અક્ષરમાળા : ગુજરાતીના ‘કક્કા’ પ્રકારનો કન્નડ કાવ્યપ્રકાર. એમાં પંક્તિની શરૂઆત મૂળાક્ષરના પ્રથમ અક્ષર ‘અ’થી થાય છે અને ‘જ્ઞ’થી કાવ્યની અંતિમ પંક્તિની શરૂઆત થાય છે. રચનાની વિશિષ્ટતા ઉપરાંત એમાં કાવ્યતત્ત્વ પણ હોય છે, કારણ કે કવિને બંધન માત્ર પંક્તિના પ્રથમ અક્ષર પૂરતું જ હોય છે. કન્નડનાં ત્રણ કવિરત્નો (પંપ, પોન્ન અને રન્ન)માં પોન્નની ‘જિનાક્ષરમાલા’માં 39 પંક્તિઓમાં જિનની સ્તુતિ કરી છે. સત્તરમી સદીના કવિ ચિવકુપાધ્યાયની રચના ‘અક્ષરમાલિકા સાંગત્ય’ પણ આ પ્રકારનું કાવ્ય છે. એમાં 103 પદોમાં ભગવાન રંગનાથની સ્તુતિ છે.

એચ. એસ. પાર્વતી