લાદેન, ઓસામા બિન (જ. 10 માર્ચ 1957, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 2 મે 2011, અબોટાબાદ, પાકિસ્તાન) : વિશ્વનો કુખ્યાત આતંકવાદી, અલ-કાયદાના આતંકવાદી સંગઠનનો સ્થાપક અને અમેરિકાનો મહાશત્રુ. તેના ગર્ભશ્રીમંત પિતા સાઉદી અરેબિયામાં મકાન-બાંધકામનો વ્યવસાય કરતા હતા અને ત્યાંના શાહી કુટુંબ સાથે ઘરોબો ધરાવતા હતા. 1960માં તેના પિતાનું અવસાન થયું ત્યારે આશરે 300 કરોડ ડૉલરની સંપત્તિ તેને વારસામાં મળી હતી.

રિયાધની કિંગ અબ્દુલ અઝીઝ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી તે 1981માં સ્નાતક બન્યો. આ દરમિયાન 1980માં તે પેશાવર, પાકિસ્તાન ગયો હતો અને ‘આરબ અફઘાનો’(વિવિધ દેશના મુસ્લિમો જેઓ અફઘાન મુજાહિદ્દીન તરીકે સોવિયેત લશ્કર વિરુદ્ધ યુદ્ધ કરવા અફઘાનિસ્તાન ગયા હતા)ની ભરતી કરવામાં સક્રિય બન્યો હતો.

1950થી શીતયુદ્ધના પ્રારંભે અમેરિકા અને તેના સાથી દેશોએ ઇસ્લામિક કટ્ટરવાદને બહેકાવવાની શરૂઆત કરી હતી. 1980ના દાયકામાં અફઘાનિસ્તાનના જનરલ નજિબુલ્લાહને સહાય કરવા સોવિયેત સેના પ્રવેશી ત્યારે આ કટ્ટરવાદ તેની ચરમ સીમાએ પહોંચ્યો હતો. તે સમયે ઓસામા બિન લાદેન અમેરિકાનો પ્રીતિપાત્ર હતો અને તેને રશિયા વિરુદ્ધ લડવા માટે વ્યાપક શસ્ત્રસહાય પૂરી પાડવામાં આવેલી. આ સમયે સોવિયેત સૈનિકો વિરુદ્ધ લડતા મુજાહિદ્દીનો માટે ફંડ એકઠું કરવાના પ્રયાસો તેણે આરંભ્યા. એથી ઇજિપ્શિયન ઇસ્લામિક જેહાદ જેવાં સંગઠનો સાથે તેના ઘનિષ્ઠ સંપર્કો સ્થાપિત થયા. 1980થી આતંકવાદી તાલીમી છાવણીઓ ઊભી કરી અફઘાનિસ્તાનના યુદ્ધ માટે તે સક્રિય રહ્યો હતો. તે પછી વિશ્વવ્યાપી લક્ષ્યાંકો નક્કી કરી તે તેની વિરુદ્ધ કામ કરવા લાગ્યો. સાઉદી અરેબિયા, અલ્જીરિયા, ઇજિપ્ત, યેમેન, પાકિસ્તાન, સુદાન જેવા દેશોમાંથી તેણે હજારોની સંખ્યામાં યુવાનોની ભરતી કરી. 1988માં અલ-કાયદા – લશ્કરી સહાયનું થાણું – સંગઠન સ્થાપ્યું. આ સંગઠન 20 દેશોમાં કાર્યરત હોવાનો અંદાજ છે. 1989માં સોવિયેત દળો અફઘાનિસ્તાનમાંથી પાછાં ખેંચાયાં ત્યારે લાદેન માદરે વતન સાઉદી અરેબિયા પાછો ફર્યો.

ઓસામા બિન લાદેન

આ સમયે ઇરાકે કુવૈત પર આક્રમણ કરી કબજો જમાવ્યો હતો. આ સંદર્ભમાં અમેરિકાનાં લશ્કરી દળો સાઉદી અરેબિયામાં એકત્ર થતાં તેણે તેનો ભારે વિરોધ કર્યો. આથી 1991માં ત્યાંની સરકારે તેને દેશનિકાલ કર્યો. ત્યારબાદ ત્રણ વર્ષે જુદા જુદા બહાના હેઠળ સાઉદી અરેબિયાની સરકારે તેનું નાગરિકત્વ છીનવી લીધું. આ ગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાંનું યુદ્ધ નરમ પડ્યું હોવાથી લાદેન સુદાનના ખાર્તુમમાં સ્થિર થયો. અલ-કાયદા સંગઠનના સમર્થન માટે તેમજ તેને સુરક્ષા-કવચ (security cover) મળે તે માટે તે અનેક વ્યાવસાયિક સાહસોના સંપર્ક દ્વારા નાણાં મેળવવાના પ્રયાસો ઠીક ઠીક સફળતાપૂર્વક કરતો રહ્યો. અહીં તેણે અન્ય લડાયક ઇસ્લામિક સંગઠનો સાથે સંપર્ક સ્થાપ્યા અને તે સંગઠનો મજબૂત બનાવ્યાં.

ઑક્ટોબર, 1993માં સોમાલિયામાં 18 અમેરિકન સૈનિકોની હત્યા થઈ, જેની જવાબદારી તેણે લીધી. સૈનિકોની જાનહાનિથી ચોંકી ઊઠેલા અમેરિકાએ ત્યાંથી પોતાનાં દળો પાછાં ખેંચ્યાં. પરિણામે બિન લાદેન અમેરિકાની નબળાઈ કળી ગયો. આ ઘટનાથી સુદાનના અમેરિકા સાથેના રાજકીય સંબંધો બગડે તે તેની સરકારને પરવડે તેમ ન હોવાથી ત્યાંની સરકારે મે, 1996માં તેને સુદાન છોડવાની ફરજ પાડી.

અફઘાનિસ્તાનમાં તે સમયે તાલિબાનો સત્તા પર હોવાથી તેને રક્ષણ મળશે તે ધારણા સાથે તે અફઘાનિસ્તાન પહોંચ્યો અને ત્યાં સ્થિર થયો. તાલિબાની શાસનમાં મજબૂત દોરીસંચાર કરી તેણે ઇસ્લામના નીતિનિયમોનું જડતાપૂર્વક પાલન કરાવી, ત્રાસ અને જોરજુલ્મનો દોર ચલાવ્યો. અહીં તેણે ‘અલ-કાયદા’ સંગઠનને મજબૂત બનાવવા વિવિધ દેશોમાંથી મુસ્લિમ યુવાનોને એકત્ર કર્યા અને આંતરરાષ્ટ્રીય જેહાદ (પવિત્ર યુદ્ધ) જગવવા તાલીમી છાવણીઓ મજબૂત બનાવી તથા આતંક ફેલાવવાની તાલીમ આપવા માંડી. તેણે આતંક ફેલાવવાના નવા તોર-તરીકાઓ વિકસાવ્યા, અમેરિકાને પોતાનું મુખ્ય લક્ષ્યાંક બનાવ્યું. આ લક્ષ્યાંક માટે બે મુખ્ય કારણો હતાં : જેમાંનું એક કારણ કુવૈતમાંની અમેરિકાની દરમિયાનગીરી હતું; તો અમેરિકા આરબ જગતને ઇઝરાયલ જેવા અણગમતા દેશનું સમર્થન કરી રહ્યું હતું તે બીજું કારણ હતું. આરબો સામે ઇઝરાયલ મજબૂત બનતું ગયું તેમ તેમ તેનો અણગમો ધીમે ધીમે દુશ્મનાવટનું સ્વરૂપ પામતો ગયો. અમેરિકન નાગરિક કે સૈનિકની હત્યા કરવી એ પ્રત્યેક મુસલમાનની ફરજ છે તેમ તે દૃઢતાપૂર્વક કહેતો રહ્યો. ઑગસ્ટ, 1998માં કેન્યા અને ટાન્ઝાનિયામાંની અમેરિકાની એલચી કચેરીઓ પર બૉમ્બમારો થયો તેની જવાબદારી બિન લાદેનના શિરે નાંખવામાં આવી. લાદેનના અપેક્ષિત રહેઠાણના વિસ્તારમાં અમેરિકાએ ક્રૂઝ મિસાઇલો છોડી તેને ખતમ કરવાના પ્રયાસો આરંભ્યા. આવા હુમલા છતાં લાદેન બચતો રહ્યો અને નામચીન ત્રાસવાદી તરીકે વિશ્વભરમાં કુખ્યાત બન્યો. 1998માં યહૂદીઓ અને અમેરિકાતરફી શાસકોની વાત કરનારાઓ વિરુદ્ધ પવિત્ર યુદ્ધ – ‘જેહાદ’ ખેલી લેવા તેણે ‘આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક ફ્રંટ’ની સ્થાપના કરી. આ સંગઠન ઇજિપ્ત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ઇસ્લામિક આતંકવાદીઓને જોડે છે અને તે સૌને સુરક્ષાછત્ર પૂરું પાડતું મહાસંગઠન છે. તેની સ્થાપના ટાણે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા પૂરા પ્રયાસ કરતાં આ સંગઠને જણાવેલું : અમેરિકા અને તેના મળતિયા તરીકે કામ કરતા સાથીઓ, નાગરિકો અને સૈનિકોની હત્યા કરવી એ પ્રત્યેક મુસ્લિમની વૈયક્તિક ફરજ છે. શક્ય હોય ત્યાં આવી હત્યાઓ આચરવી જોઈએ. આવાં કૃત્યો સર્વશક્તિમાન અલ્લાહની ઇચ્છા મુજબનાં છે. આવા ભિન્નધર્મીઓ સામે સંગઠિત બની આપણે યુદ્ધ લડવાનું છે. અમેરિકા વિરુદ્ધ આચરવામાં આવી રહેલો આતંકવાદ ‘સર્વસ્વીકૃત’ છે. ઇઝરાયલ ‘અમારાં બાળકોનો ખાત્મો બોલાવે છે’ તેમાં અમેરિકાનો ટેકો છે. આ બાબત મુસ્લિમો હરગિજ ચલાવી લઈ શકે તેમ નથી.

