અબનૂસ : દ્વિદળી વર્ગના ઍબનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros ebenum (L.) Koenig. syn. D. assimilis Bedd. D. sapota Roxb. (હિં. अबनूस, અં. સિલોન ઍબની.) છે.

મધ્યમ કદનાં, ઘણાં વિશાળ, છાયા આપતાં, સદાહરિત, કાળી છાલવાળાં વૃક્ષો, રસ્તા ઉપર હારમાં વવાય છે. સાદાં, પહોળાં, લાંબાં, એકાંતરિત, જાડાં પર્ણો.

ફેબ્રુઆરી-માર્ચ માસમાં એકલિંગી પુષ્પો આવે; મોટાં એકાકી માદા પુષ્પો. Diospyrosની ચાર જાતિઓ ગુજરાતમાં મળે છે. પરંતુ તેમાંની એક પણ અબનૂસ આપતી નથી. પરંતુ D-melanoxylonને ભારતીય અબનૂસ તરીકે ઓળખાવવામાં આવે છે. અબનૂસના લાકડાનું નામ ફક્ત D-ebanum Koenigને અપાયેલું છે. પરંતુ અન્ય વૃક્ષો પણ તેના જેવું જ લાકડું આપતાં હોઈ તેના જેવા મજબૂત લાકડાને પણ અબનૂસ નામ આપેલું છે, તે કાષ્ઠ, પ્રજાતિઓ Maba, Royena અને Eucleaમાંથી પણ મળે છે. અબનૂસની અસલ જાત હિમાલયનાં કુદરતી જંગલોમાં નોંધાયેલી છે. પરંતુ તેને હવે નષ્ટપ્રાય(endangered species)માં મૂકવા જેવી પરિસ્થિતિ છે. જ્યારે પ્રકાંડમાં વૃદ્ધિ વલયો એઘાની(cambium)ની પ્રવૃત્તિથી અંદરની બાજુએ કાષ્ઠ ઉત્પન્ન કરે છે, તે કાષ્ઠ બે પ્રકારનાં હોય છે. તેમાંથી ફક્ત કાળું અંત:કાષ્ઠ (heart wood) જ અબનૂસ છે. પ્રાચીન ભારતમાં રાજદંડ, મૂર્તિઓ વગેરે બનાવવામાં અબનૂસ વપરાતું.

દક્ષિણ ભારતના કર્ણાટકના કૅસલ રૉકનાં જંગલોમાં, કૉઈમ્બતૂર, કુર્ગ, મલબાર, કોચીન અને ત્રાવણકોરના ઠંડા ભાગમાં તે જોવા મળે છે. શ્રીલંકા અને મલયેશિયામાં પણ તે મળે છે.

અબનૂસ કાળું, મજબૂત, ટકાઉ, દળદાર, કઠિન પણ બરડ લાકડું છે. તે સારી પૉલિશ લઈ શકે છે, અને તેમાં કોતરકામ પણ થઈ શકે છે. તેથી તેની સારી માંગ રહે છે. તે પેટીઓ, પિયાનોના પાસા (keys), ફૂટપટ્ટીઓ, કોતરકામ, છરીચપ્પાના હાથા તથા વાદ્યોની બનાવટમાં અને જડવાના કામમાં વપરાય છે. આ લાકડું પ્રાચીન સમયથી ઉપયોગમાં છે. ભારતનું અબનૂસ ગ્રીસમાં ઈ. પૂ. 350માં પણ જાણીતું હતું. ઇથિયોપિયાએ ઈરાનને પ્રાચીન સમયમાં 200 અબનૂસના ટુકડા ખંડણી તરીકે આપ્યાનો ઉલ્લેખ છે.

આયુર્વેદ પ્રમાણે અબનૂસ કષાય અને પથરી દૂર કરનાર છે. માછલીઓ માટે તે વિષાલુ ગણાય છે.

સીસાનાં વૃક્ષોમાંથી કાળું લાકડું મળે છે તે સીસમ છે. ઘણી વાર તેને અબનૂસ તરીકે ચલાવીને વેચાય છે. સીસું તદ્દન જુદું જ હોઈ વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે Dalbergia latifolia Roxb. નામથી ઓળખાય છે.

મ. દી. વસાવડા

સરોજા કોલાપ્પન