અંબાલા : ભારતના હરિયાણા રાજ્યનો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 30° 21´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે. વિસ્તાર : 3,832 ચોકિમી. વસ્તી : જિલ્લો 11,36,784 (2011). ઉત્તરે હિમાચલ પ્રદેશ, પૂર્વમાં ઉત્તરપ્રદેશ, દક્ષિણે રાજ્યનો કુરુક્ષેત્ર જિલ્લો અને પશ્ચિમે પંજાબ રાજ્યની સરહદો આવેલી છે. અંબાલા શહેર અનાજ, કપાસ અને ખાંડનું મોટું વેપાર-કેન્દ્ર છે. દેશના સૌથી મોટા લશ્કરી કૅન્ટૉનમેન્ટ વિસ્તારોમાંનો એક વિસ્તાર અંબાલા શહેર પાસે છે. 1867માં શહેરમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી. શહેરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ઉપરાંત હાથસાળ અને વાંસકામના ગૃહોદ્યોગો પણ વિકસેલા છે. અંબાલા જિલ્લાનો વિસ્તાર ફળદ્રૂપ છે અને અનાજ, ચણા, કપાસ, શેરડી તથા મગફળી તેના મુખ્ય પાકો છે. જિનિંગ કારખાનાં, આટો બનાવવાની મિલો તથા ખાદ્યપ્રક્રિયા(food processing)નાં કારખાનાં મોટા પ્રમાણમાં અંબાલા જિલ્લામાં છે.

HaryanaAmbala

અંબાલા, હરિયાણા રાજ્ય

સૌ. "HaryanaAmbala" | CC BY-SA 3.0

હેમન્તકુમાર શાહ