અધ્યાપન : અધ્યેતા અથવા વિદ્યાર્થીને અધ્યાપક અથવા શિક્ષક કશુંક શીખવવા જે જે પ્રવૃત્તિઓ કરે છે તે. અધ્યાપન દ્વારા શિક્ષક વિદ્યાર્થીને કશીક માહિતી કે સમજ કે કશુંક જ્ઞાન અને કૌશલ્ય આપે છે. આમ સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો અધ્યાપન એ કોઈ બે વ્યક્તિઓ – શિક્ષક અને વિદ્યાર્થી – વચ્ચે ચાલતી હેતુપૂર્વકની એવી પ્રક્રિયા છે, કે જેના દ્વારા એક જાણકાર, અધિકારી વ્યક્તિ બીજી નહિ જાણનાર વ્યક્તિને પોતાની પાસે રહેલી જાણકારી આપે છે. પરિણામે નવી જાણકારી પ્રાપ્ત કરનાર વ્યક્તિનું અગાઉનું અજ્ઞાન દૂર થાય છે. એ નવી માહિતી મેળવે છે, એનામાં નવી સમજ વિકસે છે અને એ કશુંક નવીન કૌશલ્ય પ્રાપ્ત કરે છે. આમ, અધ્યાપન કરનાર અને તેની પાસેથી શીખનાર એ બંનેના શીખવા-શીખવવાના હેતુઓ સિદ્ધ થાય છે. તેથી અધ્યાપનને એક હેતુલક્ષી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.

અધ્યાપનના હેતુઓ સિદ્ધ થાય એ માટે અધ્યાપનની સમગ્ર પ્રવૃત્તિનું અગાઉથી આયોજન કરવું એ આવશ્યક ગણવામાં આવે છે. આવું આયોજન કરતાં શિક્ષક જે બાબતો ધ્યાનમાં રાખે છે તે પૈકી એના વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન, શીખવા માટેની તેમની ક્ષમતા અને મર્યાદાઓ, તેમણે શીખવાનો વિષય કે પ્રાયોગિક કાર્યો, નવું શીખવા માટે શિક્ષકે તેમને આપવાના અનુભવો, એમને શીખવામાં સહાયરૂપ થાય તેવી અધ્યાપનની પદ્ધતિઓ અને અધ્યેતાની શીખવાની ક્ષમતા અને શિક્ષકની શીખવવાની અસરકારકતાનું મૂલ્યાંકની કરવા માટેની પ્રવિધિઓ મુખ્ય ગણાય છે.

અધ્યાપન માટેનું આયોજન બે પ્રકારનું હોઈ શકે છે : (i) લાંબા ગાળાનું અને (ii) ટૂંકા ગાળાનું. લાંબા ગાળાનું આયોજન એક વર્ષનું કે એક સત્રનું હોય છે. તે પરથી શિક્ષક એક માસ, એક સપ્તાહ કે એક દિવસનું ટૂંકા ગાળાનું આયોજન પણ કરતો હોય છે. સૌથી ટૂંકા ગાળાનું આયોજન એક તાસ પૂરતું કરવામાં આવતું હોય છે. આવું દરેક આયોજન ચોક્કસ શૈક્ષણિક હેતુઓને લક્ષમાં રાખીને કરવામાં આવતું હોય છે. આયોજન અનુસાર કરવામાં આવતું અધ્યાપન મહદ્અંશે સફળ નીવડવાનો સંભવ હોય છે.

અધ્યાપન કરવા માટે સામાન્ય રીતે શિક્ષક વાણીનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતો હોય છે. આમ શિક્ષક વિદ્યાર્થીઓની જ્ઞાનેન્દ્રિયો પૈકીની શ્રવણેન્દ્રિયનો વ્યાપક ઉપયોગ કરાવતો હોય છે. શિક્ષણની સંસ્થાઓમાં તેમજ જીવનમાં અન્યત્ર આ રીતે ઔપચારિક અને અનૌપચારિક અધ્યાપન થતું રહેતું હોય છે. જોકે અનુભવે અને સંશોધનો દ્વારા એ સિદ્ધ થયું છે કે વિદ્યાર્થીની એક કરતાં વધારે જ્ઞાનેન્દ્રિયોને પરોવી લઈને કરવામાં આવતું અધ્યાપન વધારે અસરકારક, વધારે ફળદાયી અને વધારે ચિરસ્થાયી નીવડતું હોય છે.

વિદ્યાર્થીની એક કરતાં વધારે જ્ઞાનેન્દ્રિયોની પરોવણી પર આધારિત અધ્યાપન કરવા માટે શિક્ષક દ્વારા વિવિધ પ્રકારનાં દૃશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ચિત્રો, નકશા, પ્રતિકૃતિઓ, ચીજ-વસ્તુઓ વગેરેનો ઉપયોગ કરીને શિક્ષક પોતાનું અધ્યાપન રસપ્રદ બનાવી શકે છે. અને તેમ કરીને તે વિદ્યાર્થીને પોતાનું અધ્યયન કરવા માટે વધુ પ્રોત્સાહન આપી શકે છે. આધુનિક પ્રૌદ્યોગિકી ઉપકરણો જેવાં કે રેડિયો, ટી.વી., કમ્પ્યૂટર વગેરેનો ઉપયોગ કરવાથી અધ્યાપન ઘણું આનંદદાયી તેમજ વધુ અસરકારક નીવડતું જોવા મળે છે. અધ્યાપનને ઉપકારક એવી શિક્ષણ સહાયક પ્રૌદ્યોગિકી (educational technology) હવે ખૂબ ઝડપથી વિકસી રહી છે, જેને પરિણામે અધ્યેતા પોતે પોતાનું અધ્યાપન કરી શકે  સ્વશિક્ષણ (autoinstruction) કરી શકે એવાં અનેક ઉપકરણો ઉપલબ્ધ થઈ રહ્યાં છે. અધ્યાપન-યંત્રો એટલે કે ‘ટીચિંગ મશીન્સ’ દ્વારા ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો સફળતાથી શીખવવાના પ્રયોગો પણ થયા છે અને વ્યાપક પ્રમાણમાં આવાં યંત્રો પશ્ચિમની શાળા–મહાશાળાઓમાં વપરાય છે.

અધ્યાપનને ઘણા લોકો કલા ગણે છે, કારણ કે એ માનવવ્યક્તિઓ વચ્ચે ચાલતી વિકાસલક્ષી પ્રક્રિયા છે. એમાં માનવીની જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ ઉપરાંત તેની લાગણીઓ, ઊર્મિઓ અને ભાવનાઓ પણ પરોવાતી હોય છે. આથી અન્યોન્ય તરફનાં પ્રેમ, સદભાવ, સહાનુભૂતિ અને આદર વિના અધ્યાપન કારગત નીવડી શકે નહિ. પરિણામે અધ્યાપન કરનારમાં એક કલાકારની કલ્પના, કરુણા અને ચેતના હોવી આવશ્યક ગણાય છે.

આધુનિક વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના પ્રભાવને કારણે અધ્યાપનને એક વિશિષ્ટ વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનના ચોક્કસ માપદંડોનો ઉપયોગ કરીને અધ્યાપનનું આયોજન કરવા, અધ્યાપનકૌશલ્યોની વિવિધ લઘુક્ષમતાઓ (micro-competency) નિયત કરવા અને વિદ્યાર્થીનાં વર્તનોનાં વિવિધ સ્વરૂપો રેખાંકિત કરવાનાં માર્ગો અને સાધનો વિકસાવવામાં આવ્યાં છે. ફ્લૅન્ડર્સે વિકસાવેલી વર્ગખંડ-અધ્યાપનનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ વિજ્ઞાનના માપનના સિદ્ધાંતો પર વિકસાવવામાં આવેલી એક ઘણી પ્રચલિત પદ્ધતિ છે.

આધુનિક વિજ્ઞાનની, વિશેષે કરીને મનોવિજ્ઞાનની સહાયથી કરવામાં આવેલાં સંશોધનો દ્વારા માનવીની અધ્યયનની શક્તિ, ક્ષમતા અને ખૂબી વિશે ઘણી નવી જાણકારી પ્રાપ્ત થયેલી છે. પરિણામે અધ્યાપનની વિભાવનામાં પણ મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને હવે અધ્યાપન એ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કશુંક આપવાની એકમાર્ગી પ્રવૃત્તિ ન ગણાતાં અનેક વ્યક્તિઓ વચ્ચે અંદરઅંદર અને તેમના સમગ્ર ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ સાથે થતી હેતુપૂર્વકની આપ-લે પ્રયોજતી ઉત્પાદક પ્રવૃત્તિ ગણાવા લાગી છે. આમ થતાં, હવે અધ્યાપન કરનાર શિક્ષકનું કાર્ય એક માર્ગદર્શક તરીકેનું ગણવામાં આવે છે.

આ નવા સંદર્ભમાં અધ્યાપનની કામગીરીમાં શિક્ષકનું સ્થાન ચાવીરૂપ બન્યું છે. આ પ્રકારનું અધ્યાપનકાર્ય શિક્ષક પાસેથી ઘણી ઊંચી ગુણવત્તાવાળી વ્યવસાયી સજ્જતા અને પ્રેરક એવા સંપન્ન વ્યક્તિત્વની અપેક્ષા રાખે છે. માટે જ, ઉત્તમ અધ્યાપનકૌશલ્યો હાંસલ કરવા શિક્ષકે વ્યવસાયમાં પ્રવેશતાં પહેલાં સઘન તાલીમ લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. પરંતુ આવી પૂર્વવ્યવસાય-તાલીમ પૂરતી ગણવામાં આવતી નથી. શિક્ષકે ચાલુ વ્યવસાયે, સમયાંતરે વધુ ને વધુ તાલીમ મેળવતા રહી પોતાની સજ્જતાને વધુ ને વધુ ધારદાર કરતા રહેવું જોઈએ એવો આગ્રહ પણ હવે રાખવામાં આવે છે.

પ્રત્યેક અધ્યાપનપ્રવૃત્તિનું ધ્યેય વિદ્યાર્થીના વર્તનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનું હોય છે. એ વર્તન એનાં બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક, સાંસ્કૃતિક કે ઉત્પાદક કૌશલ્યોનાં ક્ષેત્રો પૈકી એક કે વધુ ક્ષેત્રમાં હોઈ શકે. આથી વિદ્યાર્થી પક્ષે ઊંચી આંતરપ્રેરણા હોય, તેને અધ્યાપનની પ્રવૃત્તિમાં ઉત્કટ રસ હોય અને તે તેના સમગ્ર વ્યક્તિત્વને એ પ્રવૃત્તિમાં ક્રિયાન્વિત કરવા પ્રતિબદ્ધ હોય તે આવશ્યક છે. તો જ અધ્યાપન મહત્તમ રીતે સફળ નીવડી શકે.

આમ, શિક્ષકનું અધ્યાપન વિદ્યાર્થીના અધ્યયનને પોષનારું એક પ્રેરક બળ બની રહેવું જોઈએ. તો જ સમાજમાં ચાલતો અધ્યાપન-અધ્યયનનો પુરુષાર્થ ફલદાયી બની શકે અને તે વ્યક્તિ તથા સમાજના વિકાસનું એક અસરકારક માધ્યમ બની શકે.

દાઉદભાઈ ઘાંચી