વિદારી કંદ (ભોંયકોળું)

February, 2005

વિદારી કંદ (ભોંયકોળું) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomea digitata Linn. (સં. ક્ષીરવિદારી; હિં. બિલાઈ કંદ, વિદારી કંદ; મ. ભુયકોહોળા, હળદ્યાકાંદા; ક. નેલકુંબલ; મલ. મુતાલકાંતા; ત. ફલમોગડ્ડીર; તે. ભૂચક્રડી) છે. I. Paniculata, I. mauritiana અને Pueraria tuberosa(કુળ : ફેબેસી)ને પણ વિદારી કંદ કહેવામાં આવે છે.

વિદારી કંદ અગર તો ભોંયકોળાની બે જાત છે : (1) વિદારી કંદ અથવા સાદું ભોંયકોળું (Pueraria tuberosa) અને (2) દૂધ ભોંયકોળું અથવા ક્ષીરવિદારી કંદ (Ipomoea digitata). તે બહુવર્ષાયુ વેલ છે. ભારતભરમાં તે સામાન્યત: બિહાર, ઓરિસા, પશ્ચિમ બંગાળ, આસામ તેમજ દક્ષિણ-પશ્ચિમ કોંકણથી કેરળના તટીય પ્રદેશમાં, જ્યાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યાં વાડો અને ઝાડી-ઝાંખરમાં પુષ્કળ થાય છે.

(1) વિદારી અથવા કાઠિયાવાડી ફગિયો અથવા ભોંયકોળાનો વેલો મોટો (6 મી.થી 12 મી.) થાય છે. ખાખરાની જેમ તેનું પ્રત્યેક પર્ણ ત્રણ પર્ણિકાઓ ધરાવે છે. શિયાળામાં પર્ણ ખરી જાય છે. ઉનાળામાં નવાં પર્ણો બેસે છે. પુષ્પનિર્માણ શિયાળામાં થાય છે. લાંબી કલગી (raceme) સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. પુષ્પો આછા આસમાની રંગનાં, સુવાસિત અને પતંગિયા આકારનાં હોય છે. ફળ શિંબ (legume) પ્રકારનું, 2.5 સેમી.થી 7.5 સેમી. લાંબું તથા કવચની શિંગ જેવું હોય છે અને 2થી 6 બીજ ધરાવે છે. તેના કંદમાં પાણીનો ભાગ પુષ્કળ હોય છે. આ કંદોનું વજન લગભગ 20 કિગ્રા. જેટલું હોય છે. બજારમાં સૂકા કંદના ટુકડાઓ મળે છે. તેનાં પર્ણો ઘોડાના ચારામાં ઉપયોગી હોય છે. તે વાજીપ્રિયા તરીકે પણ ઓળખાય છે. શિંગો અને કંદનું શાક ઘણું પૌષ્ટિક હોય છે.

આયુર્વેદ અનુસાર રતવામાં વિદારી કંદના ચૂર્ણને ઘી સાથે લગાડવામાં આવે છે. તે મૂત્રકૃચ્છ્ર અને વાજીકરણમાં પણ ઉપયોગી છે. વિદારી કંદ શેરડીનો રસ, મધ, દૂધ, તેલ, ઘી વગેરે સાથે પીવાથી વિષમજ્વર મટે છે. ધાવણ વધારવા માટે તેનું ચૂર્ણ દારૂ સાથે આપવામાં આવે છે.

(2) દૂધ ભોંયકોળું અગર સફેદ ભોંયકોળાનાં પર્ણો પાંચથી સાત ખંડીય પંજાકાર અને દરેક ખંડ 7.5 સેમી.થી 15 સેમી. લંબાઈનો હોય છે. પર્ણ સુંવાળાં અને સળંગ કિનારીવાળાં હોય છે. તેના જમીનમાં શક્કરિયાં જેવા આકારના કંદ થાય છે. ચોમાસા દરમિયાન તેના પર્ણની કક્ષમાંથી પુષ્પવિન્યાસ નીકળે છે. તેના પર ઝૂમખાદાર ગુલાબી લાલ અને ઘેરા રાતા જાંબલી રંગનાં પુષ્પો આવે છે. છોડ સુશોભન માટે થાંભલા કે તારની વાડ પર ચડાવવાની રીત અપનાવવામાં આવે છે.

આ વેલનાં કેટલાંક નામ તેના કંદના ગુણને અનુલક્ષીને પડેલાં છે; જેમ કે, સ્વાદુકંદા, વૃષ્યકંદા, ઇક્ષુકંદા, સ્વાદુલતા વગેરે. તેના કંદનો બાહ્ય દેખાવ રાખોડી અથવા મેલા પીળા રંગનો હોય છે. તેના પર આદું જેવી ગાંઠો જોવા મળે છે. તેનો આડો છેદ કરવાથી પૃષ્ઠભાગે વર્ષ સૂચવતાં વલયો જોવા મળે છે. તેમાંથી ચીકણો દૂધ જેવો રસ ઝરે છે. જે ખાવાથી તેનો તુરાશ પડતો મીઠો સ્વાદ લાગે છે.

સફેદ ભોંયકોળું ગુણધર્મે શ્રેષ્ઠ છે. કંદ અને વેલના ગુણધર્મો સરખા છે. તે મધુર, તૂરું, રસાયણ, બળપ્રદ, મૂત્રલ અને પૌષ્ટિક છે. તે પિત્ત, રક્તદોષ, વાયુ અને દાહનો નાશ કરે છે.

તેનાં પુષ્પો શીત, રસકાળે અને પાકકાળે મધુર છે. તે કફકારક, પિત્તનાશક છે. વિદારી કંદના આયુર્વેદમાં ઘણા ઉપયોગ દર્શાવેલ છે. બળ અને પુષ્ટિ માટે; રક્તમૂળવ્યાધિ, બહુમૂત્રરોગ, પ્રમેહ, રક્તપિત્ત, ઊલટી અને કૉલેરા જેવા રોગોમાં તેનો ઉપયોગ થાય છે. વળી તે દાઝ્યા ઉપર તેમજ બાળકોની અશક્તિ દૂર કરવા વપરાય છે. એક મત પ્રમાણે વિદારી કંદ (ભોંયકોળું) કૉડલિવર ઑઇલના કરતાં પણ સારું કામ આપે છે.

તેનાં થડ અને પર્ણો ઢોરના ચારા માટે વપરાય છે. ભોંયકોળાના બીજનો ઉપયોગ દૂધને ઘટ્ટ બનાવવા માટે પણ થાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ, સુરેશભાઈ યશરાજભાઈ પટેલ, ભાલચંદ્ર હાથી