શાસ્ત્રી, ધરમપાલ (. 26 જાન્યુઆરી 1925, બારામુલા, જમ્મુ અને કાશ્મીર) : હિંદી લેખક. તેમણે ગુરુકુળ, રાવળપિંડીમાંથી ‘સાહિત્ય-ભાસ્કર’, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ અને હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ દૂરદર્શનના બાળવિભાગ સાથે સંકળાયેલા હતા.

તેમની ભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હમ એક હૈં’ (1962), ‘અનુયુગ કા નયા સબેરા’ (1964); ‘વિશ્વશાંતિ ઔર ભારત’ (1969); ‘સત્ગુરુ નાનક પ્રગટિયા’ (1972), ‘ચરિત્રનિર્માણ ક્યા, ક્યોં ઔર કૈસે ?’ (1990) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે, જ્યારે ‘શૌર્યગાથાએં’ (1973), ‘પ્રાચીન ભારત કે મહાવીર’ (1992) ચરિત્રગ્રંથો છે. ‘વિજ્ઞાન કે ઉદ્યાન મેં’ (1976) વિજ્ઞાનવિષયક ગ્રંથ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1957-58 કાવ્યસંવિવાદ(પોએટિક સિમ્પોસિયમ)માં ઍવૉર્ડ; 1957માં ઉત્તરપ્રદેશ સરકારનો ઍવૉર્ડ, 5 ગ્રંથો માટે રાષ્ટ્રપતિ ઍવૉર્ડ (1964), 1964માં યુનેસ્કો ઍવૉર્ડ, 1988-89માં દિલ્હી હિંદી સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ અને 1990-91માં નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઍવૉર્ડ પ્રાપ્ત થયેલા.

બળદેવભાઈ કનીજિયા