સમાજવિદ્યા : ‘સમાજ અને માનવસંબંધોના અભ્યાસ’ માટેનું સક્રિય શાસ્ત્ર. સમાજવિદ્યાને ‘સામાજિક વિજ્ઞાન’ તરીકે પણ વ્યાપક રીતે ઓળખવામાં આવે છે. કુદરતી કે પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થયો છે. ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને પગલે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપની સાથે ત્રીજા વિશ્વના દેશોમાં આવેલાં અનેકવિધ પરિવર્તનો સમાજવિદ્યાઓના ઉદ્ભવ અને વિકાસ પાછળનાં કેટલાંક મહત્ત્વનાં પરિબળો છે.

અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને ઇતિહાસનો સમાજવિદ્યાઓમાં સમાવેશ થાય છે.

આ પ્રત્યેક સામાજિક વિજ્ઞાન કેટલા અંશે વિજ્ઞાન છે તે સંદર્ભે પરસ્પરવિરોધી દૃષ્ટિકોણ જોવા મળે છે. માનસશાસ્ત્ર કે મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કરતાં પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે પણ ઓળખાવવાનો પ્રયત્ન થાય છે. આ વિજ્ઞાન અભ્યાસ-પદ્ધતિ અને વસ્તુલક્ષિતાની બાબતમાં પ્રાકૃતિક વિજ્ઞાનોની કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરે છે. સામાજિક વિજ્ઞાનોનું વિષયવસ્તુ ‘માનવસંબંધો’ હોવાને કારણે તેમજ સમાજવિજ્ઞાની પોતે પણ માનવ હોવાને કારણે વસ્તુલક્ષિતાના સંદર્ભે સમાજવિદ્યાઓ સામે પ્રશ્નો ઊભા કરવામાં આવે છે.

સામાજિક વિજ્ઞાનોમાં અર્થશાસ્ત્રને સમાજવિજ્ઞાન હોવાના સંદર્ભે સ્વીકૃતિ મળેલી છે; પરંતુ ઇતિહાસને સમાજવિદ્યાનો દરજ્જો આપવામાં હંમેશાં પરસ્પરવિરોધી મંતવ્યો છતાં થયાં છે. સમાજશાસ્ત્ર, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર પણ આ સંદર્ભે ચર્ચામાં રહ્યાં છે. એ રસપ્રદ છે કે ઑગસ્ટ કૉમ્તે ‘સમાજશાસ્ત્ર’ એવું નામાભિધાન કર્યું એ પહેલાં આ શાસ્ત્રને ‘Social Physics’ કહેવામાં આવતું હતું !

સમાજવિદ્યાઓના વિકાસ પહેલાં સમાજ અને માનવસંબંધો અંગે ધર્મશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનાં મંતવ્યો મહત્ત્વનાં ગણાતાં; પરંતુ સમાજવિદ્યાઓએ પોતપોતાના ક્ષેત્રમાં સમાજની પરિસ્થિતિને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો અને તેમાં નિરીક્ષણ જેવી પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસપદ્ધતિનો તર્ક અપનાવ્યો. સામાજિક નૃવંશશાસ્ત્રમાં તો સહભાગી નિરીક્ષણ-પદ્ધતિનો ઉપયોગ કરી સમુદાયમાં ભળી ગઈ. એ દૃષ્ટિએ તેનો અભ્યાસ કરવાની પદ્ધતિ અસરકારક રીતે ઉપયોગી થઈ છે. વર્તમાન સમયમાં તો સહભાગીદારીથી સંશોધન તેમજ ક્રિયાત્મક સંશોધન (action research) જેવી પરંપરાઓ સામાજિક વિજ્ઞાનોને વધુ ને વધુ સમાજ-અભિમુખ બનાવી રહી છે.

સામાજિક વિજ્ઞાનોને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમના ભાગરૂપે સામેલ કરવાની પરંપરા યુરોપમાં ઠીક ઠીક જૂની છે; પરંતુ ભારતમાં બ્રિટિશ અમલ દરમિયાન સમયાંતરે દેશની તમામ યુનિવર્સિટીઓમાં વીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનોને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું છે.

‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સ રિસર્ચ’ (ICSSR) જેવી સરકાર સમર્પિત સંસ્થાની સ્થાપના પછી સામાજિક વિજ્ઞાનોનાં સંશોધનોમાં સંખ્યાત્મક અને ગુણાત્મક વ્યાપ જોવા મળ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન પણ પ્રાકૃતિક વિજ્ઞાનોની સમકક્ષ સામાજિક વિજ્ઞાનોના વિકાસમાં સક્રિય છે.

સામાજિક વિજ્ઞાનોના વિકાસમાં એક મહત્ત્વનું પરિમાણ અનેક વિદ્યાશાખાકીય (multidisciplinary) અભિગમનું છે. એકથી વધુ સામાજિક વિજ્ઞાનો સાથે રહીને કોઈ એક પ્રશ્નનો અભ્યાસ કરે એ સાંપ્રત સામાજિક વ્યવસ્થામાં અનિવાર્ય બન્યું છે. વૈશ્વિકીકરણની અસરો સંદર્ભે અર્થશાસ્ત્ર ઉપરાંત સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને માનસશાસ્ત્રની સહભાગીદારી જરૂરી બની છે.

સમાજ સિવાયનાં અન્ય ક્ષેત્રો કે પાસાંઓમાં પણ સામાજિક વિજ્ઞાનોના નિષ્ણાતીકરણનું મહત્ત્વ સમજાવા માંડ્યું છે. મેનેજમેન્ટ, વહીવટીતંત્ર, આરોગ્ય, સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં સમાજવિજ્ઞાનીઓ પોતાનો ફાળો આપી રહ્યા છે. એઇડ્સનો રોગ મૂળભૂત રીતે મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધિત હોવા છતાં તેના ફેલાવામાં જોવા મળતાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પાસાંઓને સમજવા સામાજિક વિજ્ઞાનો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

ગૌરાંગ જાની