વિદિશા : મધ્યપ્રદેશના પશ્ચિમ-મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 20´થી 24° 15´ ઉ. અ. અને 77° 15´થી 78° 15´ પૂ. રે. વચ્ચેનો 7,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો ભોપાલ મહેસૂલ વિભાગમાં આવેલો છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ ભાગમાં ગુના; ઈશાન અને પૂર્વમાં સાગર; અગ્નિ અને દક્ષિણ ભાગમાં રાયસેન તથા નૈર્ઋત્ય ભાગમાં ભોપાલ જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક વિદિશા જિલ્લાની દક્ષિણ સરહદ નજીક આવેલું છે.

વિદિશા જિલ્લો

ભૂપૃષ્ઠ : આ જિલ્લો માળવા વિસ્તારના બેટવા નદીથાળાના ઉપરવાસમાં આવેલો છે. ભૂપૃષ્ઠ માળખાના સંદર્ભમાં જોતાં, જિલ્લાને પાંચ વિભાગોમાં વહેંચી શકાય છે : (i) ધૂપગઢનાં જંગલો, (ii) સિરોન્જનો ઉચ્ચપ્રદેશ, (iii) કોરવાઈનો ઉચ્ચપ્રદેશ, (iv) બેટવા નદીનું મેદાન, (v) તિવન્ડા હારમાળા.

(i) ધૂપગઢનાં જંગલો : માળવાના ઉચ્ચપ્રદેશના ભાગરૂપ ગુના જિલ્લાનો રાઘવગઢ-બજરંગગઢ ઉચ્ચપ્રદેશ અહીં આ જિલ્લાના પશ્ચિમ ભાગમાં ઉત્તર-દક્ષિણ પથરાયેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 500 મિટર છે, બેરાગઢ નજીક તેની મહત્તમ ઊંચાઈ 576 મિટરની છે. આ વિસ્તારમાં મિશ્ર પ્રકારનાં ગાઢ જંગલો આવેલાં છે. અનામત જંગલ પણ છે. આ જંગલમાં સાગનાં વૃક્ષો જોવા મળે છે.

(ii) સિરોન્જનો ઉચ્ચપ્રદેશ : જિલ્લાના ઈશાન કોણમાં આવેલો વિસ્તાર પણ માળવાના ઉચ્ચપ્રદેશનો ભાગ છે, તેનો સામાન્ય ઢોળાવ ઉત્તર તરફનો છે. સિરોન્જ નગરની પશ્ચિમે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં ટેકરીઓની હારમાળા ચાલી જાય છે. સાખલોન ગામ પાસે તેની મહત્તમ ઊંચાઈ 548 મીટરની છે. આખોય ઉચ્ચપ્રદેશ ખીણોથી છેદાયેલો હોવાથી ટેકરીઓ છૂટી-છૂટી જોવા મળે છે.

(iii) કોરવાઈનો ઉચ્ચપ્રદેશ : જિલ્લાના ઈશાન ભાગમાં સિરોન્જ તાલુકાની પૂર્વ તરફ અને કોરવાઈ તાલુકાના અર્ધા ભાગને આવરી લેતો ઊંચાણવાળો ભાગ. તેની ઊંચાઈ આશરે 410 મિટરથી 460 મિટર વચ્ચેની છે. ઉચ્ચપ્રદેશનો સામાન્ય ઢોળાવ ઉત્તર-તરફી છે. અહીં બેટવા અને કેથાન નદીઓની જળપરિવાહરચના આ ટેકરીઓથી ફંટાયેલી છે.

(iv) બેટવાનું મેદાન : જિલ્લાના મધ્ય અને દક્ષિણ ભાગમાં બેસોડા અને વિદિશા તાલુકાઓને આવરી લેતું મેદાન. તેનો સામાન્ય ઢોળાવ ઈશાન-તરફી છે. સરેરાશ ઊંચાઈ 400 મિટર જેટલી છે. અહીં પશ્ચિમ તરફ થોડી ટેકરીઓ આવેલી છે.

