લૅટિન (દક્ષિણ) અમેરિકાનું સાહિત્ય

January, 2005

લૅટિન (દક્ષિણ) અમેરિકાનું સાહિત્ય : 1960ના દાયકાઓમાં નવલ-કથાલેખનમાં ઉછાળો આવવાને પરિણામે છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધમાં લૅટિન અમેરિકાના સાહિત્ય તરફ સમગ્ર વિશ્વ એકદમ આકર્ષિત થયું. લૅટિન અમેરિકાની નવલકથાઓના પશ્ચિમની મહત્વની ભાષાઓમાં ઝડપભેર અનુવાદ થવા લાગ્યા અને વિવેચકો ઉપરાંત જનસમુદાય પણ એ સાહિત્યથી પ્રભાવિત થયો. તેનાં બે કારણ તે તેમાંના વિષયવસ્તુની મૌલિકતા તથા રસાળ અને નાવીન્યપૂર્ણ શૈલી. લૅટિન અમેરિકાનું સાહિત્યસર્જન ગણનાપાત્ર હતું એવું અગાઉ ઓછાવત્તા અંશે સ્વીકારાયું હતું, પરંતુ નવલકથાક્ષેત્રે જે તેજી આવી તેનાથી લૅટિન અમેરિકન કૃતિઓ કેવળ આંચલિક સર્જનોથીય વિશેષ મહત્વનાં સર્જનો હોવાનું પ્રતીત થયું. વળી કેટલીક કૃતિઓએ તો વિશ્વસાહિત્યના પ્રવાહને પણ નવો વળાંક આપ્યો.

દેશી (native) તથા વસાહતી (colonial) લખાણ : પંદરમી અને સોળમી સદીમાં લૅટિન અમેરિકા આવેલા યુરોપિયનોને પ્રેમ-શૃંગારની સાહસકથાઓ તથા કંઈક અંશે બાઇબલનો પરિચય હતો. પોતાના અનુભવોના વર્ણન માટે તેમની પાસે બીજા કોઈ નમૂના કે ઉદાહરણ ન હતાં. આથી શરૂઆતના વિજેતાઓ અને વસાહતીઓની તવારીખમાં, પોતે વાંચેલાં પુસ્તકો મુજબના અર્ધ-વાસ્તવિક તથા અર્ધ-કલ્પિત પ્રકારનાં શૌર્યનાં પરાક્રમો અથવા હતાશાના મનોભાવોનું જ ચિત્રણ થયેલું છે. એ ભૂમિ તથા ત્યાંની રહેવાસી પ્રજાનું ઘણી વાર આદર્શ ચિત્રણ કરવામાં આવતું હતું. જોકે વાસ્તવમાં ત્યાંની મૂળ પ્રજા પાસે અતિશય વેઠ કરાવી તેને ગુલામ બનાવાતી હતી અને તેની સંસ્કૃતિને ભ્રષ્ટ કરવામાં આવતી હતી.

નવા વિશ્વમાં વસતી તળપ્રદેશના ભૂમિજાત આદિવાસીઓની સંસ્કૃતિમાં પણ ખાસ્સો તફાવત હતો. સમભાવી ખ્રિસ્તી પાદરીઓના પ્રયાસોને કારણે માયન, ઇન્કૅન તથા ઍઝટેક જેવી મહાન સંસ્કૃતિનાં જતન-સાચવણી થઈ શક્યાં હતાં. માયનોના પવિત્ર ગ્રંથ ‘પૉપોલ’ ‘વુહ’(અંગ્રેજી ભાષાંતર, 1950)માં તેમનાં તત્વજ્ઞાન, બ્રહ્માંડમીમાંસા તથા ઇતિહાસ સચવાયાં છે અને તેમાંથી એક અસામાન્ય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ મળે છે. લૅટિન અમેરિકાના સોળમી અને સત્તરમી સદીના મોટાભાગના સાહિત્યમાં યુરોપિયન વાચક માટે, નવા જીતેલા પ્રદેશોનાં વર્ણન છે. ત્યાંનાં અદભુત પક્ષીઓ, વિષુવવૃત્તીય પ્રદેશના છોડવાના ઝમકદાર રંગો, અજાણ્યા વસાહતીઓ તથા તેમનાં મંદિરો અને ક્રિયાકાંડ વગેરેના વર્ણનમાં લેખકો ભયમિશ્રિત આશ્ર્ચર્યમુગ્ધતા તથા અતિશયોક્તિભરી ભાષા વચ્ચે અટવાયા છે. એ પ્રદેશની જીતની તવારીખ આલેખવા સાથે કેટલાક લેખકોએ એમાં પોતાનાં ગુણગાન ગાવામાં પાછી પાની કરી નથી. આ બધામાં સૌથી રસપ્રદ કૃતિ તે ‘ધ ટ્રૂ સ્ટૉરી ઑવ્ ધ કૉન્ક્વેસ્ટ ઑવ્ મેક્સિકો’ (1632; અંગ્રેજી ભાષાંતર, 1956) છે. આ અત્યંત રસપ્રદ તવારીખમાં લેખકે એક યુવાન સૈનિક તરીકે કરેલાં સાહસોનું સુંદર અને તાદૃશ ચિત્રણ છે. એ પ્રદેશની જીતને પોતાનાં વૈયક્તિક હિંમત અને આત્મબળમાં ખપાવનારા લેખકોનો વિરોધ કરનારા વિવેચકો પણ હતા. એ સૌમાં નોંધપાત્ર છે ‘ધ ટિયર્સ ઑવ્ ધી ઇન્ડિયન્સ’ (1552; અંગ્રેજી ભાષાંતર, 1953). તેમાં સ્પેનના રાજતંત્રની આકરી આલોચના કરવામાં આવી છે. સ્પેનના રાજતંત્રના તથા તેમના પ્રતિનિધિઓના દેશી વસ્તી પ્રત્યેના, સ્થાનિક ઇન્ડિયનો પ્રત્યેના દુર્વ્યવહાર તથા તેના ફળસ્વરૂપે તેમનું નિકંદન કાઢી નાખવાના જુલ્મી પ્રયાસો અટકાવવા માડ્રિડમાં રહેલા રાજવીએ વટહુકમ બહાર પાડ્યા હતા.

