લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય

January, 2005

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય : યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણ અમેરિકાના પ્રદેશ તથા સમગ્ર કૅરિબિયન ટાપુઓની સંગીત-નૃત્ય-કલા. આ વિશાળ વિસ્તારના સંગીતનો ભૌગોલિક દૃષ્ટિએ નહિ, પણ મહદ્ અંશે વંશીય (ethnic) ઘટકોની દૃષ્ટિએ વિચાર કરવામાં ઔચિત્ય રહેલું છે. આ વંશીય ઘટકો તે યુરોપિયન (મુખ્યત્વે ઇબેરિયન), અમેરિન્ડિયન, આફ્રિકન તથા મેસ્ટિઝો (એટલે કે ‘મિશ્ર’).

લૅટિન અમેરિકાની સંસ્થાનવાદી વસાહત દરમિયાન (સોળમીથી ઓગણીસમી સદી) અમેરિન્ડિયન વસ્તીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો અને એ સમુદાયના મોટાભાગના પરંપરાગત સંગીત-સંસ્કારો નષ્ટ થવા પામ્યા હતા અથવા ઇબેરિયન સંસ્કારો સાથે તેમની સેળભેળ થવા પામી હતી. ઍઝટેક, ઇન્કા અને મય સંસ્કૃતિઓ દરમિયાન વિજય પૂર્વેના સમયગાળામાં ખરેખર કેવું સંગીત હતું તે વિશે સ્વલ્પ પણ સંગીન પુરાવા મળે છે. સોળમી સદીના સ્પૅનિશ ઇતિહાસકારોની તવારીખના પુરાવા ઉપરાંત ચિત્રલિપિ તથા માટીકામનાં પાત્રો પરનાં સુશોભનોમાં આલેખાયેલાં વાજિંત્રો નિમિત્તે થોડો પરિચય મળે છે. ડ્રમ, ઘૂઘરા જેવું વાદ્ય-સાધન, સ્ક્રૅપર, લાંબી પટ્ટીવાળું ડ્રમ, વાંસળી, પાવો તથા પૅનપાઇપ જેવાં વાજિંત્રો મળી આવ્યાં છે. પણ તેમાં તંતુવાદ્યોનો સદંતર અભાવ જોવા મળે છે. ધારવી ગીત, હુયનો ગીત તથા નૃત્યપ્રકાર તેમજ આવા અન્ય શૈલીપ્રકારો ભજવતી વખતે ઍન્ડિયન અમેરિન્ડિયન હજુ પૅનપાઇપ તથા પાવાનો વિસ્તૃત ઉપયોગ કરે છે અને તેની સાથોસાથ ગંભીર અવાજવાળાં ડ્રમ, વીણા જેવાં તંતુવાદ્યો તથા જુદા જુદા કદની ગિટાર જેવાં યુરોપિયન વાજિંત્રોનો પણ ઉપયોગ કરે છે. મેસો-અમેરિકામાં હવે ઇન્ડિયન પ્રજા વીણા જેવું તંતુવાદ્ય, ફિડલ અને ગિટાર અથવા આફ્રિકન પ્રકારના મૅરિમ્બાનો ઉપયોગ પણ કરે છે. આ બધાં વાજિંત્રોને પરિણામે તળપદા કે દેશી વાજિંત્રોનું સ્થાન છીનવાઈ ગયું જણાય છે. ઉષ્ણ કટિબંધના કેવળ અમુક જ વિસ્તારો(દાત., ઍમેઝોન ખીણ)માં અપમિશ્રણ વગરનું અમેરિન્ડિયન સંગીત સાંભળવા મળે છે.

અનેક ગીતો તથા નૃત્યપ્રકારોનું ઉદભવસ્થાન ઇબેરિયન હોવા પાછળની લાક્ષણિકતાઓ આ છે – 3/4 અને 6/8ની વચ્ચે તાલ બદલતા રહેવાનું મનોવલણ; વીણા, ફિડલ, ગિટાર વગેરેનો ઉપયોગ તથા સ્પૅનિશ કાવ્યબંધમાંથી મેળવાયેલા ગીતપ્રકારો. આવા ગીતપ્રકારોમાં છે  મેક્સિકોનું કૉરિડો, બ્રાઝિલનું ડેસફિયો, ઍન્ડિયન દેશોનું કૉપ્લા તેમજ દક્ષિણ અમેરિકા, કૅરિબિયન અને મેક્સિકોનું ડેસિમા. પ્રમાણમાં બહુ ઓછા ઇબેરિયન પ્રકારો મૂળ સ્વરૂપે જળવાઈ રહ્યા છે. વસ્તુત: નૃત્ય અને ગીતના અપમિશ્રિત થયેલા પ્રકારો બંધારણ, પાઠ (text), નૃત્યનિયોજન અને ભાવની દૃષ્ટિએ સ્પષ્ટત: પ્રાદેશિક જણાયા છે. તેમાં આર્જેન્ટિનાના ઝૅમ્બા, બોલિવિયા તથા ચિલીના ક્યૂકા, કૉલંબિયાના બૅમ્બૂકો, વેનેઝુએલાના થૅરોપો, મેક્સિકોના જારબે અને દુપેન્ગો તથા ક્યૂબાના સૉન તથા પુન્ટો જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં પતિ-પત્નીની જોડી નૃત્ય કરતી હોય છે અને ધીમે ધીમે પગરખાં પછાડી તાલ આપવાની સાથે દુપટ્ટો હલાવતાં હોય છે.

અશ્ર્વેત વસ્તીનું સૌથી વિશેષ પ્રમાણ દરિયાકાંઠાના ઉષ્ણકટિબંધના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે; તેમાં કૅરિબિયન, પશ્ચિમી મધ્ય અમેરિકા, વેનેઝુએલા, બ્રાઝિલ તથા કૉલંબિયાના કાંઠાળ વિસ્તારનો સમાવેશ થાય છે. આફ્રિકાના સંગીતનાં જે લક્ષણો સામાન્ય રીતે જળવાઈ રહ્યાં છે તેમાં સાદ આપવો અને પ્રતિસાદ દેવો જેવી ગતિશૈલી, એકાધિક તાલ, સંગીત-ધ્વનિઓનો વિસ્તૃત ઉપયોગ તથા સ્વયંસ્ફુરિત હાવભાવ અને લઢણ-લહેકા મુખ્ય છે. યથાવત્ રહેલ અને અનુકૂલન પામેલ એ બંને પ્રકારના સંગીતમાં મળતાં આફ્રિકન વાદ્યોમાં લાંબાં ડ્રમ ક્યારેક 3ની જોડીમાં કોંગા રૂપે, લોખંડની ઝાલર, ગિગો, મોગરી, મૅરૅક્સ, શેકર, મેરિમ્બુલા તથા મૅરિમ્બાનો સમાવેશ થાય છે. મોટાભાગના આફ્રિકન વાદ્યપ્રકારો આફ્રિકન ધર્મપરંપરા સાથે સંકળાયેલા છે. વિશેષ અપમિશ્રિત થયેલ આફ્રો-અમેરિકન સંગીતમાં બ્રાઝિલના કાર્નિવલ સાંબા, ડૉમિનિકન રિપબ્લિક તથા હેઇતીના મેરેંગ, પુઅર્તો રીકોના બૉમ્બા તથા પ્લેના તેમજ ક્યૂબાના રમ્બા, કાગા, ગુરચા, સોન તથા સોન મૉન્ટુનો જેવા પ્રકારો જોવા મળે છે અને એ તમામ હવે રાષ્ટ્રીય લોકસંગીતમાં સમાવિષ્ટ થયા છે.

આનાથીય વિશેષ સર્વદેશીય (cosmopolitan) પ્રકારો છે – સામૂહિક માધ્યમો દ્વારા થયેલા પ્રચાર-પ્રસારના કારણે સમગ્ર લૅટિન વિસ્તારમાં તેમજ આંતરરાષ્ટ્રીય  સ્તરે લબ્ધપ્રતિષ્ઠ પ્રકારો. આમાં ક્યૂબાનાં બૉલેરો તથા ડૅમ્ઝોં, આર્જેન્ટિનાનું ટૅન્ગો, બ્રાઝિલના કૅબરે સામ્બા તથા બૉસા નૉવા, ટ્રિનિડાડનું કૅલિપ્સો તથા કૉલંબિયાનું કમ્બિયા ઉલ્લેખનીય છે.

સોળમીથી ઓગણીસમી સદી દરમિયાન, મોટાભાગના ‘કલાત્મક’ સંગીતમાં સમકાલીન યુરોપિયન નમૂના પ્રતિબિંબિત થયેલા જોવા મળે છે. ઇન્ડિયન તથા ક્રિયૉલ (એટલે કે યુરોપિયન પૂર્વજોનાં સંસ્થાનોમાં જન્મેલા લોકો) સંગીત-નિયોજકો તથા સંગીતકારોએ તેમના પૂર્વજોના સાંસ્થાનિક સંસ્કારોને વિશેષ મળતું આવતું સંગીત રજૂ કરવાનું વલણ અપનાવ્યું હતું. અલબત્ત, વીસમી સદીમાં સંખ્યાબંધ સંગીત-નિયોજકોના હાથે, અમુક અંશે પરંપરાગત લોકસંગીત અને આદિવાસી સંગીત પર રચાયેલ ‘રાષ્ટ્રીય સૂરો’(national voices)નો આવિષ્કાર થયો. બીજા કેટલાક સંગીત-નિયોજકોએ કેવળ રાષ્ટ્રવાદીને બદલે વિશેષ સર્વદેશીય ટૅકનિક રજૂ કરવાનો અભિગમ પણ અપનાવ્યો.

મહેશ ચોકસી