(v) તિવન્ડા હારમાળા : જિલ્લાના પૂર્વભાગની મધ્યમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો, 400થી 666 મિટર ઊંચાઈવાળો પટ્ટો આવેલો છે. તેનો ઢોળાવ ઉત્તર તરફનો છે. બીજી એક સાંકડી પટ્ટી અગ્નિ દિશા તરફ પણ જોવા મળે છે.

જળપરિવાહ : જિલ્લાનો સામાન્ય ઢોળાવ ઉત્તર તરફનો હોવાથી બધી જ નદીઓ ઉત્તર તરફના વહનવાળી તથા મોસમી છે. જિલ્લાનો મોટો ભાગ યમુના નદીના થાળામાં ગણાય છે. અહીં બે જળવિભાજકો પણ છે. બેટવાનું થાળું આ બે જળવિભાજકો વચ્ચે આવેલું છે. બેટવા, બીસ, સાગર, કેથાન, બીના, નિયોન, સિંદ અને કેવતાન અહીંની મુખ્ય નદીઓ છે. બીસ અને હલાલી, બહા, સાગર, નરેન અને કેથાન બેટવાને ડાબે કાંઠે મળે છે, જ્યારે કેવતાન તેને જમણે કાંઠે મળે છે.

ખેતી : આ જિલ્લામાં મેદાની જમીનો ફળદ્રૂપ હોવાથી વિશેષે કરીને ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. રાજ્યના ઘઉં પકવતા જિલ્લાઓ પૈકી આ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. વરસાદ ઉપરાંત સિંચાઈ માટેનો એકમાત્ર સ્રોત કૂવા છે. વધુમાં વધુ સિંચાઈ વિદિશા તાલુકાને મળે છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગવેપાર : ડાયકેમ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે; જે રંગ-રસાયણો, ફૂગનાશકો વગેરે બનાવે છે. અહીં વિદિશા ખાતે સ્ટ્રૉબૉર્ડની ફૅક્ટરી આવેલી છે, તે ઘઉંના ભૂસાના કાચા માલનો ઉપયોગ કરીને બૉર્ડકાર્ડબૉર્ડ અને સ્ટ્રૉબૉર્ડ બનાવે છે. આ ઉપરાંત અહીં ખાદ્ય ચીજો, શુદ્ધ કરેલું ખાદ્ય તેલ અને સોયા-આટો પણ બને છે.

પરિવહન : ભોપાલ(પાટનગર)થી 53 કિમી. અંતરે આવેલું વિદિશા મધ્ય રેલવેના દિલ્હી-ચેન્નાઈ અને દિલ્હી-મુંબઈ બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે. જિલ્લાનાં બધાં જ તાલુકામથકો અન્યોન્ય તેમજ વિદિશા સાથે પાકા માર્ગોથી જોડાયેલાં છે. માત્ર વિદિશા અને બસોદા રેલમાર્ગ પરનાં રેલમથકો છે.

પ્રવાસન : વિદિશામાં આવેલાં કેટલાંક સ્મારકો અદ્ભુત અને જોવાલાયક છે. આ પૈકીનો ‘ખંભ બાબા’ નામનો સ્તંભ (Heliodorous Pillar) વિશિષ્ટ મહત્વ ધરાવે છે. તેના પર ઈ.પૂ. 140નો અભિલેખ છે. તેમાં દર્શાવેલા લેખ મુજબ તે તક્ષશિલામાં રહેતા ડાયોનના પુત્ર હેલિયોડોરસે બનાવરાવેલો. તે ત્યારે બીસનગરમાં ભાગભદ્રની અદાલત ખાતે ઇન્ડોબૅક્ટ્રિયન રાજા અંતિઅલ્કિડનો એલચી હતો. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ ઘટનાનું મહત્વ એટલા માટે અંકાય છે કે મૂળ ગ્રીક પ્રજાજને વૈષ્ણવધર્મમાં આ પ્રકારની શ્રદ્ધા ધરાવી છે ! સ્તંભ તો કદમાં નાનો છે, પરંતુ ભવ્ય છે. તેનો નીચેનો ભાગ અષ્ટકોણીય છે, મધ્યભાગ સોળ બાજુઓવાળો અને તેની ઉપરની એક પટ્ટી બત્રીસ પાસાવાળી છે.