સૉર જુઆના ઇનેસ દ લા ક્રૂઝ નામનાં મેક્સિકન સાધ્વી મેક્સિકન રાજદરબારમાં કલાનાં દસમા દેવી (tenth Muse) તરીકે ખ્યાતિ પામ્યાં. તેમણે નાટ્યાત્મક લખાણો, કાવ્યો તથા વૈજ્ઞાનિક અને તત્વજ્ઞાનવિષયક સુગમ લખાણો લખવાથી તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. સ્પેનના વસાહતી કાળનાં તેઓ સૌથી મહત્વની વ્યક્તિ લેખાયાં.

સ્વાતંત્ર્યનું સાહિત્ય : આઝાદીના આગમન સાથે, અઢારમી સદી તથા ઓગણીસમી સદીના આરંભમાં લૅટિન પ્રજામાં એક નવા પ્રકારના સ્વાભિમાનની લાગણી પ્રગટી. મોટાભાગના સાહિત્યકારો હવે ‘ક્રીઓલ’ જૂથના સભ્યો હતા; એટલે કે તેઓ ‘ન્યૂ વર્લ્ડ’માં જન્મેલા યુરોપિયનોના વંશજો હતા અને તેમને સ્પેન કરતાં તેમની પોતાની માતૃભૂમિ પ્રત્યે વિશેષ નિષ્ઠા – સ્વાભિમાન હતાં. 1810માં સ્વાતંત્ર્યની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 1820નાં વર્ષો સુધી મોટાભાગના દેશો સ્પૅનિશ શાસનથી મુક્ત થઈ શક્યા ન હતા. સ્વાયત્તતા આવવાથી, વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રીય સાહિત્યનો આવિષ્કાર થયો, ત્યાંની દેશભૂમિ તથા ત્યાંની ‘ઇન્ડિયન’ પ્રજા પ્રત્યે સવિશેષ ધ્યાન કેન્દ્રિત થયું. પોતાની સાંસ્કૃતિક અસ્મિતા સુદૃઢ કરવી જોઈએ એવી સભાનતા પ્રગટવાથી કવિઓએ આઝાદીના લડવૈયાઓને અને આઝાદીના સંગ્રામોને કાવ્યવિષય બનાવ્યા. ‘ધ વિક્ટરી ઑવ્ જુનિન; હિમ ટુ બૉલિવર’ (1825) એ આનું સૌથી જાણીતું દૃષ્ટાંત છે. આ પરંપરાનું સૌથી મહાન સર્જન તે ‘માર્ટિન ફિયેરો’ (1872). તે આર્જેન્ટિનાનું રાષ્ટ્રગીત બની રહ્યું.

