શેષાન, ટી. એન. (. 15 ડિસેમ્બર 1932, પાલઘાટ, કેરળ) : ભારત સરકારના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, વિદ્વાન લેખક અને સનદી અધિકારી. મૂળ નામ તિરુનેલ્લઈ નારાયણ ઐયર. તમિળભાષી પરિવારમાં જન્મ. માતા સીતાલક્ષ્મી નૈયર અને પિતા નારાયણ ઐયર.

ટી. એન. શેષાન

ઈ. શ્રીધરન્ તેમના સહાધ્યાયી હતા. વિજ્ઞાનના સ્નાતક બન્યા પછી તેમણે અખિલ ભારતીય વહીવટી સેવામાં જોડાવા માટે તામિલનાડુ કેડરના ઉમેદવાર તરીકે ઉચ્ચ સનદી અધિકારીની પરીક્ષા આપી અને ઉત્તમ રીતે તે પાસ કરી. દેશની વહીવટી સેવામાં તેઓ સૌથી નાની વયના અધિકારી બન્યા. તેના એક દસકા પછી હાર્વર્ડ યુનિવર્સિટી(અમેરિકા)માંથી જાહેર વહીવટના વિષયમાં અનુસ્નાતક(MPA – માસ્ટર ઑવ્ પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન)ની પદવી મેળવી. ભારતના વિવાદાસ્પદ રાજકારણી સુબ્રહ્મણ્યમ સ્વામી હાર્વર્ડમાં તેમના પ્રાધ્યાપક હતા.

તેમની વહીવટી કારકિર્દીમાં વાહનવ્યવહાર વિભાગના ડિરેક્ટર, ચેન્નાઈના કલેક્ટર, 1976માં તામિલનાડુ રાજ્યના ઉદ્યોગસચિવ, ભારતીય તેલ અને પ્રાકૃતિક વાયુ પંચના સભ્ય, ઍટમિક એનર્જી વિભાગમાં ડિરેક્ટર, તે પંચના સભ્ય, અવકાશ સંશોધન વિભાગના સંયુક્ત સચિવ, ઉપરાંત ઉદ્યોગ મંત્રાલય, કૃષિ મંત્રાલય, પર્યાવરણ અને વન મંત્રાલયમાં ઉચ્ચ સ્થાનોએ કામ કરવાનો સમાવેશ થાય છે. બૌદ્ધિક તેજસ્વિતા સાથેના આ કારકિર્દી-આલેખને કારણે વહીવટી સેવાના બહોળા અને વૈવિધ્યસભર અનુભવોથી તેઓ ઘડાયા. કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયના સચિવ તરીકે તેમણે તે અંગેની નીતિનું સ્પષ્ટ માળખું ઘડ્યું. તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આંતરરાષ્ટ્રીય બેઠકો માટે પરિસ્થિતિકી (ecology) અભિમુખ વ્યાખ્યાનો તૈયાર કર્યાં, જે વિશિષ્ટ હતાં અને જે તે પરિષદોમાં પ્રશંસાપાત્ર નીવડ્યાં હતાં. આ વ્યાખ્યાનોને પરિણામે તેઓ મંત્રીમંડળમાં ધ્યાનાકર્ષક વહીવટદાર બન્યા. દેશમાં વિરોધપક્ષોએ ‘ભારતબંધ’નું એલાન આપ્યું ત્યારે તેને નિષ્ફળ બનાવવાની વ્યૂહરચનાના ભાગ તરીકે અગાઉના દિવસે કર્મચારીઓને રોકવાનો આદેશ આપી તેમના રાત્રિનિવાસની તમામ વ્યવસ્થા કરી મોટાભાગની વહીવટી કચેરીઓ ‘બંધ’ના દિવસે ચાલુ રાખવાની સફળ વ્યવસ્થા શેષાન કરી શકેલા. આ પ્રસંગે વહીવટી કર્મચારીઓની ‘અપ્રિયતા’ વહોરીને પણ તેમણે ફરજપરસ્તીની એક મિસાલ પૂરી પાડેલી. આવી જ રીતે કાયદા અને નિયમપાલનની ચુસ્તતા અંગે તેઓ કોઈ બાંધછોડ કરતા નહોતા. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ભલભલા રાજકારણીઓ અને ઉચ્ચ પદાધિકારીઓનો સામનો કરી, પંચની નિષ્પક્ષતા અને મુક્ત કાર્યવહીને તેમણે આંચ આવવા દીધી નહોતી. ચૂંટણીપંચની બહોળી સત્તાઓનો સાચો ઉપયોગ કરી ચૂંટણીખર્ચ અને અન્ય નિયમોના પાલન અંગે અત્યાગ્રહી બની, તેમણે પંચની અસરકારકતાનો ઊંચો આંક સિદ્ધ કર્યો હતો. વહીવટી લાચારીને તેમણે વહીવટી પડકારમાં તબદીલ કરી હતી. ચૂંટણી કમિશનર તરીકે તમામ મતદાતાઓેને ઓળખપત્ર પૂરાં પાડવાનો અસાધારણ અને નીતિવિષયક નિર્ણય લઈ તેમણે તેનો સફળ અમલ કરાવ્યો. ભારતમાં સૌપ્રથમ વાર મતદાતાઓને ઓળખપત્રો સાંપડ્યાં. આવા આગ્રહો દ્વારા તેમણે સમગ્ર રાજ્યતંત્રમાં કાયદો-વ્યવસ્થાની અને ઉત્તરદાયિત્વની ભાવના જગાવી હતી. તે સમયે તેઓ દેશની આમ જનતાના આરાધ્ય વહીવટદાર હતા. અલબત્ત, તેમની ઉગ્ર પ્રકૃતિ અને કંઈક મનસ્વી વલણોને કારણે તેઓ કજિયાખોર વહીવટી અધિકારીની છાપ પણ પામેલા.

વહીવટી સેવાઓમાંથી નિવૃત્ત થયા પછી તેમણે દેશભક્ત ટ્રસ્ટ સ્થાપી સમાજ અને રાજકારણમાં સ્વચ્છ છાપ ઊભી કરી તેને ટકાવી રાખવા પ્રયાસ કર્યો હતો. જોકે, આ અભિયાન લાંબું ચાલ્યું નહિ. 2004થી તેઓ પુણેસ્થિત મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

નિવૃત્તિ પછીના પ્રારંભિક કાળમાં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા, રાજ્યસભાના સભ્ય બન્યા. 1997માં ભારતના રાષ્ટ્રપ્રમુખના હોદ્દા માટે તેમણે ઉમેદવારી કરેલી, પણ તેનું કોઈ નોંધપાત્ર પરિણામ આવ્યું નહોતું. આવા કેટલાક વાદવિવાદોથી તેઓ ઘેરાયેલા છતાં ભારતના ચૂંટણી કમિશનર તરીકેની તેમની કામગીરી, ચૂંટણીપંચની નિષ્પક્ષતા અને સ્વચ્છ, પારદર્શક ચૂંટણીસંચાલનને કારણે ચૂંટણીપંચને તથા તેના કમિશનરના હોદ્દાને તેમણે પ્રતિષ્ઠા અને ગરિમા  બંને બક્ષ્યાં. નિષ્પક્ષ જાહેર સેવાઓની કદરના પરિણામે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેઓ ઊંચું નામ કમાયેલા અને એ સેવાઓની કદર રૂપે તેમને 50,000 ડૉલરનો મૅગ્સેસે ઍવૉર્ડ 1996માં એનાયત થયો હતો. સંસ્કૃત શ્લોકો ટાંકતા અને અંગ્રેજી કવિતાનું પઠન કરનાર શેષાન પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતા વહીવટદાર હતા તે વિશે ભાગ્યે જ કોઈ શંકા છે.

આ બધાં વહીવટી કાર્યો અને જવાબદારીઓ છતાં તેઓ અંગ્રેજીમાં લેખનકાર્ય કરે છે. તેમની કૃતિઓમાં ‘એ હાઈ ફુલ ઑવ્ બર્ડન’, ‘ડિજનરેશન ઑવ્ ઇન્ડિયા’ અને ‘ધ રિજનરેશન ઑવ્ ઇન્ડિયા’ મુખ્ય છે.

મહેશ ચોકસી

રક્ષા મ. વ્યાસ