અજિતસિંહ (2) (જ. 23 ફેબ્રુઆરી, 1881, ખતકર કલાન, જિ. જલંદર, પંજાબ; અ. 15 ઑગસ્ટ 1947) : ભારતીય ક્રાંતિકાર. પિતા અરજણસિંહ અને માતા જયકૌર. પ્રખ્યાત ક્રાંતિકાર ભગતસિંહના કાકા. તેઓ જાટ શીખ હતા. તેમણે માધ્યમિક શિક્ષણ જલંદરમાં અને ઉચ્ચ શિક્ષણ ડી. એ. વી. કૉલેજ, લાહોરમાં લીધું. બી.એ. પાસ થયા બાદ બરેલીની લૉ કૉલેજમાં દાખલ થયા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે અભ્યાસ છોડી દીધો. પિતાના સંસ્કારો તથા લોકમાન્ય ટિળકનાં લખાણો અને ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીશ’ આ સૂત્રથી તેઓ દેશભક્ત બન્યા હતા. તેમના બે ભાઈઓ કિશનસિંહ (ભગતસિંહના પિતા) અને સ્વરણસિંહ ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.
કોલકાતાના બંગાળી ક્રાંતિકારીઓ અજિતસિંહના સંપર્કમાં રહેતા અને વખતોવખત તેમની ગુપ્ત મુલાકાત લેતા હતા. લાલા લાજપતરાય અને સૂફી અંબાપ્રસાદ જેવા નેતાઓ સાથે તેમણે જાહેર જીવનની શરૂઆત કરી. અજિતસિંહ પ્રભાવશાળી વક્તા હતા. 21 એપ્રિલ, 1907ના રોજ રાવલપિંડીમાં એક સભામાં, જમીન-મહેસૂલમાં કરવામાં આવેલ વધારા સામે તેમણે સરકારની સખત ટીકા કરી. તેના પરિણામે સભા પૂરી થયા બાદ ઉશ્કેરાયેલા લોકોએ સરકારી મકાનોને આગ ચાંપી. સરકારે લાલા લાજપતરાય અને અજિતસિંહને દેશનિકાલ કરી બર્મા(મ્યાનમાર)માં મંડાલેમાં મોકલી આપ્યા. તેમને છ મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા.
દેશમાં પાછા ફરીને તેમણે ક્રાંતિકારી સાહિત્ય પ્રગટ કરવા માંડ્યું. તેમણે ‘પેશવા’ નામે એક અખબાર શરૂ કરીને સૂફી અંબાપ્રસાદને તેના તંત્રી બનાવ્યા. સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો એટલે ‘ભારતમાતા’, ‘સહાયક’ વગેરે જુદાં જુદાં નામ હેઠળ પ્રકાશન ચાલુ રાખ્યું. તેમણે ‘બાગી મસીહા’, ‘મુહિબ્બાન-ઇ-વતન’, ‘ગદર–1857’ વગેરે નામથી ક્રાંતિકારી પુસ્તિકાઓ પ્રગટ કરી, જેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે ‘ભારત માતા સમાજ’ નામે ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. સૈયદ હૈદર રિઝાના સહકારથી તેમણે ઇન્ડિયન પેટ્રિયટ્સ એસોસિયેશન સ્થાપ્યું.
1908માં બંગાળી જહાલવાદી નેતા બિપિનચંદ્ર પાલને સરકારે મુક્ત કર્યા ત્યારે તેમને અભિનંદન આપવા લાહોરમાં તેમણે એવું જલદ પ્રવચન આપ્યું કે સરકારે તેમને ચેતવણી આપી. તેમ છતાં નવેમ્બર 1908માં તેમણે એક પ્રવચનમાં સરકારની શિક્ષણવ્યવસ્થાની ઝાટકણી કાઢી. સરકારે તેમની પ્રવૃત્તિઓને રાજદ્રોહી માનીને તેમની ધરપકડ કરવાની તૈયારી કરી. તેથી તેઓ ઈરાન જતા રહ્યા. ત્યાં ભારતની સ્વતંત્રતાનો પ્રચાર કરવા તેમણે અખબાર શરૂ કર્યું. ત્યાંથી તેઓ રોમ, જિનીવા અને પૅરિસ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન યુરોપ છોડીને દક્ષિણ અમેરિકામાં રિઓ ડી જાનેરોમાં રહીને સાનફ્રાંસિસ્કોમાં ચાલતી ગદર પક્ષની પ્રવૃત્તિના સંપર્કમાં રહ્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેઓ યુરોપ ગયા અને સુભાષચંદ્ર બોઝને મળ્યા. ઇટાલીના પતન બાદ તેમને ત્યાંની જેલમાં અને જર્મનીના પતન બાદ બર્લિનની જેલમાં પૂરવામાં આવ્યા. યુદ્ધ પૂરું થયા બાદ કેટલાક સમય પછી તેમને ભારત આવવાની પરવાનગી મળી. ભારતમાં આવ્યા બાદ, આઝાદી આવતી જોઈ. તે પછી તેમનું અવસાન થયું.
અજિતસિંહ ક્રાંતિકારી વિચારસરણીમાં માનતા હતા. તેમના મતાનુસાર સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ક્રાંતિ કરવી આવશ્યક હતી. કૉંગ્રેસની નીતિ તેમને સ્વીકાર્ય નહોતી. તેઓ કહેતા, ‘‘માગીને તમે કંઈ મેળવી શકશો નહિ. તમારી તાકાત કેળવો અને આંચકી લો.’’ દેશની અવદશા માટે તેઓ બ્રિટિશ સરકારને જવાબદાર માનતા હતા. તેઓ ઉદાર-મતવાદી અને બિનસાંપ્રદાયિક વિચારો ધરાવતા હતા.
જયકુમાર ર. શુક્લ