અંબાડી : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hibiscus cannabinus Linn. (હિં. अंबोकी, अंबोष्ठि; મ. અંબાડી, અંબાડા; ગુ. અંબાડી; અં. Deccan hemp, Ambari hemp, Kenaf, Bimli Jute) છે. ગુજરાતમાં તેની 15 જેટલી જાતો થાય છે. કપાસ, ખપાટ અને ભીંડી તેનાં સહસભ્યો છે.

તે એકવર્ષાયુ ઝીણા કાંટાવાળી 2.5થી 3.6 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે. નીચેનાં પર્ણો અખંડિત હૃદયાકાર અને ઉપરનાં પર્ણો પાણિવત્ (palmately), 5-7 ખંડી, તેના ખંડો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) અને તેની કિનારી દંતુર હોય છે. પુષ્પનિર્માણ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થાય છે. પુષ્પો પીળાં અને તેના કેન્દ્રનો રંગ કિરમજી; અને કક્ષીય હોય છે અને તે 7.5થી 10.0 સેમી. વ્યાસ ધરાવે છે. પ્રાવર ગોળાકાર, અણીદાર અને કેશમય હોય છે. તેનાં બીજ તપખીરિયા રંગનાં, કંઈક અંશે ગોળાકાર, જાડાં, ટૂંકાં અને બરછટ હોય છે.

તે ભારતની દેખીતી રીતે દેશી (indigenous) વનસ્પતિ હોવા છતાં ઉષ્ણકટિબંધીય આફ્રિકાની મૂલનિવાસી છે; જ્યાં તે ‘વન્ય’ (wild) પ્રકાર તરીકે ઊગે છે. ભારત ઉપરાંત ચીન, અમેરિકા, આફ્રિકાના ઘણા દેશો, થાઇલૅન્ડ વગેરેમાં પણ તે વવાય છે. ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારમાં રેસા માટે વાવવામાં આવે છે. તે બંગાળનો અગત્યનો પાક છે. પુસા (બિહાર) દ્વારા તેની પાંચ સ્પષ્ટ જાતો અલગ તારવવામાં આવી છે, જે આઠ કૃષિ-પ્રરૂપો(agricultural types)ની બનેલી છે. તે પૈકી N. P. 3 અને N. P. 6 રેસાઓ માટે સૌથી સારાં પ્રરૂપો ગણવામાં આવે છે.

ભારતમાં આ વનસ્પતિને Macrophomina phaseoli (Maubl.) Ashby. દ્વારા સૂકા મૂળનો સડો; Cercospora hibisci Tracy & Earle. દ્વારા પર્ણડાઘ; Phyllosticta hibisci Peck. દ્વારા પર્ણનો સુકારો; Diplodia hibiscina Cke. & E II. દ્વારા થડનો સડો અને Vollutellaની જાતિ દ્વારા બદામી સડો લાગુ પડે છે. કીટકો પણ આ વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તે પૈકી Agrilus acutus પ્રકાંડ પર લાંબી પિટિકાઓ (galls) ઉત્પન્ન કરે છે. Podagrica apicefulva પણ નુકસાનકારક કીટક છે. Spermophagus tessellatus બીજસંગ્રહ પર અસર કરે છે. આ કીટકોનું નિયંત્રણ YBHC દ્વારા કરવામાં આવે છે.

સામાન્યત: આ છોડ વિવિધ આબોહવા અને સંજોગોમાં વાવી શકાય છે. સેન્દ્રિય તત્વોથી ભરપૂર સારા નિતારવાળી ભૂમિ, 500થી 750 મિમી. વરસાદ અને દીર્ઘદિવસી (long day) સ્થિતિ તેની ખેતી માટે અનુકૂળ છે. કાપતી વખતે છોડ વધુમાં વધુ ઊંચો અને એકસરખી રીતે ઊગેલો હોય અને પુષ્પનિર્માણની પ્રક્રિયા મોડી થાય તો રેસા સારા મળે છે. તેનું ઉત્પાદન 1,000 કિગ્રા.થી 3,000 કિગ્રા./હેક્ટર થાય છે. જો કે 6,000 કિગ્રા./હેક્ટર જેટલું ઉત્પાદન પણ નોંધાયેલું છે. સામાન્યત: લીલા છોડના વજનના 3% જેટલા રેસા મળે છે. સારા રેસા મેળવવા શણની જેમ અંબાડીનું પણ અપગલન (retting) કરવું પડે છે.

