અજિતસિંહ : જોધપુરના રાઠોડ મહારાજા. મુઘલ બાદશાહ ફર્રુખસિયરના રાજ્યકાળમાં 1715માં તેઓ ગુજરાતના સૂબેદાર નિમાયા હતા. એમણે પોતાના નાયબ તરીકે વિજયરાય ભંડારીને મોકલેલા અને થોડા મહિના બાદ પોતે અમદાવાદમાં રહ્યા હતા. એમનો વહીવટ પ્રજામાં અપ્રિય હતો. એ સૌરાષ્ટ્રમાં ખંડણી વસૂલ લેવા ગયા તે દરમિયાન રૈયતની ફરિયાદ પરથી બાદશાહે અન્ય સૂબેદારની નિમણૂક કરી (1717).

અજિતસિંહે પોતાની કુંવરી ફર્રુખસિયર વેરે પરણાવી હતી; છતાં એ બાદશાહના પ્રતિસ્પર્ધી સૈયદ ભાઈઓને વફાદાર રહેલા. તેથી રફી ઉદ્-દરજાતના રાજ્યકાલમાં અજિતસિંહને બીજી વાર ગુજરાતની સૂબેદારી અપાઈ (1719). શરૂઆતમાં એમના નાયબ તરીકે મહેરઅલીખાનને અમદાવાદ મોકલેલા. અજિતસિંહની વિનંતીથી બાદશાહે જજિયાવેરો નાબૂદ કર્યો. બાદશાહ મુહમ્મદશાહના સમયમાં અજિતસિંહ ગુજરાતના સૂબેદાર તરીકે ચાલુ રહ્યા, પરંતુ એમના નાયબ અનુપસિંહ ભંડારીની જુલમી નીતિને લીધે અજિતસિંહ પાસેથી સૂબેદારી લઈ લેવામાં આવી હતી (1721).

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી