અક્ષરધામ : શ્રીવલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર સચ્ચિદાનંદ બ્રહ્મના ત્રણ મુખ્ય રૂપ હોય છે : (1) પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ અથવા અભેદ રૂપ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ, (2) અક્ષર બ્રહ્મ, જેઓ ગુણાતિતાનંદ છે અને બે સ્વરૂપ ધરાવે છે તેમજ (3) અંતર્યામી. અક્ષર બ્રહ્મનાં બે સ્વરૂપોમાંનું એક સ્વરૂપ પૂર્ણપુરુષોત્તમનું અક્ષરધામ છે અને બીજું કાલ, કર્મ, સ્વભાવ રૂપે પ્રગટ થનારું પ્રકૃતિ, જીવ તથા અનેક દેવી-દેવતાઓનાં રૂપમાં પરિણત થતું રૂપ છે. પૂર્ણ પુરુષોત્તમનું અક્ષરધામ જ ગોલોક કહેવાય છે, જ્યાં તેઓ અવિરત નિત્યલીલાના આનંદમાં મગ્ન રહે છે.

પ્રવીણચંદ્ર પરીખ