્યૂ મૅપ્સ ઑવ્ હેલ’ (1960) અને ‘ધ ગોલ્ડન એજ ઑવ્ સાયન્સ ફિક્શન’ (1981) વૈજ્ઞાનિક પરીકથાઓ છે. ‘રડ્યાર્ડ કિપલિંગ ઍન્ડ હિઝ વર્લ્ડ’ (1975) તેમનો વિવેચનગ્રંથ છે. તેમણે કિપલિંગનું જીવનચરિત્ર પણ લખ્યું છે. 1990માં તેમને બ્રિટિશ ઉમરાવપદ  બક્ષવામાં આવ્યું હતું. ‘ધ ફૉક્સ ધૅટ લિવ ઑન ધ હિલ’ (1990)માં મધ્યમવર્ગના નિવૃત્ત અને વાતવાતમાં ફરી જનાર નબીરાઓનું કટાક્ષથી ભરપૂર ચિત્રણ છે. ‘ધ રશિયન ગર્લ’ માનવરીતભાતોની રમૂજ કરતી હાસ્યરસપ્રધાન નવલકથા છે. ‘યુ કાન્ટ ડૂ બોથ’ (1994) તેમની છેલ્લી નવલકથા છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી