અટિરા (સ્થા. ડિસેમ્બર 1947) : બ્રિટનના નમૂના પરથી અમદાવાદમાં સ્થપાયેલી અટિરાના સંક્ષિપ્ત નામે જાણીતી અમદાવાદ કાપડ-ઉદ્યોગની સંશોધન સંસ્થા (Ahmedabad Textile Industries Research Association). ભારતમાં કાપડ-સંશોધનનું પહેલું કેન્દ્ર. કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકાર અને ઉદ્યોગોના મંડળના સહયોગથી અમદાવાદની આ સૌથી જૂની વૈજ્ઞાનિક સંશોધનસંસ્થા ચાલે છે.

અમદાવાદના મિલમાલિક મંડળે કાપડ-ઉદ્યોગ માટે સંશોધન-પ્રયોગશાળાની એક રૂપરેખા 1944માં તૈયાર કરી હતી. ડિસેમ્બર 1947માં તેને મૂર્ત સ્વરૂપ મળ્યું. તેના 71 સ્થાપક સભ્યોએ તેને માટે પ્રારંભિક ભંડોળ એકઠું કર્યું. કસ્તૂરભાઈ લાલભાઈના અધ્યક્ષપણા હેઠળ સંચાલક મંડળ રચાયું. એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના મકાનમાં અટિરાના કાર્યની શરૂઆત થઈ. 1 નવેમ્બર 1950ના રોજ તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે અટિરાના નવા મકાનનો પાયો નખાયો હતો. 1952માં આ સંસ્થાને ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં 75 એકર જમીન પર બંધાયેલા અને સાધનસામગ્રી તથા સગવડવાળા તેના અલાયદા વાતાનુકૂલિત ભવનમાં ખસેડવામાં આવી છે.

અટિરાનું વહીવટી કાર્યાલય

અટિરા કાપડની મિલોની સૌથી મોટી સહકારી સંશોધનસંસ્થા તરીકે નામના પામેલી છે. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) દ્વારા તેનું ભારત સરકાર સાથે સંકલન છે. પ્રારંભમાં જ અટિરાને ડૉ. વિક્રમ સારાભાઈનું માર્ગદર્શન મળેલું. અટિરાએ તેના સંશોધનકાર્ય માટે ત્રણ ક્ષેત્રો પસંદ કર્યાં છે : (1) પ્રક્રિયા અને પદ્ધતિને આધુનિક સ્પર્શ આપતું કાર્યપ્રણાલી અંગેનું (operational) સંશોધન; (2) ઉદ્યોગને સીધેસીધું ઉપયોગી બને તેવું પ્રયુક્ત સંશોધન; (3) ઉદ્યોગમાંના કારીગરો, વપરાતી વસ્તુઓ અને પદ્ધતિઓ અંગેના જ્ઞાનને સુધારવા માટેનું મૂળભૂત સંશોધન.

દેશના કાપડ-ઉદ્યોગની વધતી જતી માંગ પ્રમાણે અટિરાએ સંશોધનપ્રવૃત્તિઓ વિકસાવી, ઉદ્યોગમાં ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે તેની દ્વારા વિવિધ સંશોધનો થયાં, (ઉત્પાદનની ગુણવત્તાનો ભોગ આપ્યા વિના, પૂરી ચકાસણીઓ દ્વારા બગાડના સ્તર અંગેનાં વિવિધ ધોરણોને નીચે લાવી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા સંસ્થાએ પ્રયત્નો કર્યા છે.)

અટિરાએ નીચેનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન પ્રદાન કરેલું છે :

રેસાઓનું આંતરિક બંધારણ, તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, કાંતણ અને વણાટની ઉત્પાદનશીલતા અને ગુણવત્તા, બ્લીચિંગ, ફિનિશિંગ અને પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજી અને ઉત્પાદનવ્યવસ્થા. આ સંસ્થામાં ઑક્સિડાઇઝ્ડ સ્ટાર્ચ બનાવવાની પ્રક્રિયા તથા રેસાઓના ગુણધર્મો માપવા માટેનાં ઉપકરણો પણ તૈયાર કર્યાં છે. પાણીના વપરાશમાં લગભગ 30%થી 35% ઘટાડો થાય તેવાં અટિરાએ વિકસાવેલાં વૉશિંગ મશીન કાપડ-ઉદ્યોગમાં હાલ વપરાય છે.

સભ્ય મિલોને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે અટિરાનું માર્ગદર્શન મળે છે. ઉપરાંત તાલીમવર્ગો અને કાર્યશાળાઓ (workshops) ચલાવીને પણ તે ઉદ્યોગોને સહાયરૂપ થાય છે. તેણે વિકસાવેલી અનેક નવી પદ્ધતિઓના દેશવિદેશોમાં પેટન્ટો મેળવાયા છે. ભારતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા અટિરાને અનુસ્નાતક સંશોધન-કેન્દ્ર તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.

સંસ્થા માટે આવકનાં સાધનોમાં સભ્યોનો વાર્ષિક ફાળો આવકના 10% જેટલો છે. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગો, સંસ્થાઓ અને વિભાગો તરફથી પ્રાયોજિત સંશોધનો અહીં કરવામાં આવે છે. તે દ્વારા આવકના 40%થી અધિક રકમ આ સંસ્થાને મળે છે. કેન્દ્ર-સરકાર અને તેના વિવિધ વિભાગો તરફથી અમુક ખાસ પ્રકારનાં સંશોધનો અને પરીક્ષણો અહીં કરાવાય છે તેની સહાય પેટે સંસ્થાને આવકના 18.8% મળે છે. આ ઉપરાંત સંસ્થામાં જે નવું સંશોધન થાય છે તેની જાણકારી વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓ પરવાનાથી મેળવે છે. આથી સંસ્થામાં થતાં સંશોધનો માત્ર પ્રયોગશાળામાં કે સંશોધન-નિબંધોમાં સીમિત ન રહેતાં ઉપભોક્તાઓ સુધી પહોંચે છે. આવા પરવાનાઓની આવક આવકના 28% જેટલી રૉયલ્ટી તરીકે મળે છે.

સંસ્થા પાસે સુસજ્જ પ્રયોગશાળાઓ, પાઇલટ મિલ, આધુનિક વર્કશૉપ અને સુવ્યવસ્થિત કમ્પ્યૂટરાઇઝ્ડ લાઇબ્રેરી છે. ટેસ્ટિંગ લૅબોરેટરીઓ સહિત સાયન્સ અને ટૅક્નૉલૉજીના મળીને કુલ દસ વિભાગો છે.

અટિરાની સફળતાથી પ્રેરાઈને મુંબઈના ઉદ્યોગો માટે બીટિરા (BITIRA), દક્ષિણ ભારત માટે સીટિરા (SITIRA) અને ઉત્તર ભારત માટે નીટિરા (NITIRA) જેવી સંશોધન-સંસ્થાઓ વિકસાવાઈ છે. આ સંસ્થાઓ તે તે વિસ્તારના કાપડ-ઉદ્યોગો અને આનુષંગિક ઉદ્યોગોને સેવાઓ પૂરી પાડે છે. માનવસર્જિત કાપડ-ઉદ્યોગોને ઉપયોગી સંશોધનકાર્ય માટે આવી એક સંસ્થા સૂરતમાં પણ સ્થપાઈ છે.

અટિરાએ 400થી અધિક પ્રાયોજિત મોટા પ્રોજેક્ટો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આવા પ્રોજેક્ટોને અંતે મળતી જાણકારીથી મિલોની ઉત્પાદનક્ષમતા અને ઉત્પાદનગુણવત્તા વધી છે, જ્યારે ઉત્પાદનખર્ચ ઘટ્યો છે. સંસ્થાએ 90થી અધિક પૅટન્ટો મેળવ્યા છે. 50થી અધિક પૅટન્ટો લાઇસન્સથી વિવિધ ઉદ્યોગોને વાપરવા આપી છે. આથી સંસ્થાને રૉયલ્ટી રૂપે આવક થાય છે તથા સંશોધનો પ્રયોગશાળાથી ઉપભોક્તાઓ સુધી પહોંચે છે.

સંસ્થાને તેનાં નોંધપાત્ર સંશોધનો માટે 18થી અધિક રાષ્ટ્રીય પારિતોષિકો અને સંશોધન-સન્માનો મળ્યાં છે. 60 જેટલા ઉત્પાદકોએ અટિરાનાં સંશોધનો-આધારિત પરવાના મેળવીને ઉત્પાદનો બજારમાં મૂક્યાં છે જેથી ઉદ્યોગોને ફાયદો થયો છે. સભ્ય સંસ્થાઓના નમૂનાઓ અત્રે પરીક્ષણ અર્થે મોકલાય છે. પ્રતિવર્ષે આવાં 11 હજારથી અધિક પરીક્ષણો અત્રે કરાય છે અને તેનો સંપૂર્ણ ટેસ્ટિંગ રિપોર્ટ જે તે સંસ્થાને અપાય છે.

સંસ્થાએ તેનું એક પ્રાદેશિક કેન્દ્ર ઇન્દોર ખાતે ઊભું કર્યું છે, જે ત્યાંના આસપાસના આવા ઉદ્યોગોને સહાયતા અને માર્ગદર્શન પૂરાં પાડે છે. બધા જ પ્રકારનાં ટેસ્ટિંગ ત્યાં જ કરી શકાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. બદલાતી જતી પરિસ્થિતિમાં આ ઉદ્યોગોનાં પ્રદૂષણો અંગેના પ્રશ્નો, ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ તથા તે અંગેના ટ્રીટમેન્ટ પ્લાન્ટોની ડિઝાઇનો તૈયાર કરી તેને ઊભા કરવામાં પણ આ સંસ્થા મદદ કરી રહી છે.

સુરેશ ર. શાહ