1995માં અફઘાનિસ્તાનમાં તાલિબાન ઇસ્લામિક કટ્ટરવાદી શાસનનો પ્રારંભ થયો. આ શાસને લાદેનને આશ્રય આપ્યો હોવાથી સંયુક્ત રાષ્ટ્રસંઘે તાલિબાન સરકાર વિરુદ્ધ આર્થિક પ્રતિબંધો લાદ્યા તેમજ અમેરિકા સહિત અન્ય દેશોએ બિન લાદેન અને તેના વરિષ્ઠ સાથીઓની અસ્કામતો અને સંપત્તિ પર પ્રતિબંધ મૂક્યો. આવાં કારણોસર અમેરિકા જેવી મહાસત્તા અને લાદેન જેવા ખૂંખાર આતંકવાદી વચ્ચે કટ્ટર શત્રુતા વિકસી. 1996માં તાલિબાની શાસકોએ અફઘાનિસ્તાનના બે તૃતીયાંશ ભાગ પર અંકુશ સ્થાપ્યો એથી લાદેનને માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ. નેપથ્યમાં રહી તેણે તાલિબાન સરકારનું સંચાલન કર્યું તેમજ ઇસ્લામ ધર્મના સંકુચિત અર્થઘટન દ્વારા તેણે સામાન્ય પ્રજાજનોની હાલાકી વધારી દીધી, જરીપુરાણા ન્યાયના ખ્યાલો દાખલ કર્યા, ઇસ્લામ ધર્મ સિવાયના અન્ય શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો અને મહિલાઓ પર તમામ જાતની પાબંદીઓ લગાવી સૌને માટે જીવન જીવવું લગભગ અશક્ય બને તેવી પરિસ્થિતિનું અફઘાનિસ્તાનમાં નિર્માણ કર્યું.

આ દરમિયાન તેણે અફઘાનિસ્તાનમાં સ્થિર થઈ આતંકવાદી જૂથો દ્વારા વિવિધ હરીફ દેશોમાં હુમલાઓ કરવાનો દોર જારી રાખ્યો. 1992માં યેમેનની એક હોટલમાં થયેલા ધડાકાઓ સાથે તેનું નામ સંકળાયેલું છે, ત્યાં તેનું ખરું લક્ષ્યાંક અમેરિકાના સૈનિકોની હત્યાનું હતું; પરંતુ તેના બદલે તેમાં બે ઑસ્ટ્રેલિયન નાગરિકો માર્યા ગયા હતા. અલ્જિરિયાના ઇસ્લામિક આતંકવાદીઓએ ફ્રાંસમાં બૉમ્બમારો કર્યો. 1993માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બૉમ્બમારો કરવા માટે તેના બે સાથીઓ રમઝી અહેમદ યૂસુફ તથા શેખ ઓમર અબ્દ અલ રહેમાને ભેજું લડાવ્યું. ઑગસ્ટ, 1998માં સુદાન ખાતેની અમેરિકી એલચી કચેરી પર તેણે બૉમ્બમારો કરાવ્યો. એડન અને યેમેનના બંદરે અમેરિકાનાં યુદ્ધજહાજો લાંગરેલાં હતાં તેના પર બૉમ્બમારો કરવા  વર્ષ 2000માં તેણે નિષ્ફળ પ્રયાસ કર્યો. આવા વિવિધ આતંકવાદી હુમલાઓ માટે તે ખાસ જૂથો તૈયાર કરતો અને તેમને નાણાં તેમજ પ્રોત્સાહન પૂરું પાડતો. ઇજિપ્તના ઇસ્લામિક જૂથે પશ્ચિમી પર્યટકોની હત્યા કરેલી; જેમાં લાદેનનું નામ સંડોવાયેલું હતું. આ બધા આતંકવાદી હુમલાઓ પછી તેના અલ-કાયદા સંગઠને એક સુવ્યવસ્થિત જાળ ગૂંથીને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયૉર્કમાંના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બે ગગનચુંબી ઇમારતો પર તથા અમેરિકાના સંરક્ષણ-મથક પૅન્ટાગોનના કેટલાક ભાગ પર આત્મઘાતી જૂથો દ્વારા અપહૃત વિમાનો વડે હુમલા કરાવ્યા અને તે ઇમારતોનો ધ્વંસ કરી ભારે વિનાશ નોતર્યો; થોડી મિનિટોમાં જ હજારો નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા. આ પગલાથી અમેરિકા સમસમી ઊઠ્યું અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને અમેરિકાએ દરમિયાનગીરીની ચેતવણી આપી લાદેનને સોંપી દેવા જણાવ્યું. અફઘાનિસ્તાનના તાલિબાની શાસને અમેરિકાની ચેતવણીઓ ન ગણકારતાં અમેરિકાએ અફઘાનિસ્તાન પર લશ્કરી કોપ સાથે સૈન્ય ઉતાર્યું. નિર્દોષ નાગરિકો અને ગામોનો વિનાશ નોતર્યો. તાલિબાનોએ લાદેનને રક્ષણ પૂરું પાડ્યું. તાલિબાની સરકાર પડી ભાંગી પણ લાદેન અને તેના અન્ય આતંકવાદી સાથીઓ હાથ ન લાગ્યા. અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થતાં તાલિબાનોને સ્થાને નૉર્થન એલાયન્સની હમીદ કારઝાઈની સરકાર રચાઈ. લાદેન આ સમગ્ર કાર્યવહીને અમેરિકાનો ગુનાઇત ચહેરો છતો કરનારી કાર્યવહી તરીકે ઓળખાવે છે. એથી અમેરિકા પરત્વેના તેના અમાપ ધિક્કાર અને દ્વેષમાં વધારો થતો રહ્યો. તેણે અલ-જઝીરાની કતાર સ્થિત સૅટેલાઇટ ચૅનલ દ્વારા શ્રેણીબદ્ધ વીડિયો ટેપ રજૂ કરીને પાશ્ચાત્ય ટૅકનૉલૉજી પરની કાબેલિયત પુરવાર કરતા અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રોને હંફાવીને થકવી દીધાં. આ સ્થિતિ છતાં અમેરિકા બિન લાદેનને ઝબ્બે કરી શક્યું નથી.

અમેરિકાની જાસૂસી સંસ્થા ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનના સૌથી મોટા દસ ગુનેગારોની યાદીમાં હવે લાદેન સ્થાન ધરાવે છે. અમેરિકાના ગૃહ-મંત્રાલયે તેની ધરપકડ માટે પચાસ લાખ ડૉલરનું ઇનામ જાહેર કર્યું છે.

બિન લાદેન ક્યાં છે ? – આ પ્રશ્નનો ઉત્તર અમેરિકાને હજુ જડ્યો નથી. અખબારી માહિતી આ અંગે વિવિધ આધારો રજૂ કરતાં જણાવે છે કે તે અફઘાનિસ્તાનના ચિગાલ પર્વતોમાં છુપાયો છે. તે સમયસૂચકતા વાપરી અફઘાનિસ્તાનમાંથી છટકી પાકિસ્તાન નાસી ગયો છે. ઇંગ્લૅન્ડના ‘ધ ગાર્ડિયન’ મુજબ અમેરિકા-સ્થિત અબજોપતિ મન્સૂર ઇજાજના જણાવ્યા અનુસાર તે સરહદ પ્રાંતના ઉત્તરના દુર્ગમ પર્વતમાં સંતાયો છે; પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે તે અને તેનું અલ-કાયદા સંગઠન ગંભીર અને ઘાતકી કૃત્યો આચરી વ્યાપક સંહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તે અમેરિકા પર નવા હુમલા કરવાની પૂર્વતૈયારીના ભાગરૂપે જૈવિક શસ્ત્રોના પ્રયોગો કરવાના પ્રયાસો કરી રહ્યો છે. ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા તથા સુદાન જેવા દેશોનાં વિવિધ આતંકવાદી જૂથો સાથેના સંપર્કોને કારણે પોતાની તાકાત પર તે મુસ્તાક છે અને કટ્ટરવાદીઓ તેને ‘આરાધ્ય દેવ’ માને છે.

ઑક્ટોબર, 2003ના પ્રારંભે અમેરિકાના ‘વેબ ડેઇલી’એ દાવો કર્યો છે કે બિન લાદેનના ત્રાસવાદી સંગઠન અલ-કાયદાએ તેનું સૌપ્રથમ ત્રાસવાદી નૌકાદળ રચ્યું છે. આ સંગઠને હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં પંદર જહાજો ખડકી દીધાં છે. ‘વર્લ્ડ નેટ ડેઇલી’એ ઉપર્યુક્ત સમાચારોને સમર્થન આપ્યું છે. તેના મતે આ જહાજો જીવલેણ રસાયણોનો જથ્થો તથા માનવસંહારક પરમાણુશસ્ત્ર વહન કરવા માટે સક્ષમ છે. થોડા સપ્તાહ અગાઉ આ જહાજો આફ્રિકાના કોઈ બંદરે લાંગરેલાં હતાં અને ત્યાંથી તેને એશિયાનાં બંદરો પર લઈ જવાના આદેશો આપવામાં આવ્યા હતા.

બિન લાદેનનાં આ પગલાં સામે અમેરિકાના વિદેશ વિભાગે સમુદ્રી હિતો સામેના પડકાર અંગે ચેતવણી ઉચ્ચારી છે. 3 ઑક્ટોબર, 2003ના રોજ અમેરિકાની સરકારે બહાર પાડેલી સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, તેમણે બિન લાદેનના અલ-કાયદા સંગઠનને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે ઓળખાવ્યું છે. આ યાદીનાં સંગઠનો બાબતે ઇમિગ્રેશન અને નૅશનાલિટી ઍક્ટ હેઠળ પગલાં લેવાનો અમેરિકાની સરકારનો અબાધિત અધિકાર કાયદાથી માન્ય રહે છે. આમ બિન લાદેન અને તેની પ્રવૃત્તિઓ અમેરિકાની સરકારનું મહાદર્દ બની છે.

રક્ષા મ. વ્યાસ