ઉદયગિરિ ગુફાઓ, વિદિશા

વિદિશા ખાતે 1682માં બાંધેલી બીજમંડલ મસ્જિદ અગિયારમી સદીના દેવી ચર્ચિકાના મંદિરના ખંડિયેર પર ઊભી કરાયેલી છે. આથી પણ અગાઉ દિલ્હીના બે સુલતાનો – અલ્તમશ (1235) અને અલાઉદ્દીન ખલજી (1290)એ તત્કાલીન ભિલસા (આજનું વિદિશા) પર હુમલા કરેલા અને તેની સંપત્તિ લઈ જવા માટે તેને પાયમાલ કરી નાખેલું. મૂળ મંદિર ઊંચી પરથાર (plinth) પર હતું, ઉપરનું મંદિરમાળખું શિલ્પાકૃતિઓથી સમૃદ્ધ અને વિસ્તૃત હતું. તેનું શિલ્પ-સ્થાપત્ય ખજૂરાહોનાં મંદિરોની સમકક્ષ હતું. તેની બે બાજુઓમાં બે સમતળ છતવાળા ખંડો હતા. આ વિશાળ જગા પર મસ્જિદનો નમાજખંડ બનાવાયેલો છે. તેની નજીકમાં બાવલી નામનું એક જળાશય છે; તે પણ મંદિરના સંકુલનો જ એક ભાગ હતું. અન્ય સ્મારકોમાં ગુમાઝ કા મકબરા (મધ્યકાલીન સમયની બે કબરો) પણ છે. તે પૈકી એક કબર મુસ્લિમ સંતની છે. એ ઉપરાંત એક પ્રાચીન વણઓળખાયેલો ‘પાની કી કુંડલી’ નામનો સ્તંભ છે.

