સમાજશાસ્ત્ર : સામાજિક વિજ્ઞાનની એક શાખા. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ‘sociology’ કહેવામાં આવે છે. આ શબ્દ મૂળ લૅટિન ભાષાના ‘socius’ (companion એટલે સાથીદાર) અને ગ્રીક ભાષાના ‘ology’ (study of – નો અભ્યાસ) પરથી બન્યો છે. આના આધારે કહીએ તો સમાજશાસ્ત્ર સામાજિક આંતરક્રિયાઓ દ્વારા બનેલા સામાજિક સંબંધોના માળખાનો અભ્યાસ કરે છે. આપણને એ પ્રશ્ન થાય કે સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ ?

16મી સદીમાં માનવની આસપાસનાં પ્રાકૃતિક કે ભૌતિક પાસાંઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાની શરૂઆત થઈ. તેના પગલે પગલે એવું સમજાયું કે માનવસમાજનો પદ્ધતિસરનો અભ્યાસ અર્થપૂર્ણ જ્ઞાન પણ આપી શકે છે. પરિણામે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સામાજિક સંબંધોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો જોઈએ એવી રજૂઆત થઈ. જોકે પ્લૅટો અને ઍરિસ્ટોટલ જેવા ગ્રીક ચિંતકો અને ઇબ્ન ખાલ્દૂને તો સદીઓ પહેલાં સમાજના અભ્યાસની પરંપરા શરૂ કરી હતી. 19મી સદીના ફ્રેંચ અભ્યાસી ઑગસ્ટ કૉમ્તે 1824માં સૌપ્રથમ ‘Sociology’ એ શબ્દ સમાજના વ્યવસ્થિત અભ્યાસ અંગેના શાસ્ત્ર માટે રજૂ કર્યો. 1838માં તેમના પુસ્તક ‘Positive Philosophy’ દ્વારા તે પ્રચલિત પણ થયો તેથી તેમને સમાજશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. યંગ અને મેક નામના લેખકો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે ‘સમાજશાસ્ત્ર માનવજીવનના સામાજિક પાસાંઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે.’ ગિન્સબર્ગ નામના સમાજશાસ્ત્રીના મતે ‘સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો, તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે.’

એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની યાત્રા પોણાબસો વર્ષના સમયગાળાને આવરી લે છે. યુરોપમાં ઑગસ્ટ કૉમ્તે સમાજશાસ્ત્રને સમાજના વિજ્ઞાન તરીકે સ્થાપવાનો વ્યવસ્થિત પ્રયત્ન કર્યો. સેન્ટ સાઇમન અને હર્બર્ટ સ્પેન્સરે કૉમ્તની સાથે પ્રત્યક્ષવાદ દ્વારા સમાજનો અભ્યાસ શક્ય છે તે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પાછળ યુરોપમાં 16મી સદીથી 19મી સદી દરમિયાન ઘટેલી ઐતિહાસિક ઘટનાઓ અને પ્રક્રિયાઓ રહેલી છે. તેના પરિપાક રૂપે વર્તમાન સમાજશાસ્ત્રનો પાયો નંખાયો. યુરોપનો નવજાગરણ યુગ, ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તેમજ ફ્રાન્સની રાજ્યક્રાંતિને કારણે ત્યાંના સમાજોમાં અનેકવિધ સામાજિક-આર્થિક પરિવર્તનો આવ્યાં. આ પરિવર્તનોએ સર્જેલા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે પરંપરાગત ધાર્મિક કે તત્ત્વજ્ઞાનીય જ્ઞાન અધૂરું સાબિત થયું. કારખાના-પદ્ધતિને કારણે સર્જાયેલા નવા શ્રમજીવી વર્ગના શોષણના પ્રશ્નો ઊભા થયા તો બીજી તરફ ફ્રાન્સની રાજ્યક્રાંતિને કારણે રાજાશાહી જેવી પરંપરાગત રાજકીય સંસ્થાના પાયા હચમચી ગયા. વૈજ્ઞાનિક શોધખોળો અને નવા દરિયાઈ માર્ગોની શોધને પરિણામે વિશ્વના સમાજો વચ્ચેના સંપર્કોએ સાચે જ નવા વિશ્વના અસ્તિત્વને શક્ય બનાવ્યું. આ સૌ પરિબળોને પરિણામે સમાજજીવનનો વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી અભ્યાસ થાય તે આવશ્યક અને અનિવાર્ય બની ગયું. ઑગસ્ટ કૉમ્તે શરૂ કરેલા આ નવા સમાજવિજ્ઞાનને ફ્રાન્સમાં એમિલ દુર્ખાઇમ, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મૅક્સ વેબરે પોતાના અભ્યાસો અને વિચારો દ્વારા સુસ્થાપિત કર્યું. આ સૌ સમાજશાસ્ત્રીઓને તેમના ઉત્કૃષ્ટ અને પાયાના પ્રદાનને કારણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે.

યુરોપથી શરૂ થયેલી સમાજશાસ્ત્રની સફર અમેરિકા, એશિયા અને વિશ્વના અન્ય દેશોમાં પ્રસરી અને સ્થાયી થઈ. ઉચ્ચ શિક્ષણના ભાગ રૂપે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્ર ભણાવવાનું શરૂ થયું. વળી, આ ક્ષેત્રે સંશોધન કરવાનું કાર્ય પણ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિભાગો તેમજ સામાજિક સંશોધનની સંસ્થાઓએ કર્યું. વિશ્વના જુદા જુદા દેશોની સરકારોએ પોતાના દેશના સામાજિક-આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમાજશાસ્ત્રીઓનાં જ્ઞાન અને માહિતીનો ઉપયોગ કરવા માંડ્યો અને તે દ્વારા સમાજશાસ્ત્રનો વૈશ્વિક સ્તરે વિકાસ પણ થયો.

સમાજશાસ્ત્રની શાખાઓ : સમાજશાસ્ત્રનો એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે વિકાસ થતો ગયો તેની સાથે સમાજશાસ્ત્રની વિવિધ પેટા શાખાઓનો પણ ઉદ્ભવ થયો. આપણી સમાજવ્યવસ્થા જટિલ અને પરિવર્તનશીલ છે. આ સંદર્ભમાં સમાજનાં વિવિધ પાસાંઓ જેવાં કે આર્થિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, શહેરી, ગ્રામીણ વગેરેને ઊંડાણપૂર્વક સમજવા અને સમજાવવા છેલ્લાં સવાસો વર્ષમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, નગરનું સમાજશાસ્ત્ર, ગ્રામીણ સમાજશાસ્ત્ર, રાજકીય સમાજશાસ્ત્ર જેવી પેટા શાખાઓ વિકસી.

ઔદ્યોગિક સમાજશાસ્ત્ર : સ્પષ્ટ રીતે વ્યાખ્યાબદ્ધ નહિ થયેલું પરંતુ સમાજશાસ્ત્રના ઉદ્ભવ સાથે અને ખાસ કરીને વીસમી સદીની શરૂઆતમાં અમેરિકામાં વિશેષ રૂપે સ્વીકૃત થયેલું ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ભારત સહિતના વિકસતા દેશોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ મેક્સ વેબર અને કાર્લ માર્ક્સે પશ્ચિમના દેશોમાં વિકસેલાં ઔદ્યોગિકીકરણ અને આર્થિક વ્યવસ્થાને સમજાવવા કરેલા સમાજશાસ્ત્રીય પ્રદાનની પરંપરાને ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવી. ઔદ્યોગિક દેશોની કારખાના-પદ્ધતિને કારણે સર્જાયેલા મૅનેજમેન્ટ અને કામદારોને લગતા અનેક પ્રશ્નોના ઉકેલ માટે શરૂઆતમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં સંશોધનો હાથ પર લેવાયાં. આ સંદર્ભનાં સંશોધનોનું વ્યવહારુ મહત્ત્વ હતું પરંતુ તેની મર્યાદા એ હતી કે કારખાનાની બહારનાં પરિબળો – વિશેષ કરીને સામાજિક અને સાંસ્કૃતિકને – ધ્યાન પર લેવામાં ન આવ્યાં. ઉદ્યોગની વ્યાખ્યા માત્ર કારખાનાની અંદરની બાબતો પૂરતી સીમિત રાખીને કરવામાં આવી હતી. સમય જતાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસવિષય તરીકે ‘કારખાના’ ઉપરાંત અન્ય પ્રકારની સેવાઓ, વ્હાઇટ કૉલર કર્મચારી અને બ્લૂ કૉલર કર્મચારી, ઔદ્યોગિક સંઘર્ષ, ટ્રેડ યુનિયન, શ્રમજીવી વર્ગનો ઇતિહાસ વગેરે મુદ્દાઓને અનુલક્ષીને સંશોધન કરીને આ શાખાને ‘વ્યવસાયના સમાજશાસ્ત્ર’ સુધી વિસ્તારવામાં આવી.

નગર સમાજશાસ્ત્ર : સમાજશાસ્ત્રના વિકાસ દરમિયાન ઓગણીસમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની સહિયારી અસરો હેઠળ નગરોનો વિકાસ થયો. પરિણામે નગરજીવન અંગેની ચર્ચાઓ સમાજશાસ્ત્રના ઉદ્ભવને સમાંતર સ્થાપિત થતી ગઈ. નગરોમાં જોવા મળતા સામાજિક સંબંધો અને ત્યાંના સામાજિક માળખાનો અભ્યાસ કરવા માટે નગર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયો. 1903માં સમાજશાસ્ત્રી જ્યૉર્જ સિમેલે ‘The Metropolis and Mental Life’ પુસ્તકમાં નગરની જીવનશૈલી-સંદર્ભનો સીમાચિહ્નરૂપ અભ્યાસ રજૂ કર્યો. વસ્તી, તેની ગીચતા, ભૌતિક લાક્ષણિકતાઓ અને શહેરીઓની સામાજિક લાક્ષણિકતાઓને સાથે રાખીને સિમેલે કરેલી રજૂઆત ‘નગર સમાજશાસ્ત્ર’ના વિકાસમાં એક સૈદ્ધાંતિક પીઠિકા પૂરી પાડે છે.

1920થી 1950ના સમયગાળા દરમિયાન અમેરિકાની શિકાગો શાળાએ આધુનિક ‘નગર સમાજશાસ્ત્ર’નો પાયો નાખ્યો અને લૂઈ વર્થના ‘Urbanism as a Way of Life’ શીર્ષક હેઠળ ‘અમેરિકન જર્નલ ઑવ્ સોશિયૉલૉજી’માં પ્રસિદ્ધ થયેલા અભ્યાસે નગર સમાજશાસ્ત્રને એક નવી દિશા આપી. મોટું કદ, વધુ ગીચતા અને સામાજિક વૈવિધ્ય – એ ત્રણ લક્ષણો દ્વારા વર્થે વિશ્વના નગરજીવનને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. અનુભવજન્ય સંશોધન એ શિકાગો શાખાનું મહત્ત્વનું પ્રદાન છે. 1980 પછીનાં વર્ષોમાં માર્ક્સવાદી અભ્યાસીઓનું આ શાખામાં વિશેષ પ્રદાન રહ્યું. ‘The City and the Grassroots’ (1983) તેમજ ‘The International City’ (1989) નામનાં પુસ્તકોમાં લેખકે માર્ક્સવાદી દૃષ્ટિબિંદુથી નગરજીવનનું નિરૂપણ કર્યું. ઉપરાંત શહેરી રાજકારણ, સામાજિક આંદોલનો અને સામાજિક સમસ્યાઓ જેવા અભ્યાસવિષયો આધુનિક ‘નગર સમાજશાસ્ત્ર’માં કેન્દ્રસ્થાને છે.

શિક્ષણનું સમાજશાસ્ત્ર : શિક્ષણ એક સમાજશાસ્ત્રીય ખ્યાલ પણ છે. શિક્ષણનું સમાજશાસ્ત્ર વિશેષ રૂપે શાળાજીવન, જનસામાન્યનું શિક્ષણ, શિક્ષણ-વ્યવસ્થાને સામાજિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રમાં આ શાખાનો ઉદ્ભવ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી એમિલ દરખાઇના નૈતિક શિક્ષણને સાવયવી એકતાના આધાર રૂપે સમજાવવાના પ્રદાનમાંથી થયો છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં ટૅક્નૉલૉજિકલ કાર્યાત્મવાદ-(technological functionalism)ના સંદર્ભમાં, યુરોપમાં સમાનતાવાદી સુધારાઓને કારણે ઉત્પન્ન થયેલી તકો તેમજ અર્થશાસ્ત્રમાં માનવમૂડીના સિદ્ધાંત(human-capital theory)ના વિકાસના પગલે શિક્ષણના સમાજશાસ્ત્રનું ઘડતર થયું એમ કહી શકાય.

વિકસિત અને વિકસતા બંને પ્રકારના દેશોમાં ઔપચારિક શિક્ષણને કેન્દ્રમાં રાખી અભ્યાસો થયા. તેની સાથે સામાજિક સ્તરરચના અને શિક્ષણ, શિક્ષણ અને સામાજિક ગતિશીલતા, શૈક્ષણિક આકાંક્ષાઓ અને આર્થિક વર્ગ જેવાં પાસાંને લઈને શિક્ષણના સમાજશાસ્ત્રમાં ખેડાણ થયું છે. ભારતમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ઉપરાંત સમાજના પછાત વર્ગોમાં શિક્ષણની તકો તેમજ શિક્ષણ અને મહિલાઓ જેવા વિષયોના સંદર્ભમાં સંશોધનકાર્ય થયું છે.

ગ્રામીણ સમાજશાસ્ત્ર : ગ્રામસમાજનાં વિવિધ પાસાંને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી તપાસવાનો પ્રયત્ન કરતા શાસ્ત્રને ગ્રામીણ સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી અને સંવાદી સમાજજીવન એટલે ગ્રામજીવન એવી વિચારધારાની આસપાસ શરૂઆતના ગ્રામીણ સમાજશાસ્ત્રનો વિકાસ થયો. ફર્ડિનાન્ડ ટોનિસે સામાજિક સંબંધોના સ્વરૂપને સમજાવવા પોતાની આગવી વિભાવનાઓ રજૂ કરી. આ રજૂઆતના સંદર્ભમાં ગ્રામ વિરુદ્ધ શહેર એ પ્રકારના અનેકવિધ સામાજિક સંબંધોની તપાસને સમાંતર ગ્રામીણ સમાજશાસ્ત્રમાં સંશોધનો થયાં. રૉબર્ટ રેડફિલ્ડ અને અન્યોએ ગ્રામસમાજને પરંપરા, ચુસ્ત કુટુંબજીવન અને અર્પિત દરજ્જાઓના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો.

1960નાં વર્ષો પછી ગ્રામીણ સમાજશાસ્ત્રના પરંપરાગત સ્વરૂપમાં પરિવર્તન આવ્યું અને ખાસ કરીને ઓસકાર લેવિસ જેવા અભ્યાસીઓએ એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે ગ્રામજીવન પણ નગરજીવનની જેમ સમસ્યાઓ, સંઘર્ષો અને પરિવર્તનથી ભરેલું છે. 1970 પછી ભારત સહિતના વિકસતા દેશોમાં સમુદાય વિકાસ યોજના તેમજ આયોજિત પરિવર્તનને કારણે બદલાતા જતા ગ્રામજીવનને સમજવાના અભ્યાસો શરૂ થયા. એમ. એન. શ્રીનિવાસ જેવા સામાજિક માનવશાસ્ત્રીઓએ સહભાગી નિરીક્ષણ-પદ્ધતિનો ઉપયોગ કરીને દેશના વિવિધ પ્રાદેશિક વિસ્તારોનાં નમૂનારૂપ ગામોનો અભ્યાસ કરી ગ્રામજીવનને ધર્મ, જ્ઞાતિ અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓના સંદર્ભમાં તપાસવાનો પ્રયત્ન કર્યો. મૂડીવાદી અર્થવ્યવસ્થાએ ગ્રામસમાજમાં કેવા કૃષિવર્ગો સર્જ્યા અને જ્ઞાતિના કોટિક્રમ સાથે તેના કેવા સંબંધો સ્થાપ્યા તે સંદર્ભમાં ગ્રામીણ સામાજિક સ્તરરચનાને કેન્દ્રમાં રાખી વિશેષ અભ્યાસો ગ્રામીણ સમાજશાસ્ત્રના ભાગ રૂપે કરવામાં આવ્યા.

ગૌરાંગ જાની