અધ્યાપનમંદિર : શિક્ષકોને અધ્યાપન માટેની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. આ પ્રકારની તાલીમ આપવાની આવશ્યકતા અંગે ઓગણીસમી સદીમાં યુરોપમાં બે ભિન્ન વિચારસરણી પ્રવર્તમાન હતી. ફ્રાન્સની સર્વસાધારણ શાળાઓમાં વિષયોનું શિક્ષણ સંગીન બનાવવા પર ભાર મુકાતો. અને તેથી શિક્ષણશાસ્ત્રના વિષયો અને શિક્ષણની પદ્ધતિનું જ્ઞાન અનુભવથી મળી રહે છે એમ મનાતું. જર્મન શિક્ષણવિદો શિક્ષણના સિદ્ધાંતો અને તેના અમલ પર વધારે ભાર મૂકતા. પ્રાથમિક શિક્ષકોની તાલીમ માટે મૉન્ટેસોરી કે બેલ અને લેંકેસ્ટર પદ્ધતિ સ્વીકારાઈ હતી. આવા વિવાદને કારણે વુડ ડિસ્પૅચની ભલામણ છતાં શિક્ષકોની તાલીમ તરફ ભારતમાં દુર્લક્ષ સેવાયું હતું. 1882ના હંટર કમિશન તથા લૉર્ડ કર્ઝનની (1904) શિક્ષણવિષયક ભલામણોને કારણે 1882થી 1904ના સમયગાળામાં વધુ અધ્યાપનમંદિરો અસ્તિત્વમાં આવ્યાં.

માધ્યમિક શિક્ષક માટેનાં અધ્યાપનમંદિરો 1900 પૂર્વે ભારતમાં માત્ર 2 હતાં. તે વધીને 1906માં 6, 1922-23માં 13 થયાં. 1947માં 41 અને 1965-66માં એ સંખ્યા વધીને 286 થઈ. જૂના મુંબઈ રાજ્યમાં મુંબઈ, કોલ્હાપુર, પુણે, બેળગાંવ અને વડોદરામાં આ અધ્યાપનમંદિરો હતાં. 1954-55માં તેની સંખ્યા 7 હતી. ગુજરાતમાં 1985-86માં સ્નાતકો માટે 36 બી.એડ્. કૉલેજો, 4 બુનિયાદી સ્નાતક અધ્યાપનમંદિરો તથા ગૂજરાત વિદ્યાપીઠ સંલગ્ન હિન્દી શિક્ષણ મહાવિદ્યાલય અને શિક્ષણ મહાવિદ્યાલય એમ મળીને કુલ 42 સંસ્થાઓ હતી. બુનિયાદી સ્નાતક અધ્યાપનમંદિરો શિક્ષણખાતા સાથે સંલગ્ન છે, જ્યારે 36 બી. એડ્. કૉલેજો ગુજરાત રાજ્યની 6 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે. બી. એડ્.નો અભ્યાસક્રમ એક વર્ષનો હોય છે. એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ તથા પ્રાદેશિક કૉલેજોમાં એક વર્ષનો અભ્યાસક્રમ ઉપરાંત પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ છે. આ બધાં અધ્યાપનમંદિરોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો, શિક્ષણના ચાલુ પ્રવાહો અને સમસ્યાઓ, શાળાની વ્યવસ્થા અને આરોગ્યશિક્ષણ તથા વિશિષ્ટ અને સામાન્ય વિષયમાં શિક્ષણની પદ્ધતિઓ ઉપરાંત પ્રાયોગિક કામને પણ સ્થાન છે. પ્રત્યેક તાલીમાર્થીએ ત્રીસ પાઠ અથવા પચાસ પાઠોનું નિરીક્ષણ અને છ સ્વાધ્યાય-નિબંધ(dissertation)નું લેખનકાર્ય કરવું પડે છે. 1968 પછી વિષયશિક્ષણની પદ્ધતિ સાથે વિષયવસ્તુના અધ્યયનને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે. ભોપાલ, અજમેર, ભુવનેશ્વર અને મૈસૂરની પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થાઓ તથા કેટલીક યુનિવર્સિટીઓમાં નોકરી દરમ્યાન તાલીમ લઈ શકાય તેવો બી.એડ્.નો અભ્યાસક્રમ છે. બુનિયાદી સ્નાતક અધ્યાપનમંદિરોમાં નઈ તાલીમની તાત્વિક અને સામાજિક આધારશિલારૂપ ઉદ્યોગ તથા છાત્રાલય-સંચાલન જેવા વિષયોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મુંબઈ રાજ્યમાં 1936થી એમ.એડ્. તથા 1945થી પીએચ.ડી. માટેની સુવિધા શરૂ કરાઈ હતી. એમ.એડ્.નો બે વર્ષનો અભ્યાસક્રમ હોય છે. પ્રશ્નપત્રો અને સ્વાધ્યાય-નિબંધ એમ બંને રીતે એમ.એડ્. થઈ શકાય છે. પત્રવ્યવહાર દ્વારા તથા રજાઓમાં વર્ગો ભરીને બે વર્ષમાં એમ.એડ્.નો અભ્યાસક્રમ કેટલીક યુનિવર્સિટીઓમાં હોય છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ થતાં વાણિજ્ય, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વગેરે વિષયો શીખવાય છે. બી.એડ્. તથા એમ.એડ્.માં વિશિષ્ટ ક્ષેત્રોના અભ્યાસમાં પ્રૌઢશિક્ષણ, પુસ્તકાલયવ્યવસ્થા, વસ્તીશિક્ષણ, શિક્ષણતકનીકી, નિરીક્ષણ અને અધીક્ષણ, વાચનશિક્ષણ, દૃશ્ય-શ્રાવ્યશિક્ષણ, શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન વગેરેને સ્થાન અપાયું છે. ચાર પ્રાદેશિક કૉલેજો તથા વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં વિવિધલક્ષી શાળાના શિક્ષકો માટેની તાલીમની વ્યવસ્થા છે. બિનસ્નાતક શિક્ષકો માટે ડિપ્લોમા ઇન ટીચિંગ અને એસ.ટી.સી.ની વ્યવસ્થા હતી. તે હાલ લગભગ બંધ છે. આ અભ્યાસક્રમ તેને લગતી કક્ષા પ્રમાણે હળવો હતો અને એસ.ટી.સી. અભ્યાસક્રમ ચાલુ નોકરીએ થઈ શકતો હોવાથી શિક્ષકોને વધુ અનુકૂળ હતો. યુનિવર્સિટી સાથે સંલગ્ન શિક્ષણ અને મનોવિજ્ઞાનની વિદ્યાશાખા એમ.એડ્. તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને પણ દાખલ કરે છે. કેટલાંક અધ્યાપનમંદિરો સાથે સેવા-વિસ્તરણકેન્દ્રો (extension service centres) તથા સતત શિક્ષણકેન્દ્રો (countinuous education centres) સંલગ્ન છે.

ગુજરાતમાં જે અધ્યાપનમંદિરો પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપે છે તેમાં મોટેભાગે બ્રિટિશ શાસનકાળમાં શિક્ષકોને માટે સ્થાપવામાં આવેલી પ્રણાલિકાઓનું અનુસરણ થાય છે. વુડનો ખરીતો (1850); હંટર કમિશન (1882) અને લૉર્ડ કર્ઝનની ભલામણો(1904)ને પરિણામે ભારતમાં શિક્ષકોની તાલીમવ્યવસ્થા સાકાર બની. એમાં શિક્ષકો શાળામાં ભણાવાતા વિષયોની સારી જાણકારી મેળવે અને વર્ગશિક્ષણનું કાર્ય કુશળતાથી કરી શકે એવી જોગવાઈ હતી.

1935ના બંધારણીય સુધારાને અમલી બનાવાયો ત્યારે કૉંગ્રેસ પક્ષની સરકારોએ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે ગાંધીજીની ‘નઈ તાલીમ’ની વિચારધારાનો પ્રયોગ કર્યો. પરિણામે પ્રાથમિક શાળાઓમાં બુનિયાદી શિક્ષણનો અભ્યાસક્રમ શીખવવા માંડ્યો. એ વિશે શિક્ષકોને યોગ્ય તાલીમ આપવા અધ્યાપનમંદિરોના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા અને એ અધ્યાપનમંદિરો બુનિયાદી તાલીમ અધ્યાપનમંદિરો તરીકે ઓળખાવા લાગ્યાં. ગુજરાતનાં તમામ અધ્યાપનમંદિરો આ પ્રકારનાં છે. જોકે ગુજરાતની મોટાભાગની શાળાઓ હવે બુનિયાદી શિક્ષણસંસ્થાઓ રહી નથી એ એક વિસંવાદિતા છે.

અધ્યાપનમંદિરો પી.ટી.સી. કૉલેજ તરીકે પણ ઓળખાય છે. આ સંસ્થાઓમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક થવાની પ્રમાણપત્ર-પરીક્ષા (Primary Teacher’s Certificate examination) – જે રાજ્ય સરકારનું ‘રાજ્ય પરીક્ષા બૉર્ડ’ લે છે તે – માટે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. એ રીતે પૂર્વપ્રાથમિક અધ્યાપનમંદિર(Pre-P.T.C. College)માં પૂર્વપ્રાથમિક શાળાઓ એટલે કે બાળમંદિરોના શિક્ષક થવા માટેની તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાઓના તાલીમાર્થીઓની પરીક્ષા પણ બૉર્ડ લે છે.