આધુનિકતા : ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં લૅટિન અમેરિકાના ચોક્કસ સાહિત્યિક આંદોલન રૂપે આધુનિકતાનો આવિષ્કાર થયો. તેનો સીધો પ્રભાવ કવિતા પરત્વે પડ્યો, પણ સાથોસાથ ગદ્યકથાઓ પણ તેનાથી વંચિત રહી નહિ. આ સાહિત્યિક ઝુંબેશના પરિણામે કાવ્યસ્વરૂપ તથા કાવ્યવિભાવના વિશે નોંધપાત્ર નાવીન્ય તથા મૌલિકતા પ્રગટી શક્યાં, તેના મુખ્ય પુરસ્કર્તા નિકારગુઆના રૂબેન ડેરિયો હતા. તેઓ ફ્રાન્સની કાવ્યપરંપરા તથા પ્રણાલિકાગત સ્પૅનિશ કવિતાના સંસ્કારોથી રંગાયા હતા. તેમણે સ્પૅનિશ કવિતામાં મોકળાશ પ્રગટાવી. તેમણે લૅટિન અમેરિકા એક જ માતૃભૂમિ છે એવો ખ્યાલ લોકપ્રિય બનાવ્યો.

માતૃભૂમિનું અને મેક્સિકન ક્રાંતિનું સાહિત્ય : વીસમી સદીના આરંભે, ધરતીની નવલકથા તરીકે ઓળખાવાયેલ સાહિત્યપ્રકારનો ઉદભવ થયો. તેમાં કોઈ પ્રકારનાં રંગદર્શિતા કે આદર્શવાદના નિરૂપણ વગર એ ધરતી, ધરતીપુત્રો, તેમની જીવનશૈલી અને તેમના વસવાટની ભૌગોલિક પરિસ્થિતિનું ચિત્રણ કરાયું છે.

પાબ્લો નેરુદા

કાર્લોસ ફ્યુઅન્ટેસ

ગૅબ્રિયલ ગાર્સિયા માકવેઝ

સાથોસાથ મેક્સિકોની ક્રાંતિ પણ કવિતા તથા સંખ્યાબંધ નવલકથાઓએ બંનેમાં મહત્વનો વિષય બની છે. આ પ્રકારની સૌથી વખણાયેલી નવલકથા તે ‘ધ અંડરડૉગ’ (1915; અંગ્રેજી ભાષાંતર, 1929). તેમાં એક ખેડૂત સૈનિકની ચઢતી-પડતીની કથા છે. મેક્સિકોની ક્રાંતિ (1910-20) માટે લડેલા આ ખેડુ-સૈનિકને ભાગે યાતના અને હતાશા ભોગવવાનાં આવે છે. રંગદર્શી નવલકથાકારો કરતાં ઊલટું, આ ધરતીના જ નવલકથાકારોને હવે પ્રતીતિ થાય છે કે રાજકીય આઝાદી આવી, છતાં અન્યાય તો અગાઉની જેમ જ પ્રવર્તી રહ્યો છે. આ નવલકથાકારો પદદલિતો-શ્રમિકોની સ્થિતિ સુધારવા ક્યારેક હતાશાના માર્યા હિંસક અને ક્રાંતિકારક પગલાં તરફ પણ વળે છે; પરંતુ અંતે તો એ ભૂમિની પ્રજાની નૈસર્ગિક કે જન્મજાત નિર્દોષતામાં જ તેમની શ્રદ્ધા ઠેરવે છે. પૅરિસની સભ્યતાથી રંગાયેલા એક લેખકની કૃતિ ‘શૅડોઝ ઑન ધ પમ્પાઝ’ તો એટલે સુધી સૂચવે છે કે આધ્યાત્મિક નવજાગરણ આ ધરતીમાંથી જ મળી રહેવાનું છે.

બ્રાઝિલના આધુનિક સર્જકો : વીસમી સદીના આરંભે, સાઓ પાઉલોમાં કેન્દ્રિત થયેલી બ્રાઝિલની આધુનિકતાવાદી ચળવળ પણ બીજા માર્ગો કે ઉપાયો વડે સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય મેળવવા માટે મથે છે. બાકીના લૅટિન અમેરિકાની જેમ બ્રાઝિલ પણ એ જ પ્રકારના વિકાસ-તબક્કામાંથી પસાર થયું હતું; પરંતુ તેની રાજકીય આઝાદી અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્યનો આવિષ્કાર ક્રમશ: થયો. આમ બ્રાઝિલ પૉર્ટુગીઝ સંસ્કૃતિ સાથે જકડાયેલું રહેલું હોવાથી, બ્રાઝિલના લેખકોએ ધીમે ધીમે પોતાની ભૂમિનાં નિસર્ગચિત્રો તથા વિવિધભાષી અને વિવિધ માનવવંશીય લોકસમુદાયના મિશ્રણ રૂપે ત્યાંના લોકજીવન વિશે લખવાની જવાબદારી અદા કરવા માંડી. અગાઉના સંખ્યાબંધ ગુલામોની હાજરીના પરિણામે, આ સંસ્કૃતિ વિશે એક નોંધપાત્ર આફ્રિકન વિશેષતા જોવા મળતી હતી. ત્યારબાદ બિન-પૉર્ટુગીઝ મૂળની વસવાટ માટે સ્થળાંતર કરનારી પ્રજા આવવાથી આ નવા રાષ્ટ્રને પોતાનો આગવો અવાજ મળી શક્યો અને એ અવાજને ગાજતો કરી શકાયો. આશરે 1922માં આધુનિકતાવાદી જૂથ (આ જૂથને 1890ના દશકાના સ્પૅનિશ ભાષાના આધુનિકતાવાદીઓ સાથે કોઈ સંબંધ ન હતો.) ભૂતકાળથી પૂરેપૂરું અળગું પડી ગયું અને પોતાને નવી વિચારધારાના પ્રતિનિધિઓ તરીકે ઓળખાવ્યા. તેમણે અનેક સામયિકો તથા નાનાં-નાનાં પ્રકાશનોમાં, પદ્ય તથા ગદ્યસ્વરૂપોમાં પ્રયોગશીલતાનો અભિગમ અપનાવ્યો. સંપાદન તથા નાટ્યકલાને લગતી જોશીલી પ્રવૃત્તિનો વ્યાપ કાંઠાથી દૂર-દૂરના પ્રદેશોમાં પણ વિસ્તર્યો. તેના પરિણામે, મોટાં શહેરી કેન્દ્રો સિવાયના પ્રદેશોની સાંસ્કૃતિક પ્રમાણભૂતતા અને આધારભૂતતામાં ગણનાપાત્ર સુધારો થયો.

લૅટિન અમેરિકાનું તાજેતરનું સાહિત્ય : બ્રાઝિલમાં આધુનિકતાના આગમન પછી કલાસાહિત્યના ક્ષેત્રે સંખ્યાબંધ નવપ્રવર્તકો(avant-garde)નો આવિષ્કાર થયો. તેમાંનું સૌથી જાણીતું જૂથ તે ‘કૉંક્રીટ પોએટ્રી’. કવિતા તથા ગદ્યકથાઓ સ્થાનિક તથા યુરોપિયન અસર હેઠળ વિકસવા પામી. બ્રાઝિલના કેટલાક જાણીતા ગદ્યલેખકોમાં જ્યૉર્જ ઍમૅડો, એરિકો વેરિસિમો, ઑસ્વાલ્ડ દ આન્દ્રેદ (1890-1954), ક્લૅરિસ લિસ્પેક્ટર (જ. 1925) વગેરે ઉલ્લેખનીય છે; જ્યારે કવિતાક્ષેત્રે કાર્લોસ ડ્રુમૉન્ડ દ આન્દ્રેદ (જ. 1902), વિનિસિયસ દ મૉરેસ (1913-80) અને જૉર્જ દ લિમા મોખરે છે.

પુઅર્તો રીકોના સાહિત્યમાં રાષ્ટ્રીય તથા વંશીય નિસબતનો પ્રતિભાવ ઝિલાયો છે. વીસમી સદીના છેલ્લા બે દાયકાઓમાં જ તેનો આવિષ્કાર થયો છે. ભૂમિગત નાટ્યપરંપરા પણ જોશપૂર્વક ગુંજી ઊઠી. તેના અગ્રેસર નાટ્યકારો તે એમિલિયો બેલાવલ (જ. 1903), મૅન્યુઅલ મેન્ડેઝ બેલેસ્ટર (જ. 1909), ફ્રાન્સિકો ઍરિવી (જ. 1915) અને રેન માર્કવિસ (જ. 1919). પેડ્રો જુઆન સોટો (જ. 1928), એનરિક લૅગર (જ. 1906) વગેરેએ કથાસાહિત્યક્ષેત્રે પ્રદાન કર્યું છે. કવિતામાં લૂઈ પેલે મૅતોઝ(1898-1959)નાં સર્જનોમાં આદિમતા વિરુદ્ધ સંસ્કારલક્ષી (cultural) સામ્રાજ્યવાદનો વિષય વણાયેલો છે.

