અધ્યારોપિત જળપરિવાહ (superimposed drainage) : નવા ખડકો પરથી જૂના ખડકો પર વહેતો જળપરિવાહ. કેટલાક વિસ્તારોમાં જૂની વયના ખડકો નવી વયના ખડકોના આવરણથી ઢંકાઈ ગયેલા હોય છે. સ્થળદૃશ્યની આ પ્રકારની પરિસ્થિતિ હેઠળ થતી જળપરિવાહરચના (નદીપ્રવાહ) સપાટી પર રહેલા નવા ખડકો અનુસાર વહે છે. તે જળપરિવાહને નીચે રહેલા જૂના ખડકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી, પરંતુ જળપરિવાહથી થતા ક્રમશ: ઘસારાને કારણે નવા ખડકોનું આવરણ જતું રહે છે, જૂના ખડકો ખુલ્લા થતાં આ જળપરિવાહ જૂના ખડકો પર વહેવા માંડે છે. એક વખત નવા ખડકો ઉપરથી વહેતો જળપરિવાહ હવે જૂના ખડકો પર વહેતો હોવાથી તે અધ્યારોપિત જળપરિવાહ તરીકે ઓળખાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે