લાદીખડક (free stone) : જળકૃત ખડક-પ્રકાર. વિશેષે કરીને ભારતમાં ઘણા લાંબા સમયથી ફરસબંધી માટે વપરાતા રહેલા સમચોરસ કે લંબચોરસ પથ્થરોને માટે અપાયેલું વેપારી નામ. સામાન્યત: 1 સેમી.થી 10 સેમી. જાડાઈવાળાં પડોમાં જે ખડક સરળતાથી વિભાજિત થઈ શકે અને ફરસબંધી માટે યોગ્ય નીવડી શકે એવો હોય તેને લાદીખડક કહેવાય છે. ઈંટ જેવા રંગમાં મળતા અબરખ-પતરીધારક રેતીખડકો અને આછા આકાશી ભૂરા, લીલા કે રાખોડી રંગોમાં મળતા વિભાજનશીલ ચૂનાખડકો આ પ્રકારના ઉપયોગમાં લઈ શકાય છે. ઉપયોગના પ્રકાર મુજબ જરૂરિયાત પ્રમાણેની જાડાઈમાં તેનાં પડ છૂટાં પાડીને, ઘસીને, લીસાં બનાવીને મકાનોમાં કે પ્રાંગણમાં, શેરી-માર્ગોમાં કે પગથી(ફૂટપાથ)માં જડી શકાય છે. ભારતમાં જ્યાં જ્યાં ચૂનાખડકો અને રેતીખડકો મળે છે ત્યાંથી ખોદીને જરૂરિયાત મુજબનાં આકાર અને કદમાં કાપીને આવા લાદીપથ્થરો ફરસબંધી માટે ઉપયોગમાં લેવાય છે. લાદી તરીકે ઓળખાતા ફરસબંધી માટેના આ પ્રકારના પથ્થરોનું મોટું બજાર રાજસ્થાનમાં કોટા ખાતે વિકસેલું છે. તેમની ઉપલબ્ધિ કોટામાંથી થતી હોવાથી આ લાદીપથ્થરો ‘કોટાસ્ટોન’ નામે જાણીતા બનેલા છે.

ગિરીશભાઈ પંડ્યા