વિદિશાથી માત્ર ચાર કિમી.ને અંતરે ઉદયગિરિની નવ ગુફાઓ આવેલી છે. ખડકોને કોતરીને બનાવાયેલી મોટાભાગની આ ગુફાઓ ગુપ્તકાલીન (ચોથીથી છઠ્ઠી સદી) છે. ગુપ્તકાળનાં અદ્ભુત શિલ્પસ્થાપત્યની સાક્ષી પૂરતી આ ગુફાઓ કોતરણીવાળાં દ્વારો અને થાંભલાઓવાળી પરસાળો સહિતની લંબચોરસ છે. એક નંબરની ગુફાનો રવેશ ચાર સ્તંભોવાળો છે, સ્તંભો પર ફૂલદાનીઓ અને પાંદડાં કંડારેલાં છે. ચાર નંબરની ગુફામાં એકમુખી લિંગ (શિવમસ્તક સહિતનું લિંગ) છે. પાંચ નંબરની ગુફામાં શિલ્પશ્રેણી દર્શાવતાં વિશાળ ભીત્તિચિત્રો છે, તે પૈકીની એક શૃંખલા 6.6 મી. x 3.9 મીટરના માપવાળી છે, તેના પર પૃથ્વીદેવીને અજગરના ભરડાથી બચાવતું વરાહાવતારનું શિલ્પ છે. તેની નીચેનો ભાગ, વળાંકોવાળો, કમળની આકૃતિવાળો અને વરુણના શિલ્પવાળો છે. ગંગા-જમના તેમનાં વાહનો મગર અને કાચબા પર સ્થિત હોય તેવાં શિલ્પો દર્શાવાયેલાં છે. આ ઉપરાંત સાંચી ખાતે મહાસ્તૂપ, ભવ્ય તોરણ, મઠ, મંદિરો, કોતરણીવાળાં શિલ્પો સહિતના સ્તંભો, ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તથા અન્ય બૌદ્ધ સ્મારકો પણ છે; જે પ્રાચીન શિલ્પસ્થાપત્યનો કલાવૈભવ રજૂ કરે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 12,14,759 જેટલી છે. તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 78 % અને 22 % જેટલું છે. અહીં હિંદુ અને મુસ્લિમની વસ્તી વિશેષ તથા ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 34 % જેટલું છે. જિલ્લામાં અંદાજે 1,100 પ્રાથમિક, 200 માધ્યમિક અને 36 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 7 કૉલેજો અને 2 વ્યાવસાયિક સંસ્થાઓ છે. તબીબી સેવા માત્ર 7 % ગામડાંઓ પૂરતી ઉપલબ્ધ છે; બાકીનાં ગામડાં નજીકનાં નગરો પર આધારિત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકા અને 7 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 5 નગરો અને 1,624 (102 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : જિલ્લાનું નામ જિલ્લામથક વિદિશા પરથી અપાયેલું છે. વાલ્મીકિ રામાયણમાં વિદિશાનો ઉલ્લેખ મળે છે. વાસ્તવમાં પ્રાચીન નગર બીસનગર આજના વિદિશાથી 3 કિમી.ને અંતરે વસેલું હતું. આ નગરનો ઉલ્લેખ વેસનગર અથવા વૈશ્યનગર તરીકે બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ સાહિત્યમાં પણ જોવા મળે છે. આ પ્રાચીન નગર બેટવા નદીના પશ્ચિમ ભાગમાં વસેલું હતું. તેનો નાશ થયા પછી નદીના પૂર્વ કાંઠે નવું નગર વસતું ગયેલું, તેનું નામ ભિલિયાસ્વામિન્ અથવા ભૈલાસ્વામિન્ હતું. તેમાંથી અપભ્રંશ થતાં ભિલસા અને છેલ્લે વિદિશા થયેલું જણાય છે.  સમ્રાટ અશોકના સમયમાં વિદિશા રાજકીય વ્યૂહાત્મક મહત્વ ધરાવતું અગત્યનું મથક હતું, ત્યારેે વિદિશા બીસનગર તરીકે ઓળખાતું હતું. બિંદુસાર મૌર્યના સમયમાં (ઈ. પૂ. 300273) મગધના સામ્રાજ્યના અવન્તિ પ્રાંતનું મુખ્ય મથક. રાજકુમાર અશોકને અઢાર વર્ષની ઉંમરે અવન્તિ પ્રાંતનો સૂબો નીમ્યો હતો, ત્યારે તેનું મુખ્ય મથક વિદિશા હતું. શૂંગ વંશના પુષ્યમિત્રના સામ્રાજ્યમાં પણ વિદિશાનો સમાવેશ થતો હતો. કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાંથી જાણવા મળે છે કે અગ્નિમિત્રે તેના પિતા પુષ્યમિત્રના રાજ્યકાલ દરમિયાન વિદિશામાં સૂબા તરીકે સેવા આપી હતી. વિદિશામાં કલાની મહત્વની શાળા હતી. અશોકે બંધાવેલ સાંચીના સ્તૂપની આજુબાજુના સુંદર દરવાજાના કઠેરા (railings) ત્યાંના બનાવેલા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર શૂંગ વંશના પાછળના રાજાઓનું પાટનગર વિદિશા હતું. જૂના ગ્વાલિયર રાજ્યમાં આવેલ બેસનગર છે ત્યાં વિદિશા આવેલ હતું. પાંચમી-છઠ્ઠી સદીઓ દરમિયાન તે શૂંગ વંશના શાસકોનું સમૃદ્ધ પાટનગર રહેલું. શૂંગ, સાતવાહન અને ગુપ્ત  વંશના શાસન વખતે પણ આ નગરનું વ્યૂહાત્મક મહત્વ ઘણું હતું. ગુપ્તવંશ પછી તેનું રાજકીય મહત્વ ક્રમશ: ઘટતું ગયું. તે પછીથી દિલ્હી સલ્તનતના શાસકોએ તેને લૂંટફાટ કરીને પાયમાલ કરી નાંખ્યું. ત્યારબાદ વિદિશાનું સ્થાન માળવાના, મુઘલોના અને સિંધિયાના સમયમાં ગૌણ બની ગયું. 1904માં વિદિશા જિલ્લો માત્ર બે જ તાલુકાનો હતો, 1949માં એક તાલુકો ઉમેરાયેલો અને 1956ના નવેમ્બરની પહેલી તારીખથી ભિલસા જિલ્લો વિદિશા જિલ્લા તરીકે ઓળખાવો શરૂ થયો.

ગિરીશભાઈ પંડ્યા, જયકુમાર ર. શુક્લ