અગસ્ત્ય : એક પ્રસિદ્ધ ઋષિ. ઉર્વશી નામની અપ્સરાના રૂપદર્શનથી કામપીડિત બનેલ મિત્ર અને વરુણ (મિત્રાવરુણ) દેવનું શુક્ર સ્ખલિત થતાં તેમાંથી જન્મેલ અગસ્ત્ય ઋષિનું એક નામ મૈત્રાવરુણિ પણ છે. તે ઉપરાંત ઔર્વશેય, કુંભમાંથી પેદા થયેલ હોવાથી કુંભયોનિ, ઘટોદ્ભવ વગેરે નામ પણ છે.
ઋગ્વેદનાં ઘણાં સૂક્તોના દ્રષ્ટા આ અગસ્ત્યનાં પત્નીનું નામ લોપામુદ્રા છે. વિવિધ પૌરાણિક કથાઓ પ્રમાણે જોતાં તેમણે દક્ષિણ ભારતમાં વિંધ્યાચલ પર્વતને ઊંચો વધતો રોકેલો. સમુદ્રમાં સંતાયેલા દૈત્યો દ્વારા ઇન્દ્ર વગેરે દેવો ઉપર ભય આવી પડતાં સમુદ્રનું પાન કરી જનાર, હયગ્રીવાવતાર ભગવાન વિષ્ણુનાં દર્શન કરી જનસમાજનાં અજ્ઞાન દૂર કરનાર, ત્રિપુરાસુરનો નાશ કરવા માટે ભગવાન શિવની સ્તુતિ કરનાર, કામથી પીડિત નહુષ રાજાએ અપમાનિત કરતાં તેને સર્પયોનિમાં પડવાનો શાપ આપનાર અને વનવાસ સમયે પોતાના આશ્રમમાં શ્રીરામનું આતિથ્ય કરનાર આ ઋષિનું વ્યક્તિત્વ દિવ્ય તેમજ સર્વતોમુખી છે. મંત્રદ્રષ્ટા અને તંત્રવિદ્ એવા તે ધનુષ્ય ધારણ કરીને દેશાટન કરતા. કહે છે કે તેમણે નૌકાશાસ્ત્ર બનાવીને સૌપ્રથમ હોડીની શોધ કરેલી. દક્ષિણમાં રહીને દ્રવિડ ભાષામાં તેમણે ઘણા ગ્રંથ રચ્યા હતા, જેમાં એક સ્થાપત્ય ઉપર પણ હતો. અગસ્ત્યનાં મંદિરો જાવા ઇત્યાદિ દ્વીપોમાં મળી આવે છે. ભાદરવા માસમાં દક્ષિણ બાજુ ઊગનાર અગસ્ત્ય નામના તારાનો ઉદય થતાં ચોમાસાનું પાણી સ્વચ્છ થાય છે, એ ઘટનાનો આ ઋષિ સાથે સંબંધ છે.
ભગવતીપ્રસાદ પંડ્યા
ભારતી શેલત