શાસ્ત્રી, નીલકંઠ કે. . (. 12 ઑગસ્ટ 1892, તિરૂનેલવેલી, તમિલનાડુ; . 15 જૂન 1975, ચેન્નાઈ) : દક્ષિણ ભારતના અગ્રણી ઇતિહાસકાર. તેઓ યુનિવર્સિટી ઑવ મદ્રાસના ઇતિહાસના તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ દક્ષિણ ભારતની ભાષાઓ જાણતા હતા અને અગ્નિ એશિયાના અભ્યાસ વાસ્તે તેમણે ડચ અને ફ્રેન્ચ ભાષા શીખી લીધી હતી. કેટલોક સમય તિરૂનેલવેલીમાં શિક્ષક તરીકે અને વારાણસીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યા બાદ, મીનાક્ષી કૉલેજ, ચિદમ્બરમ્(તમિલનાડુ)માં આચાર્ય તરીકે 1920થી 1929 સુધી સેવા આપી. યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં ભારતીય ઇતિહાસ અને પુરાતત્વના પ્રાધ્યાપક તરીકે 1929થી જોડાયા. ત્યાંથી નિવૃત્ત થયા પછી યુનિવર્સિટી ઑવ્ મૈસૂરમાં પ્રાચ્ચવિદ્યા(ઇન્ડૉલોજી)ના પ્રોફેસર બન્યા. તે પછી તેમણે યુનેસ્કો પુરસ્કૃત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૅડિશનલ કલ્ચર્સ ઇન તમિલનાડુના નિયામકનો હોદ્દો સંભાળ્યો. યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં તેમણે મુલાકાતી પ્રોફેસર તરીકે દક્ષિણ ભારતના ઇતિહાસ વિશે પ્રવચનો આપ્યાં. પટણા મુકામે ભરાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના તેઓ પ્રમુખ હતા. કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બૉર્ડના તેઓ સભ્ય પણ હતા.

તેમણે ભારતના ઐતિહાસિક સાહિત્યમાં ઘણું પ્રદાન કર્યું છે. તેમણે (1) રાજકીય ઇતિહાસ, (2) સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ, (3) સંપાદનકાર્ય, (4) ઇતિહાસલેખન-પદ્ધતિ અને (5) ઐતિહાસિક લેખો – એમ પાંચ વિભાગોમાં ઇતિહાસનું લેખનકાર્ય કર્યું છે. તેમણે દક્ષિણ ભારતના ઇતિહાસમાં તેનું રાજકારણ, સમાજ અને સંસ્થાઓ, ધર્મ અને તત્વજ્ઞાન, કલા અને સાહિત્ય, પરદેશીઓ અને વિદેશની ભૂમિ સાથેના સંબંધો અને લોકોના સાંસ્કારિક વારસાનું વિદ્વત્તાપૂર્ણ સર્વેક્ષણ કર્યું છે.

યુનિવર્સિટી ઑવ્ મદ્રાસ(ચેન્નાઈ)માં 1926માં તેમણે ‘ધ પાંડ્યન કિંગ્ડમ’ વિષય પર આપેલાં વ્યાખ્યાનો 1929માં ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં. 1932માં તેમનો ‘સ્ટડિઝ ઇન ચોલ હિસ્ટરી ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશન’ ગ્રંથ પ્રગટ થયો. તે તેમના ‘ધ ચોલાઝ’ના બે ગ્રંથોની તૈયારીરૂપ ગણી શકાય. ‘ધ ચોલાઝ’ના ગ્રંથો વિદ્વત્તાપૂર્ણ અને વધારે જાણીતા છે. આ બે ગ્રંથોમાં ચોલ રાજાઓના રાજકીય ઇતિહાસ ઉપરાંત તેમની સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર, કરવેરા, નાણાંની વ્યવસ્થા, વસ્તી, વેપાર અને ઉદ્યોગ, સિક્કા, તોલમાપ, શિક્ષણ, ધર્મ અને સાહિત્ય વગેરેનું સુંદર વર્ણન કર્યું છે.