વનસ્પતિના થડની આંતરછાલ(બાહ્યકની અંદરનો અને એધાની બહારનો ભાગ)માંથી રેસા મળે છે. રેસાના તંતુગુચ્છ(strand)ની લંબાઈ લગભગ 1.5 મી.થી માંડી 3.0 મી. સુધીની હોય છે; અને એકમ તંતુની લંબાઈ 1.5 મિમી.થી 6.0 મિમી. અને વ્યાસ 12.0થી 33.0 માઇક્રોન હોય છે. આ તંતુઓ લાંબા, નલિકાકાર, જાડી દીવાલવાળા અને બુઠ્ઠા કે અણીદાર છેડાવાળા હોય છે. તે આડા છેદમાં બહુકોણીય અને ગોળાકાર હોય છે અને તેમાં નાનું કે મોટું કોષકોટર આવેલું હોય છે. આંતરછાલમાં જોવા મળતા આ તંતુઓ પ્રાથમિક (primary) અને દ્વિતીયક (secondary) એમ બે પ્રકારના હોય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી(meristem)માંથી ઉદભવતા પ્રાથમિક તંતુઓ એધાની સક્રિયતાથી ઉદભવતા દ્વિતીયક તંતુઓ કરતાં વધારે ચમકદાર, સુંવાળા અને સ્થિતિસ્થાપક હોય છે. તેના તંતુમાં સેલ્યુલોસ, 68.8 %-79.9 %; ભેજ, 8.2 %-12.5 %; ભસ્મ, 0.4 %-3.2 %; α જલઅપઘટન (hydrolysis) વ્યય, 6.1 %-17.9 %; β-જલઅપઘટન વ્યય, 9.3 %-22.1 %; ઍસિડ શુદ્ધીકરણ વ્યય, 0.6 %-6.7 %; પાણી વડે ધોવાથી થતો વ્યય, 0.4 %-7.6 % હોય છે. આ તંતુ શણના તંતુ કરતાં જાડો હોવા છતાં લિગ્નિનનું પ્રમાણ ઓછું (અંબાડી, 6.3 %થી > 9.6 %; શણ > 10.5 %થી 14.3 %); ઝાયલેન દ્રવ્ય વધારે (અંબાડી, 13.8 %; શણ, 10.2%); અને ગુણવત્તા સૂચકાંક (quality index) ઓછો (અંબાડી 40.7; શણ, 47.6) હોય છે. આમ, આ રેસા શણના રેસા કરતાં પ્રમાણમાં નબળા, કઠોર અને બટકણા હોય છે.

અપગલન કર્યા વિના પણ હલકા કોથળા વગેરે બનાવવા માટે તેના રેસા વાપરી શકાય છે. તેના રેસા શણ સાથે મિશ્ર કરીને કોથળા, કંતાન, સૂતળી, દોરડાં, જાળી વગેરે બનાવવામાં આવે છે. તેનો રેસો કાગળનો માવો બનાવવામાં અનુકૂળ ગણાય છે. તંતુના નિષ્કર્ષણ પછી રહેલા વૃન્ત(stalk)નો બળતણ તરીકે ઉપયોગ થાય છે. તેનાં સૂકાં વૃન્ત દીવાસળીની ચીપ (splinter) બનાવવામાં વપરાય છે.

તેનાં પર્ણો આંબલી જેવી ખટાશ ધરાવે છે. તેથી ગોધરા-દાહોદના આદિવાસીઓ તેનો રસોઈમાં ઉપયોગ કરે છે. ઢોરોને તેનાં પર્ણો ચારા તરીકે આપવામાં આવે છે. પર્ણો રેચક અને મૃદુ-વિરેચક (aperient) ગણાય છે. પુષ્પોનો રસ ખાંડ અને કાળાં મરી સાથે આપવાથી પિત્તદોષ મટે છે.

તેનાં બીજની લંબાઈ લગભગ 5.0 મિમી. અને વ્યાસ 3.0 મિમી. હોય છે. તે ચતુષ્ફલકીય (tetrahedral) હોય છે અને તેનું બીજાવરણ સખત રીતે ચોંટેલું હોય છે. તેનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ, 9.64 %; ખનિજ દ્રવ્ય, 6.4 %; ચરબીજન્ય તેલ, 20.37 %; નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય, 21.44 %; શર્કરાયુક્ત દ્રવ્ય, 15.66 %; અશુદ્ધ રેસા, 12.9 % અને અન્ય દ્રવ્ય, 13.94 %. તેનું તેલ સખત સાબુ, લિનોલિયમ, રંગ અને વાર્નિશ બનાવવામાં ઉપયોગી છે. બીજ ઢોરોને અને મરઘાં-બતકાંને ખોરાક તરીકે આપવામાં આવે છે. કેટલીક વાર તેને ભૂંજીને કચડ્યા બાદ માનવ દ્વારા પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે ક્ષુધાવર્ધક(stomachic), રુચિકર અને વાજીકર (aphrodisiac) છે. દુખાવા અને ઉઝરડાઓ પર તેનાં બીજની પોટીસ બનાવી બાંધવામાં આવે છે.

નટવરલાલ પુ. મહેતા

બળદેવભાઈ પટેલ