અંબાજી : ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું શક્તિતીર્થ. ભૌગોલિક સ્થાન : 24° 22´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. અમદાવાદથી લગભગ 177 કિમી. ઉત્તરમાં અને આબુરોડ રેલવે જંકશનથી માત્ર 23 કિમી. દૂર આ પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. દાતા અને અંબાજીને સાંકળતો એક નવો માર્ગ નિર્માણ કરાયો છે. જે ત્રિશૂલ ઘાટમાંથી પસાર થાય છે.

જૂના અંબાજી માતાના મંદિરની જગ્યાએ હાલ નવું મંદિર તૈયાર થયું છે. આ મંદિરમાં કોઈ મૂર્તિને બદલે ગોખને શણગારવામાં આવેલ છે. 30 ઑક્ટોબર 2023માં સૌથી મોટા યંત્રની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય મંદિરની નજીક વિશાળ પટાંગણ કે ચોક આવેલો છે, જેને ચાચરના ચોક તરીકે ઓળખવામાં આવે છે. દંતકથા અને લોકવાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના વાળ (ચૌલકર્મ) અહીં ઉતારેલ હતા. શ્રીકૃષ્ણની પટરાણી રુક્મિણીજી પણ માતાજી અંબાનાં મોટાં ભક્ત હતાં. ઈ.સ. 1545માં રાજા માલદેવ દ્વારા બનાવેલ સુંદર તળાવ અહીં નષ્ટપ્રાય: સ્થિતિમાં છે, જે માનસરોવર તરીકે ઓળખાય છે.

અંબાજી માતાનું મંદિર

અંબાજીથી આશરે 4 કિમી. દૂર આવેલા ડુંગરને ગબ્બરના ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. તે પણ અંબામાતાનું સ્થાન છે. અંબાજીથી એકાદ કિમી. પૂર્વમાં કુંભારિયાંનાં પ્રાચીન જૈન મંદિરો આવેલાં છે. ઈ.સ.ની 11મી સદીમાં વિમળ શાહે આ મંદિરો બંધાવેલાં. પરંતુ ધરતીકંપ કે કોઈ દૈવી પ્રકોપને કારણે તેનો નાશ થયેલો તેમ માનવામાં આવે છે. આ મંદિરનાં શિલ્પસ્થાપત્યનો વૈભવ ગુજરાતની અસ્મિતાને છતી કરે તેવો છે.

સમુદ્રની સપાટીથી આશરે 480 મીટર ઊંચાઈ ધરાવતું આ તીર્થ બારે માસ યાત્રાળુઓથી ભરેલું રહે છે. ખાસ કરીને નવરાત્રિ અને દિવાળી જેવા પવિત્ર તહેવારો સાથે દરેક પૂનમ, આઠમ જેવા દિવસોએ યાત્રિકોની વિશેષ ભીડ રહે છે. અંબાજીથી 8 કિમી. પૂર્વમાં કોટેશ્વર મહાદેવનું મંદિર જોવાલાયક છે. અહીં એક કુંડ છે અને ડુંગરમાંથી પ્રગટતો સરસ્વતીનો પ્રવાહ ગૌમુખમાંથી બારે માસ વહે છે.

અહીંનો કાર્તિકી પૂનમનો મેળો જોવાલાયક હોય છે. આસપાસનાં ગિરિજનો અને આદિવાસીઓ અહીં મોટી સંખ્યામાં ઊમટી પડે છે. આદિવાસીઓનાં લોકનૃત્ય આ મેળાનું એક આકર્ષણ ગણાય છે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તેમજ ખાનગી હોટેલો, ટ્રસ્ટો અને દાનવીરોએ બંધાવેલાં આરામગૃહોમાં રહેવા  જમવાની અહીં સુંદર સુવિધા પ્રાપ્ત છે. અહીં સરકાર અને ટ્રસ્ટના સહયોગથી ભોજનની વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી છે. ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા અહીં તાંબા, સીસા અને જસત ખનિજોની ખોદકામની પ્રવૃત્તિ ચાલે છે. વેધશાળાનું મથક પણ અહીં આવેલું છે. મંદિરને સંલગ્ન વેદપાઠશાળા ચાલે છે. દર વર્ષે અહીં વેદપઠનની સ્પર્ધા યોજાય છે જેમાં ભાગ લેવા દેશભરમાંથી વેદપાઠી બ્રાહ્મણો આવે છે. અંબાજીની વસ્તી 17,753 (2011)છે.

મહેશ મ. ત્રિવેદી