અટ્ઠકહાઓ : ત્રિપિટકના મૂળ ગ્રંથો ઉપરની ભાષ્યવજ્જા નામની પ્રથમ ટીકા. ત્રિપિટક જેટલા જ મહત્ત્વપૂર્ણ ગ્રંથો ઉપરની ટીકાને અટ્ઠકહા નામ આપ્યું હોય તેમ લાગે છે, જેમ કે ‘નેત્તિપકરણ અટ્ઠકહા’, ‘મહાવંસ અટ્ઠકહા’ વગેરે. પાલિ ભાષાના મૂળ ગ્રંથોને વાંચવા માટે ‘અટ્ઠકહા’ની જરૂર પડે છે. તેથી જુદા જુદા પ્રદેશમાં રહેનારા વિદ્વાનોએ ‘અટ્ઠકહા’ રચી હોવી જોઈએ. આંધ્રપ્રદેશના વિહારમાં રહેનારા ભિક્ષુઓ માટે ત્યાંના વિદ્વાનોએ ‘આંધ્ર અટ્ઠકહા’ રચેલી છે. આ ‘આંધ્ર અટ્ઠકહા’ આજે ઉપલબ્ધ નથી, છતાં ‘વિનયપિટક’ ઉપર ‘સમંતપાસાદિકા’ નામની અટ્ઠકહામાં આ મૂળ ‘આંધ્ર અટ્ઠકહા’નાં અવતરણો લીધેલાં છે.
સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધના થેરવાદી પંથના સિંહલદ્વીપમાં પ્રવેશ કર્યો હતો. વિદ્વાન ભિક્ષુઓ ત્યાંના લોકો માટે સિંહાલી ભાષામાં અટ્ઠકહાઓ સાથે લઈ ગયાં હતાં. ભારતવર્ષમાં બૌદ્ધ ધર્મનો હ્રાસ થવા લાગ્યો, ત્યારે આ અટ્ઠકહાઓ સિંહલદ્વીપમાંથી ભારતવર્ષમાં લાવવાની આવશ્યકતા ઊભી થઈ. આ કાર્ય માટે ચોથી સદીમાં આચાર્ય રેવતે પોતાના પ્રતિભાશીલ શિષ્ય બુદ્ધઘોષને સિંહલદ્વીપ મોકલ્યો. તેમણે સિંહાલી ભાષાની મુખ્ય અટ્ઠકહાઓનો પાલિમાં અનુવાદ કર્યો. સિંહાલી અટ્ઠકહાઓ ઉપલબ્ધ નથી.
બુદ્ધઘોષ પછી બુદ્ધદત્ત, ધમ્મપાલ, ઉપસેન, મહાનામ અંશાસાર જેવા જ્ઞાની ભિક્ષુઓએ અટ્ઠકહા લખીને રાખી હતી. પાશ્ર્ચાત્ય પંડિત બર્લિગહેમના મતે બુદ્ધઘોષની અટ્ઠકહા સૌથી વધુ પ્રાચીન છે. ત્રિપિટકના મૂળ ગ્રંથ અને તેના ઉપર લખાયેલ અટ્ઠકહાની યાદી નીચે પ્રમાણે છે :
પિટક | મૂળ ગ્રંથ | અટ્ઠકહા |
વિનયપિટક | વિનયપિટક | સમંતપાસાદિકા |
પાતિમોક્ખ | કંખાવિતરણી | |
સુત્તપિટક | ક. દીઘનિકાય | સુમંગલવિલાસિની |
ખ. મજ્ઝિમનિકાય | પપંચસૂદની | |
ગ. સંયુત્તનિકાય | સારત્થપ્પકાસિની | |
ઘ. અંગુત્તરનિકાય | મનોરથપૂરણી | |
ઙ. ખુદ્દકનિકાય | ||
1. ખુદ્દકપાઠ | પરમત્થજોતિકા | |
2. ધમ્મપદ | ધમ્મપદ-અટ્ઠકહા | |
3. ઉદાન | પરમત્થદીપની | |
4. ઇતિવત્તુક | પરમત્થદીપની | |
5. સુત્તનિપાત | પરમત્થજોતિકા | |
6. વિમાનવત્થુ | પરમત્થદીપની | |
7. પેતવત્થુ | પરમત્થદીપની | |
8. થેરગાથા | પરમત્થદીપની | |
9. થેરીગાથા | પરમત્થદીપની | |
10. જાતક | જાતક-અટ્ઠકહા | |
11. નિદ્દેસ | ||
(1) મહા | સધ્ધમ્મપ્પજ્જોતિકા | |
(2) ચુલ્લ | સધ્ધમ્મપ્પજ્જોતિકા | |
12. પટિસંભિદામગ્ગ | સદ્ધમ્મપ્પકાસિની | |
13. અપદાન | વિસુદ્ધજનવિલાસિની | |
14. બુધ્ધવંસ | મધુરત્થવિલાસિની | |
15. ચરિયાપિટક | પરમત્થદીપની | |
ક. ધમ્મસંગણિ | અટ્ઠસાલિની | |
ખ. વિભંગ | પંચપ્પકરણટ્ઠકથા | |
ગ. ધાતુકથા | સંમોહવિનોદની | |
ઘ. પુગ્ગલપંજતિ | પંચપ્પકરણટ્ઠકથા | |
ઙ. કથાવત્થુ | પંચપ્પકરણટ્ઠકથા | |
ચ. યમક | પંચપ્પકરણટ્ઠકથા | |
છ. પટ્ઠાન | પંચપ્પકરણટ્ઠકથા |
વિનયપિટક, સુત્તપિટક અને અભિધમ્મપિટક : આ ગ્રંથો નાલંદામાં આવેલ ‘નવનાલંદા મહાવિહાર’ સંસ્થા તરફથી દેવનાગરી લિપિમાં છપાઈને પ્રસિદ્ધ થયેલા છે. તેવી જ રીતે લંડનની ‘પાલિ ટેક્સ્ટ સોસાયટી’ નામની સંસ્થા મારફતે અનેક અટ્ઠકહાનું રોમન લિપિમાં મુદ્રણ કરવામાં આવ્યું છે. સિંહાલી, બ્રાહ્મી અને સિયામી લિપિમાં પણ અટ્ઠકહા છપાયેલ છે. આ અટ્ઠકહામાં મૂળ પાલિ ગ્રંથોના શબ્દો અથવા શબ્દસમુચ્ચયનો અર્થ આપ્યો હોય તેમ લાગે છે. વૈદિક બ્રાહ્મણ ગ્રંથોના અર્થવાદ પ્રમાણે તેમાં ઇતિહાસ અને આખ્યાન હોય તેવું લાગે છે. પ્રસંગાનુરૂપ પૌરાણિક, પારંપરિક અને કાલ્પનિક કથા પણ આવે છે. બુદ્ધ અને તેના શિષ્યોએ કરેલા દૈવી ચમત્કારની કથા અનેક ઠેકાણે જોવા મળે છે. કેટલીક વાર એક જ વંશ કે ઘરાનાની મૂળ ઉત્પત્તિની કથા આપવામાં આવી છે. જેમ કે દીઘનિકાયની ‘સુમંગલવિલાસિની અટ્ઠકહા’માં કોલિયવંશની ઉત્પત્તિ સંબંધી વાત આવે છે.
ભાસના ‘સ્વપ્નવાસવદત્ત’ અને ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણમ્’ નાટકના કથાવસ્તુની રાજા ઉદયન અને તેમની પ્રેયસી વાસવદત્તાની કથા ‘ધમ્મપદ અટ્ઠકહા’માં આવેલી છે. જૈન ભિક્ષુઓની નગ્નચર્યા પ્રત્યે નાપસંદગી બતાવવા વિશાખકથાની અટ્ઠકહા આવેલી છે. આ અટ્ઠકહાઓમાં વચ્ચે-વચ્ચે નર્મવિનોદ અને વાક્ચાતુર્ય જોવા મળે છે.
પ્રાચીન સિંહાલી અટ્ઠકહાઓ બારમી સદી સુધી પ્રાપ્ય હતી. એ અટ્ઠકહાઓમાં મુખ્ય આ પ્રમાણે છે : (1) મહા-અટ્ઠકહા, (2) મહા-પચ્ચરી, (3) કુરુન્દી, (4) અન્ધટ્ઠકહા, (5) સંખેપ-અટ્ઠકહા, (6) આગમટ્ઠકહા અને (7) આયરિયાનં સમાનટ્ઠકહા.
વાસ્તવમાં પાલિના અટ્ઠકહા-સાહિત્ય જેવું, ભારતીય ભાષ્ય-સાહિત્યમાં બીજું કોઈ સાહિત્ય નથી. અટ્ઠકહાઓમાં ઐતિહાસિક બુદ્ધિનો પરિચય થાય છે. સંસ્કૃત ભાષ્યોમાં ‘ઇત્યેકે’ કહીને, મતને ટાંકવામાં આવે છે, જ્યારે અટ્ઠકહાઓમાં, અમુક મતના નિર્દેશ સાથે, એ મત કોનો હતો અને ક્યારે એ મત પ્રચલિત હતો તેની વિગતો જોવા મળે છે.
પાલિ સાહિત્યના ત્રણ મોટા અટ્ઠકહાકારનાં નામ આ પ્રમાણે છે : (1) બુદ્ધદત્ત, (2) બુદ્ધઘોષ અને (3) ધમ્મપાલ.
પાલિ સાહિત્યમાં અટ્ઠકહાઓનો પ્રારંભ ઈ. સ. 4થી 5મી શતાબ્દીમાં થયો. બુદ્ધ પછી લગભગ 1000 વર્ષે અટ્ઠકહાઓ રચાઈ; પરંતુ એ કથાઓ, પરંપરાથી પ્રાપ્ત સિંહાલી અટ્ઠકહા ઉપર આધારિત હોવાથી પ્રમાણભૂત મનાય છે.
અટ્ઠકહામાંથી મહત્ત્વની માહિતી મળે છે. ‘અંગુત્તરનિકાય’ની ‘મનોરથપૂરણી અટ્ઠકહા’માં બ્રાહ્મણોના યજ્ઞયાગની માહિતી મળે છે. ‘શમ્યા પ્રાસ’ નામના યજ્ઞની માહિતી પણ મળી આવે છે. અશ્વમેધના કેટલાક ઉપયજ્ઞ, તેમાં પુરુષમેધ, વાજપેય વગેરે યજ્ઞ કેવી રીતે થાય છે તે વિશેની માહિતી આપેલી છે. આ બધી માહિતી શતપથ બ્રાહ્મણના આધારે લીધી હોય એમ જણાય છે. ‘કથાવત્થુ’ની ‘પંચપ્પકરણ અટ્ઠકહા’માં સમ્રાટ અશોકના સમયમાં પ્રચલિત જુદા જુદા પાખંડી મતો કયા બૌદ્ધપંથ કે સંપ્રદાયના હતા તેનું વિસ્તારપૂર્વક વર્ણન મળે છે. બૌદ્ધ સાહિત્યમાં અટ્ઠકહાનું અનેક દૃષ્ટિએ મહત્ત્વ છે.
ગીતા મહેતા