શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર

January, 2006

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર (. 3 ફેબ્રુઆરી 1900, કુલિતલાઈ, તામિલનાડુ; . 27 સપ્ટેમ્બર 1975) : ટી. આર. શેષાદ્રિના નામથી જાણીતા ભારતીય રસાયણવિદ્. પિતા ટી. આર. આયંગર. પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાંથી સ્નાતક થયા બાદ 1924માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં 1927માં માન્ચેસ્ટર ખાતે નોબેલ પારિતોષિક-વિજેતા પ્રો. રૉબર્ટ રૉબિન્સનના હાથ નીચે મલેરિયાનિવારક ઔષધો તથા ઍન્થોસાયનીન ઉપર સંશોધન શરૂ કર્યું અને 1929માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. થોડા સમય માટે તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં કેમિસ્ટ તરીકે કાર્ય કર્યું. તે પછી તેઓ એડિનબરો ખાતે મેડિકલ કેમિસ્ટ્રીના ઇન્સ્ટિટ્યૂટમાં પ્રો. બર્ગર સાથે અને ત્યારબાદ ઑસ્ટ્રિયામાં પ્રો. પ્રેગલ સાથે સંશોધનમાં જોડાયેલા રહ્યા.

1930માં ભારત આવ્યા બાદ શેષાદ્રિ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોઇમ્બતૂરમાં મૃદા(soil)-રસાયણજ્ઞ તરીકે જોડાયા અને 1933 સુધી ત્યાં સેવાઓ આપી. તે પછી તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં જોડાયા અને 1933થી 1949 સુધી રીડર, પ્રોફેસર અને હેડ ઑવ્ ધ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો. 1949થી 1965 દરમિયાન તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને રસાયણવિભાગના વડા તરીકે રહ્યા અને 1965માં નિવૃત્ત થયા બાદ ત્યાં જ માનાર્હ (emeritus) પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

તેઓ જર્મન એકૅડેમી ઑવ્ નૅશનલ સાયન્સિઝના સભ્ય તથા 1960માં રૉયલ સોસાયટી, લંડનના ફેલો તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝ, ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ ઍસોસિયેશન, ઑઇલ ટૅક્નૉલૉજી ઍસોસિયેશન તેમજ ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ કૉંગ્રેસના પ્રમુખ પણ રહેલા. 1966માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ તરીકે વરણી પામ્યા હતા.

પ્રો. શેષાદ્રિનું સંશોધનકાર્ય વનસ્પતિમાંથી મળતા ઍન્થોસાયનીન તથા ફ્લેવોન ઉપર કેન્દ્રિત થયેલું હતું. પરંતુ આ ઉપરાંત ઔષધો, રંગકો અને કીટનાશકો પણ તેમના સંશોધનના વિષયો હતા. વનસ્પતિ-રસાયણ (plant chemistry) ઉપર પણ તેમણે સારું સંશોધન કરેલું. તેમણે 500થી વધુ સંશોધનલેખો આપવા ઉપરાંત કેમિસ્ટ્રી ઑવ્ વિટામિન્સ ઍન્ડ હૉર્મોન્સ નામનું પુસ્તક પણ આપ્યું છે.

તેમના સંશોધન બદલ તેમને ઇન્ડિયન કેમિકલ સોસાયટીનો આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય ચંદ્રક અને આચાર્ય જ્ઞાનેન્દ્ર ઘોષ ચંદ્રક ઉપરાંત શાંતિસ્વરૂપ ભટનાગર ચંદ્રક અને મેઘનાદ સહા ચંદ્રક પણ પ્રાપ્ત થયા છે. 1963માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 1965માં આંધ્ર યુનિવર્સિટીએ તેમને ડી.એસસી.ની ઉપાધિ એનાયત કરી હતી.

પ્રો. શેષાદ્રિ અને ફ્લેવેનોઇડનું રસાયણ એ નામો ભારત માટે એકરૂપ બની ગયાં છે.

ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