અફીણ :  દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર માટે મૂકી છે. બગીચામાં આકર્ષક ફૂલો ધરાવતી જાત–Californian poppy છે, જે અફીણ આપતી નથી. આ જાતનું શાસ્ત્રીય નામ Eschscholtzia californica Cham. છે.

એકવર્ષાયુ, એકાદ મીટર ઊંચી, ક્ષીર (પીળાશ પડતું દૂધ) ધરાવતી વનસ્પતિ. શાખામય અને પીળાશ પડતાં મૂળ. દીર્ઘ લંબગોળ, કરવતીય કિનારીવાળાં અથવા ખંડિત પર્ણો. સફેદ અથવા જાંબુડિયા લાલ રંગનાં જાન્યુઆરી-એપ્રિલ સુધી આવતાં પુષ્પો. પુષ્કળ પુંકેસર. છત્રાકાર પરાગાસન. બીજાશય પરાગવાહિની વિનાનું, એકખંડીય પરંતુ ઘણા પડદા ધરાવે છે. અંડકો ઘણાં. અગ્રભાગે છિદ્રોવાળું ફળ, જેમાંથી બીજનું વિકિરણ થાય છે. અપક્વ ફળો (ડોડા) ઉપર કાપા પાડીને મળતા રસને સૂકવવાથી મળતો ભૂખરો કાળા રંગનો પદાર્થ તે અફીણ.

અફીણ પ્રાચીન સમયથી ઔષધ તરીકે વપરાતું આવ્યું છે. એસિરિયન લખાણોમાં (ઈ. પૂ. 700), ડાયોસ્કોરાઇડનાં (પ્રથમ સદી) લખાણોમાં અફીણના પીડાશામક ગુણોનો ઉલ્લેખ છે. સાતમી સદીમાં અફીણ ચીનમાં દાખલ થયું. ભારતમાં આરબો મારફત અફીણ દાખલ થયું હોય તેમ માનવાને કારણ છે. અફીણનું ધૂમ્રપાન, અમેરિકા શોધાયા પછી તમાકુના ધ્રૂમ્રપાન ઉપરથી પ્રચલિત થયેલ છે.

ભારત અફીણની ખેતીની બાબતમાં વિશ્વમાં અગ્રસ્થાને છે. યુગોસ્લાવિયા, ગ્રીસ, બલ્ગેરિયા, ઇજિપ્ત અને પાકિસ્તાનમાં તેની ખેતી થાય છે. તુર્કસ્તાન પણ અફીણના ઉત્પાદનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જોકે ગેરકાયદેસર રીતે એશિયા તથા દ. અમેરિકાના ઘણા પ્રદેશોમાં તે વવાય છે. ભારતનો ચીન સાથે અફીણનો મોટો વેપાર હતો. બ્રિટિશ સમયમાં આને લીધે ચીન સાથે વિગ્રહો પણ થયેલા છે.

1. ડાળ, 2. ફૂલ, 3. પુંકેસર, 4. પ્રાવર, 5. પ્રાવરનો છિદ્રયુક્ત ટોચનો ભાગ, 6. બીજ

ભારતમાં અફીણની ખેતી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં થાય છે. આ ખેતી ભારત સરકારના ‘સેન્ટ્રલ બ્યૂરો ઑવ્ નાર્કૉટિક્સ’ વિભાગનાં નિયંત્રણ અને દોરવણી નીચે થાય છે. મધ્યપ્રદેશમાં અફીણનું વાવેતર 25,600 હેક્ટરમાં થાય છે, જ્યારે વાવેતરનો કુલ આંકડો 40,000 હેક્ટર છે.

અફીણની ખેતી સામાન્ય રીતે ચોમાસુ પાક લીધા પછી તુરત જ (ઑક્ટોબરમાં) કરવામાં આવે છે. જમીનને સારી રીતે ખેડી ભેજમુક્ત કરવામાં આવે છે. તેના ઉપર ત્રણથી ચાર વખત સમાર ફેરવી જમીનને સમતલ કરી 5′ × 10′ ના ક્યારા બનાવાય છે. એક એકરે ખાતરનું પ્રમાણ 40 કિગ્રા. નાઇટ્રોજન, 25 કિગ્રા. ફૉસ્ફરસ અને 25 કિગ્રા. પૉટાશ હોય છે. આમાં ફૉસ્ફરસ અને પૉટાશનો બધો જથ્થો જમીનને તૈયાર કરતી વખતે આપવામાં આવે છે. તૈયાર કરેલ ક્યારીઓમાં એક એકરે ત્રણથી ચાર કિગ્રામ અફીણનું બીજ-ખસખસ પૂંખવામાં આવે છે. બીજ પૂંખ્યા પછી તુરત જ સાધારણ પાણી આપવામાં આવે છે. ક્યારીઓમાં ફૂટેલા અંકુરોને જ્યારે ચાર પાન આવે કે તુરત જ એક ક્યારામાં 80થી 100 છોડવા રાખી બીજા કાઢી નાખવામાં આવે છે. બીજું પાણી બીજ ઊગી નીકળ્યા પછી છઠ્ઠા કે સાતમા દિવસે આપવામાં આવે છે. આમાં ઢીલ થાય તો અંકુરો સુકાઈ જવાનો ભય રહે છે. બાકીનાં પિયત 10-15 દિવસના અંતરે આપવામાં આવે છે. કુલ 910 વખત પાણી છોડના જીવન દરમિયાન આપવામાં આવે છે. અફીણના ડોડા (પોસ ડોડા) પાકટ થાય કે તુરત જ પાણી બંધ કરી દેવામાં આવે છે. નાઇટ્રોજનનો સંપૂર્ણ જથ્થો બે હપતામાં અપાય છે. પ્રથમ વાવણી પછી 25 દિવસે એક અને તેની પછીના 25 દિવસે બીજો અપાય છે. જાન્યુઆરી માસની કડકડતી ઠંડી સાથે ફૂલ આવવાની શરૂઆત થાય છે. આને અંગ્રેજીમાં ‘પૉપી ફ્લાવર’ કહે છે. ડોડી અવસ્થામાં પાકને સખત ઠંડી, હિમ, ઝાકળ, કમોસમી વરસાદ વગેરેથી નુકસાન થાય છે. ડોડો અપક્વ હોય એ સ્થિતિમાં તેને એક ચીરો મૂકતાં નીકળતું ગૂગળના રંગનું દૂધ જેવું પ્રવાહી ડોડા ઉપર જ તાપ અને હવાથી સુકાઈને જામી જાય છે. આ જ અફીણ છે. આ કાળા ભૂખરા રંગના પોચા પદાર્થને ટોપલીઓમાં દબાવી ચોસલાં પડાય છે. એક ડોડામાંથી આશરે એક ગ્રામ અફીણ મળે છે. એક એકરમાંથી 15થી 20 કિગ્રા. અફીણ મળે છે. અફીણના ભાવ ભારત સરકારનો નાર્કૉટિક્સ વિભાગ નક્કી કરે છે. સામાન્ય રીતે એક એકરમાંથી ખેડૂતને લગભગ રૂ. 1,500 થી રૂ. 2,000 જેટલો નફો મળે છે.

બ્રિટિશ યુગનાં શરૂઆતનાં વર્ષોમાં ભારતમાં અફીણનું ઉત્પાદન 3,500 ટન (1881માં) હતું. 1920માં આમાં ઘટાડો કરીને ઉત્પાદન 800 ટન કરાયું હતું. હાલમાં આ ઉત્પાદન 900થી 1,200 ટન જેટલું (વિશ્વનું 70%) અને તેના બીજનું ઉત્પાદન આઠ ક્વિટંલ છે. આમાંનું મોટા ભાગનું અફીણ નિકાસ થાય છે. વિશ્વની ઔષધ તરીકે અફીણની જરૂરિયાત 1,700 ટન (1980) જેટલી ગણાય છે.

અફીણ, રસાયણ અને ઉપયોગો : અફીણનું ધૂમ્રપાન ચીન અને પૂર્વના દેશોમાં અઢારમી સદીમાં ઘણું વ્યાપક હતું. ભારતમાં ખાસ કરીને રજપૂતોમાં અફીણનો ક્વાથ (કસુંબો) વપરાતો. ચીનને ઊંઘતું રાખવામાં અફીણનો ફાળો મોટો છે. રાસાયણિક દૃષ્ટિએ અફીણમાંના આલ્કેલૉઇડને બે વિભાગમાં વહેંચી શકાય. (કૌંસમાં ભારતીય અફીણની જાતમાં તેમના ટકા દર્શાવાયા છે.) (1) આઇસોક્વિનોલીન આલ્કેલોઇડ : આમાં પેપેવેરાઈન (1 %) અને નોસકેપીન (નાર્કોટીન 5.5 થી 11 %) અગત્યનાં છે. આ વર્ગનાં આલ્કેલોઇડ વ્યસનાસક્તિ કરે તેવાં પીડાશામક (narcotic analgesic) નથી. પેપેવેરાઇન આંકડી (ચૂંક) રોધક (antispasmodic) ગુણો ધરાવે છે. જ્યારે નોસકેપીન ઉધરસ અટકાવવાના (antitussive) ગુણો ધરાવે છે. (2) ફિનાન્થ્રીન આલ્કેલૉઇડ : આમાં મૉર્ફીન  (9થી 14 %), કોડીન (0.7 થી 2.5 %) અને થીબેન (0.3થી 1.5 %) અગત્યનાં છે. મૉર્ફીન પીડાશામક તરીકે અદ્વિતીય ગણાય છે. દાઝવાના, વાગવાના અને શરીરના અંદરના અવયવોમાં થતા સખત દુખાવાના શમન માટે મૉર્ફીનનું ઇન્જેક્શન અપાય છે. હૃદયરોગના હુમલામાં તથા હૃદયના ડાબા ક્ષેપકની અપર્યાપ્તતા (failure)માં પણ તે ઉપયોગી છે. તે આંતરડાંની લહરગતિ (peristalsis) અટકાવનાર હોઈ પાતળા ઝાડામાં પણ ઉપયોગી છે. કોડીન ઉધરસ અટકાવવાનો ગુણ ધરાવે છે. જોકે તેનો પીડાશામક ગુણ મૉર્ફીનની સરખામણીમાં ફક્ત દસમા ભાગ જેટલો છે. થીબેન ઔષધ તરીકે ઉપયોગી નથી. મૉર્ફીન અને કોડીન, અને મૉર્ફીનનો ડાયએસેટાઇલ વ્યુત્પન્ન (derivative) હેરૉઇન વ્યસનાસક્તિનો દુર્ગુણ ધરાવે છે. તેથી તેમને વ્યસનાસક્તિ કરનાર પીડાશામક કહે છે. મૉર્ફીન અને તેની સાથે સંકળાયેલ પીડાશામકો લેવાથી સુખાભાસ (euphoria) થાય છે. વ્યક્તિ ફરી ફરી વાર આ સુખાભાસ પામવા સારુ આ દ્રવ્યો લે છે અને થોડા જ સમયમાં આ દ્રવ્યો ન મળે તો સખત પીડા, નાક-આંખમાંથી પાણી નીતરવાનું વગેરે અનુભવે છે. આ દુ:ખદ પરિસ્થિતિ ટાળવા માટે (અને નહિ કે સુખાભાસ પામવા) તે આ દ્રવ્યો ગમે તે પ્રકારે મેળવવા પ્રયત્ન કરે છે અને તે આ દ્રવ્યોનો ગુલામ બની જાય છે. વિશ્વમાં લાખો યુવાનો આ રીતે જીવન વેડફી રહ્યા છે. ‘બ્રાઉન શુગર’ અશુદ્ધ હેરૉઇન છે. આથી આ બધા પદાર્થોની હેરફેર, બનાવટ વગેરે ગેરકાયદેસર ગણાય છે.

અફીણનાં બે ટિંક્ચરો ઔષધ તરીકે વપરાય છે. ટિંક્ચર ઑવ્ ઓપિયમ (લૉડેનમ) અને કેમ્ફોરેટેડ ટિંક્ચર ઑવ્ ઓપિયમ (પેરેગોરિક) ખાસ કરીને પાતળા ઝાડા રોકવા ઉપયોગી છે.

અફીણ કે મૉર્ફીનની આડઅસરોમાં આંખની કીકીનું સંકોચન અને શ્વસનક્રિયા મંદ થવી તે અગત્યનાં છે. અફીણ વધુ માત્રામાં લેવાથી શ્વસનક્રિયા અતિશય મંદ થતાં બેભાન અવસ્થામાં મૃત્યુ થાય છે. મૉર્ફીનના પ્રતિવિષ (antidote) તરીકે નેલોર્ફીન અને નેલોક્ઝોન ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે.

થીબેન, પેપેવર બ્રેક્ટિએટમ નામના છોડમાં સારા પ્રમાણમાં મળે છે. આની ખેતી કરીને થીબેન મેળવવામાં આવે તો તેમાંથી રાસાયણિક ક્રિયાથી મૉર્ફીન બનાવી શકાય છે. એટલે માદક અફીણની ખેતીને ઘટાડી તેની ગેરકાયદે થતી હેરફેરનું નિયંત્રણ સધાવાની શક્યતા છે.

બ. ગો. જૈસાની

અરવિંદ જટાશંકર જોશી

ગોરધનભાઈ છનાભાઈ ભાવસાર

સરોજા કોલાપ્પન

કૃષ્ણકાન્ત છ. દવે