સમાજવાદ : ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકી તથા પ્રભુત્વની તરફેણ કરતી આર્થિક અને રાજકીય વિચારસરણી. વિકલ્પે તેને ‘સમૂહવાદ’ (collectivism) પણ કહેવામાં આવે છે. તેનો ઉદ્ગમ કાર્લ માર્ક્સ(1818-83)ની રાજકીય વિચારસરણીમાંથી થયેલો હોવાથી તેને ‘માર્ક્સવાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્લ માર્ક્સની રજૂઆત મુજબ સમાજવાદ એ સામ્યવાદ પહેલાંની સ્થિતિ છે, કારણ કે સમાજવાદમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી સમાજ વતી રાજ્ય-હસ્તક હોય છે, પરંતુ સામ્યવાદ આવતાં રાજ્યના અસ્તિત્વનો અસ્ત થશે એવી માર્ક્સની માન્યતા છે અને તેને લીધે સાધનોની માલિકી પર સામુદાયિક રીતે સમાજનો અંકુશ દાખલ થતો હોય છે. એટલા માટે જ વિશ્વમાં જે જે દેશોમાં રાજકીય સત્તા સામ્યવાદી પક્ષના તાબા હેઠળ આવી ગઈ છે તે તે દેશો સમાજવાદી દેશો તરીકે અસ્તિત્વ ધરાવતા રહ્યા છે; દા.ત., 1917ના ઑક્ટોબર માસમાં રશિયામાં જે ક્રાંતિ થઈ ત્યારબાદ તે દેશનું નામ ‘યુનિયન ઑવ્ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક’ (USSR) પાડવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષના નેજા હેઠળના પૂર્વ યુરોપના દેશોનાં નામમાં પણ ‘સમાજવાદી રિપબ્લિક’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સમાજવાદ એ મૂડીવાદની વિચારસરણી કરતાં તદ્દન વિરોધી વિચારધારા છે. મૂડીવાદમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી તથા તેના પરનું પ્રભુત્વ ખાનગી વ્યક્તિ કે સંસ્થા હસ્તક હોય છે અને તેથી તેના ઉપયોગ અને વિનિમય પર વ્યક્તિગત માલિકોનો અંકુશ હોય છે; જ્યારે સમાજવાદમાં તે રાજ્યહસ્તક હોય છે. બીજું, મૂડીવાદમાં આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નફો કમાવાનો હોય છે, જેના માટે મૂડીપતિઓને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થતી હોય છે, જ્યારે સમાજવાદમાં સાધનોની માલિકી રાજ્યહસ્તક હોવાથી અને રાજ્ય એ સમાજના કલ્યાણના ધ્યેયને વરેલી સંસ્થા હોવાથી આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ સામુદાયિક કલ્યાણ સાધવાનો હોય છે. એટલા માટે જ મૂડીવાદમાં ખાનગી મિલકતના અધિકારો અબાધિત હોય છે, જ્યારે સમાજવાદમાં તેમના પર અંકુશો મૂકવામાં આવતા હોય છે. મૂડીવાદમાં સંપત્તિના કેન્દ્રીકરણ પર કોઈ મર્યાદાઓ હોતી નથી, જ્યારે સમાજવાદમાં રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણી પર ભાર મૂકવામાં આવતો હોય છે.

આમ છતાં, સમાજવાદ એ એક સંદિગ્ધ ખ્યાલ છે અને તેના અર્થ અંગે વિચારકોમાં મતમતાંતર જોવા મળે છે. સમાજવાદી વિચારસરણીના ઉદ્ભવ પછીના ગાળામાં જુદા જુદા વિદ્વાનોએ તેની જુદી જુદી વ્યાખ્યા આપી છે; દા.ત., કેટલાંક સાધનોની માલિકીના સંદર્ભમાં તો કેટલાક સહકારના સંદર્ભમાં, કેટલાક આર્થિક વિકાસના સ્રોતના સંદર્ભમાં તો બીજા કેટલાક આવકની વહેંચણીના સંદર્ભમાં સમાજવાદની વ્યાખ્યા કરે છે. એક પાશ્ચાત્ય વિચારક સી.ઈ.એમ. જોડ તો એટલે સુધી કહે છે કે ‘સમાજવાદ એ એક એવી પાઘડી છે જે બધા જ પહેરતા હોવાથી તેનો કોઈ ચોક્કસ આકાર રહેલો નથી.’ સમાજવાદનો ખ્યાલ સમજવામાં બીજી મુશ્કેલી એ છે કે ‘સમાજવાદ’ આ શબ્દમાં સ્વરૂપગત રીતે એવો કોઈ નિર્દેશ કે સંકેત સ્પષ્ટ અને ચોક્કસ રીતે મળતો નથી કે જેનું તાદૃશ નિરીક્ષણ કરવાથી સમાજવાદ શું છે તે સમજી શકાય; દા.ત., ઉત્પાદનનાં સાધનોની સમગ્ર સમાજની માલિકી હોય છે એમ કહીએ તો ‘કયો સમાજ’ ? અથવા તો તેના કયા ઘટકો ? તેની માલિકી ધરાવતા હોય છે એ કેવી રીતે સમજવું ? વિશ્વના જુદા જુદા સમાજવાદી દેશોમાં તેના જુદા જુદા નમૂનાઓ (patterns) જોવામાં આવ્યા છે.

ઉપર્યુક્ત મુશ્કેલીઓને કારણે સમાજવાદની વ્યાખ્યા કરવાનું કાર્ય જટિલ બનેલું હોવાથી તેનાં મુખ્ય લક્ષણોનો નિર્દેશ કરી આ વિચારસરણી સમજવાનો પ્રયાસ થઈ શકે તેમ છે.

સમાજવાદનાં ત્રણ મુખ્ય લક્ષણો છે : (1) ઉત્પાદનનાં મુખ્ય સાધનો પર સમાજ વતી રાજ્યની માલિકી, જે રાષ્ટ્રીયકરણ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. (2) આવક અને મિલકતની ન્યાયી વહેંચણી જે રાજકોષીય નીતિ (કરવેરા અને જાહેર ખર્ચની નીતિ) દ્વારા અમલમાં મૂકી શકાય છે. (3) આર્થિક પ્રવૃત્તિઓના ધ્યેય રૂપે નફો નહિ, પરંતુ બહોળા સમાજનું કલ્યાણ; જે આર્થિક આયોજનની પ્રક્રિયા દાખલ કરી પ્રાપ્ત કરી શકાય છે. આર્થિક આયોજન દ્વારા મૂડીરોકાણ, વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને તેનો વિનિમય, વપરાશ વગેરેનું નિયમન કરી શકાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે