અઠરાશે સત્તાવનચે સ્વાતંત્ર્યયુદ્ધ

January, 2001

અઠરાશે સત્તાવનચે સ્વાતંત્ર્યયુદ્ધ (1908) : વિનાયક દામોદર સાવરકરે મરાઠીમાં લખેલો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ. સાવરકર ઇંગ્લૅન્ડમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ લેવા ગયેલા તે સમયે ત્રેવીસ વર્ષની વયે આ ગ્રંથ લખેલો. આ ગ્રંથમાં એવી ક્રાંતિકારી શક્તિ હતી કે છપાયા પૂર્વે જ અનેક રાષ્ટ્રોએ એની જપ્તીનો હુકમ કાઢ્યો.

વીર સાવરકરે એ પુસ્તક છપાવવા માટે ભારત મોકલ્યું, પરંતુ કોઈ છાપવા તૈયાર ન થતાં એ એમને ઇંગ્લૅન્ડ પાછું મોકલવામાં આવ્યું. ત્યારે તેમણે એ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરી ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ તથા હોલૅન્ડથી પ્રકાશિત કર્યું, પણ એની મૂળ મરાઠી હસ્તપ્રત ઉપલબ્ધ રહી નથી.

એક ક્રાન્તિકારની દૃષ્ટિએ 1857ની ક્રાંતિની ઘટનાઓનું તેમણે સવિસ્તર તથા સજીવ નિરૂપણ કર્યું છે. કેટલાક પ્રસંગો તો નાટ્યાત્મક રીતે તાદૃશ નિરૂપાયા છે. એમાં સ્વાતંત્ર્ય યુદ્ધની પૂર્વભૂમિકા, યુદ્ધનું સંચાલન અને નિર્મૂળતાનાં કારણો એમ સર્વાંગી દૃષ્ટિએ સ્વાતંત્ર્યયુદ્ધનું નિરૂપણ થયેલું છે. 1857ની ક્રાન્તિ વિશે સર્વાંગી વિગતપ્રચુર આ ગ્રંથ, ભારતીય ભાષામાં પ્રથમ હતો. પરંતુ અનેક રોમાંચક ઘટનાઓ, જીવંત રેખાચિત્રો અને રસપ્રદ કથનશૈલી જોતાં આ પુસ્તક ઇતિહાસ હોવા છતાં લલિત વાઙ્મયના જેટલું રસપ્રદ છે. લેખકે ભાવવિભોર બનવા છતાં એ પ્રવાહમાં ન તણાતાં એ વિષયના સ્વસ્થ મુગ્ધ અભ્યાસી તરીકે આ પુસ્તક લખ્યું છે.

ઉષા ટાકળકર