‘ધ તમિળ કિંગડમ્સ ઑવ્ સાઉથ ઇન્ડિયા’ અને ‘ધ કલ્ચર ઍન્ડ હિસ્ટરી ઑવ ધ તમિલ્સ’ ગ્રંથોમાં ચેરા, ચોલ અને પાંડ્ય એટલે કે તમિળ રાજ્યો, તેમની સરકારો, સામાજિક-આર્થિક સ્થિતિ, ધર્મ, સાહિત્ય તથા લલિત કલાઓની ઉત્તમ સમાલોચના કરવામાં આવી છે.

તેમણે 1946-47માં યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં સર વિલિયમ મેયર વ્યાખ્યાનો આપ્યાં. તે ‘હિસ્ટરી ઑવ્ શ્રીવિજય’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં. તેમાં સાતમીથી તેરમી સદી સુધીના સુમાત્રાના શૈલેન્દ્રોનો ઇતિહાસ આવે છે. આ ઇતિહાસ પૂરેપૂરો દસ્તાવેજી પુરાવાવાળો નથી એમ લેખક પણ સ્વીકારે છે.

શાસ્ત્રીએ પ્રકાશિત ગ્રંથો પર આધારિત ભારતના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો લખ્યાં છે. તેમાં ‘અ હિસ્ટરી ઑવ્ સાઉથ ઇન્ડિયા’ (પ્રાગૈતિહાસિક કાળથી વિજયનગરના પતન સુધી) ઉલ્લેખનીય છે. તેમાં કોઈ નવી શોધ નથી; પરંતુ આ ગ્રંથનું નોંધપાત્ર લક્ષણ એ છે કે દક્ષિણ ભારતના ઇતિહાસના અટપટા જંગલમાંથી સ્પષ્ટ માર્ગ કંડારીને શાસ્ત્રી વાચકને સલામતીથી દોરી જાય છે. તેમાંથી લોકોનું જીવન અને સાંસ્કૃતિક કાર્યોનો ઇતિહાસ મળે છે. ‘સાઉથ ઇન્ડિયન ઇન્ફ્લુઅન્સિઝ ઇન ધ ફાર ઈસ્ટ’માં દૂરપૂર્વના દેશોમાં હિંદુઓનાં સંસ્થાનો સ્થપાયાં, તેમાં દક્ષિણ ભારતના લોકોના પ્રદાનનું મૂલ્યાંકન કર્યું છે.

‘સંગમ લિટરેચર – ઇટ્સ કલ્ટ્સ ઍન્ડ કલ્ચર્સ’માં પ્રાચીન તમિળ સાહિત્યનું વર્ણન કર્યું છે. તેમાંથી તત્કાલીન રાજ્યતંત્ર, સમાજ અને અર્થવ્યવસ્થાનું શબ્દચિત્ર મળે છે. ઈ. સ. 1959માં તેમણે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં આપેલાં પ્રવચનો ‘ડેવલપમન્ટ ઑવ્ રીલિજિયન ઇન સાઉથ ઇન્ડિયા’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયાં છે. સંપ્રદાયોનું એકીકરણ અને હિંદુ ધર્મની શરૂઆતથી અત્યાર સુધી તેમાં થયેલા સુધારા તથા આધુનિકતા તેમની ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો. યુનિવર્સિટી ઑવ્ પટણામાં ઈ. સ. 1964માં તેમણે આપેલાં ચાર પ્રવચનો ‘કલ્ચરલ કૉન્ટેક્ટ્સ બિટવીન આર્યન્સ ઍન્ડ દ્રાવિડિયન્સ’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં છે, તેઓ માને છે કે આર્યો અને દ્રવિડોના સંબંધો મૈત્રીભર્યા હતા.

શાસ્ત્રીએ દક્ષિણ ભારતના ઇતિહાસના સ્રોતો(sources)નાં પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. તેમાં ‘ફર્ધર સોર્સિઝ ઑવ્ વિજયનગર હિસ્ટરી’ના 3 ગ્રંથો ઉલ્લેખનીય છે.