બાકીના લૅટિન અમેરિકા વિશે એમ સહેલાઈથી કહી શકાય કે સાર્વત્રિક ગુણવત્તાની બાબતમાં પદ્ય કરતાં ગદ્ય કૃતિઓ વિકાસપંથે છે. ફ્રેન્ચ નવલકથાકારોએ અને સાહિત્યિક વિવેચકોએ પ્રયોજેલી ટૅકનિક, જેમ કે ‘નવ્ય નવલકથા’ અંગેના પ્રયોગો કરવાથી તેમજ ફૉકનર જેવા અમેરિકાના લેખકે અપનાવેલી નવીનતા-મૌલિકતા વગેરેને કારણે ગદ્યકારોને મળેલી સફળતાને લઈને પદ્ય કરતાં સાંપ્રત ગદ્ય ઘણો વિકાસપંથ કાપી ચૂક્યું છે. અલબત્ત આ લેખકોએ પોતાની આગવી શૈલી અને લૅટિન અમેરિકાનો સુસ્પષ્ટ અવાજ અવદૃશ્ય જાળવી રાખ્યાં છે. આવા બધા લેખકોને પરિણામે 1960ના દશકામાં એમના સાહિત્યની માંગ વધી. છેવટે આ લેખકોએ આત્માભિવ્યક્તિ તથા સ્વઓળખનો આધુનિકતા અને સાર્વત્રિકતા સાથે સમન્વય યોજવાનો અભિગમ અપનાવ્યો. લૅટિન અમેરિકાની લાક્ષણિકતાઓ સાવ ઓગાળી નાખી ન હતી, પણ યુરોપ તથા ઉત્તર અમેરિકાના ખૂબ વિશાળ વાચકવર્ગને સ્પર્શી શકે એ રીતે તેમણે સાહિત્યિક અભિવ્યક્તિ પ્રયોજવા માંડી.

ઇતિહાસમાં જ્યારે જ્યારે નવા વળાંક આવ્યા છે ત્યારે લૅટિન અમેરિકાના લેખકોએ પોતપોતાની નૈસર્ગિક ઇતિહાસ-સૂઝ અને સાંપ્રત ધર્મ પ્રમાણે સર્જન કર્યું છે અને આ રીતે વ્યાપક જાગરુકતા પ્રગટાવવા સક્રિય ભૂમિકા અદા કરી છે. દાખલા તરીકે, નોબેલ પારિતોષિકવિજેતા પાબ્લો નેરુદાની કૃતિ ‘કૅન્ટો જનરલ’(1950)માં સમગ્ર લૅટિન અમેરિકા, તેની ભૂમિ, તેનો ઇતિહાસ અને ત્યાંનો પ્રજાસમૂહ – એ તમામનું સર્વાંગી ચિત્રણ છે. નિકૅનૉર પારા(જ. 1914)ની કૃતિઓમાં સામાન્ય અનુભવોની નીરસતાની હાંસી ઉડાવાઈ છે. અર્નેસ્ટો કાર્ડિનલ (જ. 1925) તમામ લૅટિન અમેરિકાવાસીઓને એકઠાં અને સક્રિય થઈને તમામ પ્રજાને મુક્ત કરવા અનુરોધ કરે છે. નોબેલ પુરસ્કારના બીજા વિજેતા સર્જક ઑક્ટેવિયો પાઝ રાષ્ટ્રીયતાની મર્યાદાઓથી પર એવી સર્વદેશીયતાના સર્વોત્તમ પ્રહરી બની રહે છે.

લૅટિન અમેરિકાના લેખકો પોતાના – પોતાની પ્રજાના જીવનની કરવટ બદલનારા ઐતિહાસિક બનાવોથી કદી અળગા રહ્યા નથી અને પોતાનાં સર્જનો દ્વારા તેનાં સમર્થન અને પ્રતીતિ કરાવ્યાં છે; પણ સાથોસાથ છેક સંસ્થાનવાદના સમયથી તેમને રાજકીય પજવણી કે જોહુકમીનો ભોગ બનવું પડ્યું છે  સંસ્થાનવાદ વખતે ઘણા કવિઓને અંગોલા ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા હતા. રાજકીય સતામણીની આ પરંપરા સ્વાતંત્ર્ય પર્યંત ચાલુ રહી હતી. લૅટિન અમેરિકાની પોતે જોયેલી, અનુભવેલી વાસ્તવિકતાઓ વિશે લખવા બદલ અનેક લેખકોએ પોતાનો દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું અથવા તેમને દેશનિકાલ કરાયા હતા. વળી આજે અનેક યુવા લેખકો પોતાની ભાષા – પોતાના દેશની ભાષા અને તેની સમસ્યાઓના મૂળ સ્રોત સમા પોતાના દેશથી ઘણા અળગા અને વિમુખ થઈ ગયા છે અને છતાં તેઓ સક્રિયતાથી લખી રહ્યા છે.

મહેશ ચોકસી