અજીવ : જૈન મત અનુસાર જેમાં ચેતના ન હોય તે દ્રવ્ય. અજીવને જડ, અચેતન પણ કહે છે.

અજીવના ભેદ : જૈન માન્યતા પ્રમાણે અજીવના પાંચ પ્રકાર છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય (કાળ અસ્તિકાય નથી કહેવાતો). કાયનો અર્થ સમૂહ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અમૂર્ત તથા પુદ્ગલ મૂર્ત દ્રવ્ય છે. જૈન આગમોમાં અમૂર્તને માટે ‘અરૂપી’ અને મૂર્તને માટે ‘રૂપી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નથી હોતાં તેને અરૂપી કહે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય અને જેના વિભિન્ન પ્રકારના આકાર અને પ્રકાર બની શકે એને રૂપી કહે છે.

ધર્માસ્તિકાય : આ ગતિસહાયક તત્ત્વ છે. જેવી રીતે માછલીને ગતિ કરવામાં પાણી મદદરૂપ થાય છે, તેવી જ રીતે જીવ અને પુદ્ગલ દ્રવ્યોને હલનચલન અને ગમનમાં મદદરૂપ કારણ ‘ધર્મદ્રવ્ય’ છે.

અધર્મ : આ સ્થિતિસહાયક દ્રવ્ય છે. તેનો સ્વભાવ ધર્માસ્તિકાયથી વિપરીત છે. તે ગતિશીલ જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં સહાયક થાય છે.

આકાશદ્રવ્ય : જેમાં પદાર્થોને અવકાશ, આશ્રય, આધાર આપવાનો ગુણ હોય તેને આકાશ કહે છે. વિશ્વના બધા જ પદાર્થો આકાશના આધારથી ટકેલા છે. આકાશના બે પ્રકાર છે : લોકાકાશ અને અલોકાકાશ. આકાશના જેટલા ક્ષેત્રમાં જીવાદિ દ્રવ્ય રહે છે એને લોકાકાશ, અને બાકીના આકાશને અલોકાકાશ કહે છે.

કાળ : જે દ્રવ્યોને નવીન, પુરાતન વગેરે અવસ્થાઓને બદલવાના નિમિત્તરૂપથી મદદ કરે છે તે કાળ છે. ઘડી, કલાક, મિનિટ વગેરે કાળની જ અવસ્થા છે. બાળક, યુવાન, વૃદ્ધ, નૂતન, પુરાતન, જ્યેષ્ઠત્વ, કનિષ્ઠત્વ વગેરે લોકવ્યવહાર સમયની સહાયતાથી જ થતો હોય છે.

પુદ્ગલ : જેમાં સ્પર્શ, રસ ગંધ, વર્ણ હોય તેને પુદ્ગલ કહે છે. સ્પર્શ આઠ છે. રસ પાંચ છે. ગંધના બે પ્રકાર છે. વર્ણના પણ પાંચ પ્રકાર છે. બધા મળીને 20 ગુણ પુદ્ગલમાં હોય છે. એના સિવાય શબ્દ બંધ, સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ-ભેદ, અંધકાર-છાયા-આતપ વગેરે પણ પુદ્ગલ છે. પુદ્ગલ ‘પુદ્’ અને ‘ગલ’ આ બે શબ્દોનો બનેલો છે. પુદ્નો અર્થ પૂરણ અને ગલનો ગલન થાય છે. એથી એને પુદ્ગલ કહે છે. પુદ્ગલના ચાર પ્રકાર છે : સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. અનન્તાનન્ત પરમાણુઓથી સ્કન્ધ બને છે. તેનાથી અડધો સ્કન્ધ દેશ, અને સ્કન્ધદેશનો અડધો સ્કન્ધપ્રદેશ બને છે. પરમાણુ સર્વત: અવિભાગી હોય છે. ઇન્દ્રિયો, શરીર, મન, ઇન્દ્રિયોનો વિષય અને શ્વાસોચ્છ્વાસ વગેરે પુદ્ગલ દ્રવ્યનાં વિવિધ પરિણમન છે.

અજીવના ધર્મ, અધર્મ વગેરે પાંચ પ્રકારમાંથી ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે. નિષ્ક્રિય છે. પરંતુ પોતપોતાના સ્વરૂપમાં પરિણમન રૂપે ક્રિયા કર્યા કરે છે. એટલે તેમાં વિજાતીય સંયોગોથી વિકાર ઉત્પન્ન થતા નથી. પરંતુ પ્રદેશોની અપેક્ષાએ ધર્મ, અધર્મ દ્રવ્યના અસંખ્ય પ્રદેશો અને આકાશના અનંત પ્રદેશો હોય છે. કાળદ્રવ્ય એકપ્રદેશી છે (તેથી અસ્તિકાય નથી). પુદ્ગલના ગણતરીના અસંખ્ય તેમજ અનંત પ્રદેશ છે. આ દ્રવ્ય નિત્ય (સ્થાયી) અને શાશ્વત છે. એનો કદી નાશ નથી થતો અને પોતાના ગુણપર્યાયો દ્વારા ઉત્પાદ, વિનાશ રૂપે પરિણમન કરતા રહે છે, પરિવર્તન પામતા રહે છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા