અંબારામ મહારાજ (જ. ઈ. સ. 1863, અનગઢ, જિ. વડોદરા; અ. 1933, ધર્મજ) : આત્મજ્ઞાની સિદ્ધ પુરુષ. મહીનદીને કાંઠે આવેલા અનગઢ ગામમાં સોળ વર્ષની વયે ભગવાનદાસ નામના સિદ્ધ પુરુષનો સમાગમ થતાં સાધનાના માર્ગે પ્રસ્થાન કર્યું અને એ માટે વતનનો ત્યાગ કરીને ધર્મજમાં જઈ એકાંતવાસ કર્યો. લોકોએ તેમને મઢી બનાવી આપી. ધર્મજમાં તેમની ગુરુગાદી અને શિષ્યપરંપરા મોજૂદ છે. તેમની સિદ્ધિઓ અને પરચા વિશે સ્થાનિક લોકોમાં અનેક વાતો પ્રચલિત છે. અંબારામ પોતે અહર્નિશ પરાત્મભાવમાં જ રત રહેતા. તેમની વાણીમાં તેમની તુરીયાતીત અવસ્થાનો અનુભવ વરતાય. ‘ભજનરત્નમાલા’માં સંગૃહીત તેમનાં પદ-ભજનો પરથી તેમનાં સિદ્ધાંત અને સાધનાપદ્ધતિ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. તેમને મતે એક અદ્વિતીય પરબ્રહ્મ જ તત્વનું તત્વ અને સત્યનું સત્ય છે; બીજું બધું કલ્પિત છે, મિથ્યા છે, નાશવંત છે. પરબ્રહ્મનું ચૈતન્ય સ્વરૂપ કિંવા પ્રકાશ તે બ્રહ્મ છે અને પરબ્રહ્મનો સંકલ્પ કે ઇચ્છા તે માયા છે. આમ માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ (એટલે સ્વરૂપાતીત સ્વયં) ભિન્નવત્ ભાસે છે, પરંતુ વસ્તુત: તે એક જ છે. ત્રિગુણાત્મિકા માયા જડ છે, પણ બ્રહ્મની સત્તાએ કરીને તે ચેતન થઈ ચાલે છે અને કલ્પનાત્મક કિંવા માયિક સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થયા કરે છે. પરમેશ્વરની શક્તિ વિના બ્રહ્મમાયા કે પુરુષપ્રકૃતિ કંઈ કરવા સમર્થ નથી. વસ્તુત: સર્વનું અધિષ્ઠાન અને સર્વનું પ્રકાશક પરબ્રહ્મ જ છે. તેથી પરબ્રહ્મ અનામી છતાં સર્વનામી, અરૂપી છતાં સર્વરૂપી, અકર્તા છતાં સર્વકર્તા, અભોક્તા છતાં સર્વભોક્તા છે એમ એમણે કહ્યું છે. વાસના એ ‘હૃદય-ગ્રંથિ’ છે અને ‘અહંગ્રંથી’ કર્મગ્રંથિ અને સંશયગ્રંથિ એ તેના પ્રકાર છે. આત્મદર્શન થતાં આ ત્રિવિધ ગ્રંથિ નાશ પામે છે અને જીવ સ્વયં સચ્ચિદાનંદરૂપ બની રહે છે. પ્રત્યેક શ્વાસોચ્છવાસે સુરતા પરમાત્મામાં રાખવાની આ અજપાજપની યૌગિક ક્રિયાને અંબારામે ‘સુરતાશબ્દયોગ’ કહી છે.
પ્રવીણચંદ્ર પરીખ