અંબા : કાશીરાજ ઇન્દ્રદ્યુમ્નની જયેષ્ઠ પુત્રી. અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરમાં તમામ રાજાઓને હરાવી ભીષ્મ ત્રણેય પુત્રીઓને હસ્તિનાપુર લઈ ગયા.
ભીષ્મનો વિચાર ત્રણેયને વિચિત્રવીર્ય સાથે પરણાવવાનો હતો. પરંતુ અંબા મનથી શાલ્વ રાજાને વરી ચૂકી હતી. આથી ભીષ્મે અંબાને શાલ્વ રાજા પાસે મોકલી. શાલ્વ રાજાએ તેનો અસ્વીકાર કરતાં તે હસ્તિનાપુર પાછી આવી અને ભીષ્મને લગ્ન કરવા કહ્યું. ભીષ્મે ના પાડતાં અંબા ત્યાંથી નીકળી ગઈ. શંબાવલ્ય ઋષિના આશ્રમમાં તેણે તપ કરવા માંડ્યું. ત્યાં તેની માતાના પિતા હોત્રવાહન આવ્યા. અંબાની આવી સ્થિતિ જોઈને તેમને દુ:ખ થયું. અંબાને લઈને હોત્રવાહન તેમના પરમમિત્ર પરશુરામ પાસે ગયા અને પરશુરામને પોતાના શિષ્ય ભીષ્મને લગ્ન કરવા સમજાવવા કહ્યું. પરશુરામ અંબાને લઈને ભીષ્મ પાસે ગયા અને ભીષ્મને અંબાનું પાણિગ્રહણ કરવા ગુરુ તરીકે આજ્ઞા કરી. પરંતુ ભીષ્મ લાચાર હતા. પોતાની પ્રતિજ્ઞા કોઈ સંજોગોમાં તોડવા માગતા ન હતા. આથી ગુરુ-શિષ્ય વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધના સમાચાર આસપાસ ફેલાતાં ભીષ્મનાં માતા ગંગા અને પરશુરામના પિતા જમદગ્નિ ત્યાં આવ્યાં. તેમણે બંનેને સમજાવી યુદ્ધ બંધ કરાવ્યું. આથી નિરાશ થયેલી અંબાએ ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા કરી અને રુદ્રની કઠિન આરાધના શરૂ કરી. રુદ્ર પ્રસન્ન થતાં અંબાએ ભીષ્મને મારવાનું વરદાન માગ્યું. રુદ્રે કહ્યું, ‘આવતા જન્મમાં તું દ્રુપદ રાજાને ઘેર કન્યારૂપે જન્મીશ અને સ્થૂલકર્ણ નામના યક્ષ પાસેથી તને પુરુષત્વ મળશે.’’
અંબા બીજા જન્મમાં શિખંડિની નામની કન્યા તરીકે જન્મી. તેને પુરુષત્વ મળતાં ‘શિખંડી’ નામ પડ્યું. મહાભારતના યુદ્ધમાં ભીષ્મનું મૃત્યુ શિખંડીની પાછળ રહી લડતા અર્જુનના બાણથી થયું હતું.
ઉ. જ. સાંડેસરા