તેમના મતાનુસાર ઇતિહાસ એક શાસ્ત્ર છે, જેમાં વિદ્યાર્થીએ તેનાં સાધનો પ્રમાણે આગળ વધવાનું હોય છે. દક્ષિણ ભારતનો ઇતિહાસ લખવામાં આ નિયમને તેઓ વળગી રહ્યા હતા; અને લેખનમાં પ્રામાણિકતાનાં ધોરણો જાળવ્યાં હતાં. પોતાનાં લખાણોમાં પ્રચલિત માન્યતાનો પ્રભાવ ન પડે તેની તેઓ કાળજી રાખતા.

સામાન્ય રીતે તેઓ પાંચ પ્રકારનાં સાધનો – સાહિત્યિક પુરાવા, પુરાતત્વ, ઉત્કીર્ણ લેખો, સિક્કા તથા વિદેશી પ્રવાસીઓનાં વર્ણનો ઉપર આધાર રાખીને ઇતિહાસ લખતા હતા. વળી આ સાધનોનો ઉપયોગ કરતાં પહેલાં, તેમની વિશ્વસનીયતાની ખાતરી કરતા. ઇતિહાસકાર સર્જનાત્મક કલ્પના કરે છે. પરંતુ તેણે મર્યાદામાં રહીને કલ્પના કરવી જોઈએ એમ તેઓ માનતા. તેમના મતાનુસાર ઇતિહાસકારનું સાચું કાર્ય ભૂતકાળનું વર્તમાનકાળ વાસ્તે અર્થઘટન કરવાનું છે. વિવિધ પ્રકારનાં સાધનોને પૂરતું મહત્વ આપીને શાસ્ત્રી નિષ્પક્ષતા અને પ્રામાણિકતાપૂર્વક તેનું અર્થઘટન કરતા.

શાસ્ત્રીના મતાનુસાર આર્યોની જેમ દ્રવિડો મધ્ય એશિયા અને પૂર્વીય ભૂમધ્યના પ્રદેશોમાંથી આવ્યા છે. તેઓ માને છે કે દ્રવિડો અને આર્યોના સમન્વયની દક્ષિણ ભારતની સંસ્કૃતિ ઉપર નોંધપાત્ર અસર થઈ છે.

શાસ્ત્રી સામાજિક ઇતિહાસકારની સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવતા હતા. તેઓ ઐતિહાસિક પાત્રોનું આબેહૂબ વર્ણન કરવામાં નિષ્ણાત હતા. તેમણે લખ્યું છે કે, ઇતિહાસકાર પૂર્વગ્રહથી મુક્ત હોવો જોઈએ.

દક્ષિણ ભારતમાં પ્રવર્તમાન સંકુચિત તમિળ રાષ્ટ્રવાદ માટે તેમને સહાનુભૂતિ ન હતી. શાસ્ત્રીની લખવાની શૈલી શુદ્ધ અને આહ્લાદક છે. ભાષા અને રૂઢિપ્રયોગો પર કાબૂ હોવાથી તેઓ શબ્દાડંબર અને જટિલ વાક્યરચના ટાળે છે. રસપ્રદ શૈલી, સુંદર ભાષા અને સંવેદનશીલતા તેમની રચનાઓમાં તાજગી લાવે છે. ઇતિહાસકારનું વિષયવસ્તુ માનવી અને તેનાં કાર્યો છે, તેથી તેનું કાર્ય વૈજ્ઞાનિક કરતાં વધારે અઘરું અને જટિલ છે. તેમણે તમિળ સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ જેવી સંકુચિતતાને મહત્વ આપ્યું નહિ અને અખિલ ભારતીય દૃષ્ટિ રાખી હતી.

શાસ્ત્રી દક્ષિણ ભારતના અને આધુનિક ભારતના પ્રથમ હરોળના ઇતિહાસકાર ગણાય છે. તેમણે લગભગ અર્ધી સદી પર્યન્ત ઇતિહાસનાં સંશોધન અને અધ્યયનનું કાર્ય કર્યું. તેથી ભારતના ઇતિહાસકારોમાં તેમને પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. ભારત સરકારે 1958માં તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ આપી, તેમનું સન્માન કર્યું હતું.

જયકુમાર ર. શુક્લ