અધ્યાપનમંદિરોમાં પ્રવેશ આપવાની કામગીરીનું ગુજરાતમાં કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. થોડાંક વિશિષ્ટ પ્રકારનાં અધ્યાપનમંદિરો સિવાય તમામ અધ્યાપનમંદિરોમાં પ્રવેશ આપવાનું કામ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. પ્રવેશ મેળવવા માટેની આવશ્યક લઘુતમ શૈક્ષણિક યોગ્યતા, એસ.એસ.સી. પરીક્ષાનું પ્રમાણપત્ર રાખવામાં આવેલું છે. ગુણાનુક્રમ પ્રમાણે જ પ્રવેશ આપવામાં આવતો હોય છે, જોકે સરકારના નીતિનિયમો અનુસાર કેટલીક બેઠકો પછાતવર્ગ, આદિવાસીઓ તથા વિકલાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હોય છે.

પ્રાથમિક તેમજ પૂર્વપ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપતાં અધ્યાપનમંદિરો માટેનો અભ્યાસક્રમ રાજ્ય શિક્ષક પ્રશિક્ષણ બૉર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકો માટેના અભ્યાસક્રમમાં શિક્ષણશાસ્ત્રના સૈદ્ધાંતિક વિષયો હોય છે. એ ઉપરાંત પ્રાથમિક શાળામાં શીખવાતા તમામ વિષયો પણ શીખવવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષક તાલીમાર્થી એક મુખ્ય અને એક ગૌણ એમ બે ઉદ્યોગો પણ શીખતો હોય છે. બે વર્ષના તાલીમકાળ દરમિયાન તાલીમાર્થીઓએ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય કરવાનો તેમજ સમૂહજીવન, ઉદ્યોગ, સમાજસેવા વગેરેને લગતાં પ્રાયોગિક કાર્યો હાથ ધરવાનો અનુભવ પણ લેવાનો હોય છે.

પૂર્વપ્રાથમિક તાલીમનો અભ્યાસક્રમ એક વર્ષનો હોય છે. એમાં પ્રવેશની લાયકાત એસ.એસ.સી. પાસ કર્યાનું પ્રમાણપત્ર હોય છે. એના અભ્યાસક્રમમાં પણ બાળમાનસશાસ્ત્ર, બાળઆરોગ્ય વગેરે સૈદ્ધાંતિક વિષયો હોય છે. એ ઉપરાંત બાલમંદિરોમાં જઈ નિયત કરેલા પ્રાયોગિક પાઠો આપવાની તથા નિરીક્ષણ કરવાની કામગીરી પણ હોય છે.

ગુજરાતમાં પૂર્વપ્રાથમિક કક્ષાની તાલીમ આપતાં અધ્યાપનમંદિરોમાં મૉન્ટેસોરી પદ્ધતિ તેમજ ગિજુભાઈ બધેકાએ પ્રયોજેલી બાળશિક્ષણપદ્ધતિને લક્ષમાં રાખી બાળકોના શારીરિક, ઇન્દ્રિયલક્ષી, સાર્વત્રિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસને પોષે તેવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની વ્યવસ્થા કરાઈ છે. એમાં રમત દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.

પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં શારીરિક શિક્ષણ, રમતો તથા આરોગ્યશિક્ષણને અગત્યનું સ્થાન છે. આથી એ માટેના શિક્ષકો તૈયાર કરવા માટે વ્યાયામનાં અધ્યાપનમંદિરો હોય છે. સી.પી.એડ્. કૉલેજો તરીકે પણ એ ઓળખાય છે, કારણ કે તાલીમને અંતે ‘સર્ટિફિકેટ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન’ એ નામનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ અધ્યાપનમંદિરોમાં બે વર્ષનો તાલીમી અભ્યાસક્રમ હોય છે. એસ.એસ.સી. પરીક્ષા પાસ કરનારને જ એમાં પ્રવેશ અપાય છે. અભ્યાસક્રમમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્યશિક્ષણ, શિક્ષણના સિદ્ધાંતો, શાળાસંચાલન, રમતઆયોજન તથા ધોરણ 1થી 4 સુધીના વર્ગોના પર્યાવરણ તથા ગુજરાતી અને ગણિતના અભ્યાસના વિષયવસ્તુનો સમાવેશ થાય છે. એ સૈદ્ધાંતિક વિષયો ઉપરાંત વ્યાયામ, રમતો, સ્પર્ધાઓ વગેરેને લગતું પ્રાયોગિક કાર્ય કરવાનો અનુભવ આપવામાં આવે છે. એની વાર્ષિક પરીક્ષા રાજ્યનું પરીક્ષા બૉર્ડ લે છે.

અધ્યાપનમંદિરોમાં ઉપલબ્ધ તાલીમી વ્યવસ્થાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે દર વર્ષે રાજ્ય પ્રશિક્ષણ બૉર્ડ તરફથી નિરીક્ષણ કરવામાં આવે છે. આવી નિરીક્ષણની કામગીરી બેથી ત્રણ તજ્જ્ઞોની ટુકડી કરતી હોય છે, જેનો અહેવાલ રાજ્ય પ્રશિક્ષણ બૉર્ડને મોકલવામાં આવે છે. પછી બૉર્ડ તરફથી એ અહેવાલોનાં સૂચનોનો અમલ થાય તે માટેની વ્યવસ્થા કરાય છે.

દાઉદભાઈ ઘાંચી

શિવપ્રસાદ રાજગોર