અફીણ વિગ્રહો : અફીણની દાણચોરીને કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. 19મી સદીની ત્રીસીને અંતે બ્રિટન ભારતમાં મુખ્ય સત્તા બની ચૂક્યું હતું. તેનાં વ્યાપારી હિતો ચીન સુધી વિસ્તર્યાં હતાં. ચીન સાથેના વ્યાપારમાં લાંબા સમય સુધી સોનાચાંદી દ્વારા ચીની માલ ખરીદવો પોસાય નહિ તેથી તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત, તેનો વ્યાપાર ગેરકાયદેસર હતો-દાણચોરીથી અફીણ ચીન મોકલાતું. તેને લીધે ચીની પ્રજાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. આથી ચીને 1800માં અફીણની આયાત પર પ્રતિબંધ મૂક્યો. પણ દાણચોરીથી અફીણ આવતું જ રહેતું. અધિકારીઓ લાંચરુશવત લઈ વ્યાપાર ચાલવા દેતા. 1839માં ચીને લીન-ત્સે-હ્સૂની શાહી કમિશનર તરીકે નિમણૂક કરી. તેને પૂરતી સત્તાઓ આપી હતી. તેણે વેપારીઓ પાસેથી અફીણની 20,000 પેટીઓ જપ્ત કરીને તેનો નાશ કર્યો. વ્યાપારીઓ પાસેથી લેખિત બાંયધરી લીધી કે તેઓ અફીણનો ધંધો નહિ કરે. આમ છતાં અફીણનો ધંધો ચાલુ રહ્યો. આવા એક કિસ્સામાં ઝપાઝપીમાં ખૂન થયું. ખૂનીને શોધી ચીન સરકારને હવાલે કરવા બ્રિટિશ પ્રતિનિધિને જણાવવામાં આવ્યું. તેમ ન થતાં બ્રિટિશ જહાજોને ચીનના દરિયામાંથી દૂર ચાલ્યાં જવાનો આદેશ અપાયો. જેનો અનાદર થતાં અફીણ યુદ્ધ શરૂ થયું (1839). ચીનની એવી માન્યતા હતી કે અફીણના ગેરકાયદે વ્યાપારમાં માત્ર ખાનગી વ્યાપારીઓનું જ હિત હશે અને બ્રિટિશ સરકાર આવા દાણચોરીના ધંધાને પ્રોત્સાહન નહિ આપે, પણ બ્રિટન ગીચ વસ્તીવાળા ચીનને વસાહતમાં ફેરવી નાખવા ઉત્સુક હતું અને અફીણનો વ્યાપાર કાયદેસર કરવામાં રસ ધરાવતું હતું. યુદ્ધ દરમ્યાન જૂન 1842માં શાંગહાઈ અને જુલાઈમાં ચિન્કીયાંગ પરાસ્ત થયા. ઑગસ્ટમાં બ્રિટિશ સૈનિકો નાનકિંગ આવી પહોંચ્યા. ચીને શરણાગતિ સ્વીકારી. 1842ના ઑગસ્ટમાં નાનકિંગની સંધિ થઈ.
હૉંગકૉંગ બ્રિટનને મળ્યું. કૅન્ટૉન, શાંગહાઈ, કુચૌઉ, નીંગપો, એમોંય એ પાંચ બંદરો વ્યાપાર તથા વસવાટ માટે ખુલ્લાં મુકાયાં તથા ચીને રૂ. 10.5 કરોડ આપવાનું સ્વીકાર્યું, જેમાં રૂ. 3કરોડ અફીણના નાશ માટે હતા.
આમ ચીનનાં દ્વાર વિદેશીઓ માટે ખોલવામાં બ્રિટન સફળ રહ્યું. અમેરિકા, ફ્રાંસ, બેલ્જિયમ, સ્વીડન, નૉર્વે અને રશિયાએ પણ બ્રિટન જેવી સંધિઓ કરી.
પણ હવે તેની ભૂખ ઊઘડી. વ્યાપારીઓની રાજકારણ પર અને સંસદ પર પકડ-વગ હતાં, તેથી બ્રિટિશ સરકાર વધુ લાભ મેળવવા સારુ યુદ્ધ કરવા માટે બહાનાની શોધમાં હતી.
‘ઍરો’ નામનું જહાજ દાણચોરને લઈ કૅન્ટૉન બંદરે લાંગર્યું. ચીની કમિશનરે જહાજના માણસોને ગિરફતાર કરવાનો હુકમ કર્યો. બ્રિટને વાંધો લીધો કે એ જહાજ એની પાસે રજિસ્ટર્ડ થયેલું હતું, તેથી ચીન તે રીતે વર્તી ન શકે. કમિશનરને માફી માગવાનું કહ્યું, પણ કમિશનરે તેમ કરવા ના પાડી.
આ જ અરસામાં દેશદ્રોહની પ્રવૃત્તિઓ માટે ક્વાંગ્સ્તના એક અધિકારીએ ફ્રાંસના કૅથલિક પાદરીને ફાંસીની સજા કરી. આથી ફ્રાંસ છેડાયું. ઇંગ્લૅન્ડ-ફ્રાંસનાં સંયુક્ત દળોએ ચીન પર યુદ્ધ લાદ્યું. તીન્સીન અને પિકિંગ સુધી દળો પહોંચ્યાં અને તીન્સીન મુકામે ચીને સંધિ કરી. ચીને રાજદૂતો પિકિંગમાં રાખવાની, ખ્રિસ્તી ધર્મના પ્રચારની, વિદેશીઓને પ્રાદેશિક વિશેષાધિકારની તથા અફીણની આયાતની કાયદેસરની સ્વીકૃતિ તથા નવાં 11 બંદરો વ્યાપાર-વસવાટ માટે ખુલ્લાં મૂકવાની તૈયારી દર્શાવી.
અફીણ વિગ્રહોએ ચીનની નિર્બળતા ખુલ્લી કરી. વિદેશી સત્તાઓ ચીનના પ્રદેશો ક્રમશ: કબજે કરી જતી હતી. નબળી ચીની સરકારને જિવાડવામાં તેમને સૌને રસ હતો, કેમકે તો જ તેઓ કોઈ જવાબદારી વગરના અધિકારો મેળવી શકે. આ કારણસર બ્રિટન અને ફ્રાંસે ચીનમાં સહયોગ કર્યો હતો.
વ્યંકટેશ તોપખાને
જયકુમાર ર. શુક્લ