લાન્ઝા, ડેલ વાસ્તો (જ. ? 1901, સેન વીટો ડી. નૉર્મન્ની, ફ્રાન્સ; અ. ? 1983, સ્પેન) : ફ્રાન્સના ગાંધી તરીકે જાણીતા અને ભારત બહાર ગાંધીવિચાર અને વ્યવહારનો ફેલાવો કરનાર નિષ્ઠાવાન ફ્રેંચ માનવતાવાદી ચિંતક અને સમાજસેવક. પિતૃપક્ષે સિસિલી અને માતૃપક્ષે બેલ્જિયમના રાજવંશમાં પેદા થયા હતા, પરંતુ નાનપણથી તેમને જીવનનું રહસ્ય શોધવામાં રસ હતો. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને ઉજ્જ્વળ કારકિર્દી ધરાવતા હતા. નાની વયમાં વિવિધ ભાષાઓનું તેમનું જ્ઞાન ઉત્તમ કક્ષાનું હતું. તત્વજ્ઞાનમાં ડૉક્ટરેટ લીધી હોવા સાથે તેઓ સરસ ચિત્રકાર, શિલ્પકાર, સંગીતરસિક અને કુશળ કારીગર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ સ્વતંત્ર આવક ધરાવતા જીવનમાં પડવાનો વિચાર કરવાને બદલે અનોખી રીતે જીવન જીવવાનો આગ્રહ સેવ્યો. એથી તેમના વ્યક્તિગત જીવનનો બોજ માતા-પિતા પર ન પડે તેવા શુભાશયથી ઘરનો ત્યાગ કર્યો અને સ્વતંત્ર જીવનની સફર આરંભી. સંગીતકાર મહિલા ચાન્ટરેલે સાથે તેમણે લગ્ન કર્યાં. પ્રારંભે યુરોપનો પ્રવાસ કરી, પ્રવાસ સાથે આજીવિકાપ્રાપ્તિનો પ્રયોગ કર્યો. એથી ઘણીવાર સાવ ક્ષુલ્લક કામો પણ આનંદપૂર્વક કરી કમાણી કરતા, તો ક્યારેક ભૂખે પણ રહેતા અને અન્યો દ્વારા થતો ઉપહાસ આનંદપૂર્વક જીરવતા. આ પ્રવાસમાંથી મેળવેલા અનુભવો તેમની મોટી મૂડી બન્યા. શ્રમિકો અને શ્રમિકજીવનનું તેમણે નજદીકથી દર્શન કર્યું. એથી સૂક્ષ્મ નિરીક્ષણ અને સતત જિજ્ઞાસા તેમની જીવનશૈલીનો ભાગ બન્યાં. શ્રમિકજીવનના અનુભવોને કારણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કરુણામાં રૂપાંતરિત થવા લાગી. ઈશુ ખ્રિસ્તમાં તેમને ભારે શ્રદ્ધા હતી. તેઓ ઈશુને આધુનિક કાળમાં જીવનમાં ઉતારવા માગતા હતા. ઈશ્વરના સામીપ્યની આ તરસ તેમને પૂર્વ તરફ ખેંચી લાવી. સિલોન અને ભારતમાં સાચી ગરીબી સાથે સાચી જીવનશૈલીનું તેમને દર્શન થયું. આથી અન્યના કલ્યાણ દ્વારા સ્વનું કલ્યાણ કરવાની ખેવનાથી તેઓ જીવ્યા. જ્ઞાન કરતાં કરુણા શ્રેષ્ઠ છે તેવી સમજ સાથે તેઓ વિકાસ સાધતા રહ્યા.

ડેલ વાસ્તો લાન્ઝા

એશિયા ખાતેની તેમની સફર સિલોનથી શરૂ થયેલી. 1936માં 35 વર્ષની વયે તેમણે ભારતયાત્રાનો આરંભ કર્યો. યાત્રા દરમિયાનના અનુભવો, મનોમંથનો, અપાર કષ્ટો તથા ગાંધીના જીવનદર્શનના અભ્યાસે તેમને જીવન જીવવા માટેનું નવું બળ પૂરું પાડ્યું. આ સમગ્ર અનુભવોમાંથી તેમને જીવનકાર્ય લાધ્યું, ગાંધીવિચારના પાકા અનુયાયી અને ગાંધીના શિષ્ય બની ‘આશ્રમજીવન’ને તેમણે આદર્શ વ્યવસ્થા તરીકે સ્વીકારી, સમગ્ર ગાંધીચિંતનને આત્મસાત્ કરવાની મથામણ કરી. તિરુવણ્ણા-મલાઈમાં તેમને રમણ મહર્ષિ સાથે પણ સત્સંગ થયો. મદુરાઈમાં તેમણે યુરોપીય ઢબનાં વસ્ત્રો છોડી ખાદીનાં વસ્ત્રો પહેરવાં શરૂ કર્યાં અને જીવનભર આ નિર્ણયને અમલમાં ઉતાર્યો. તેમનું ‘શાંતિદાસ’ નામ ગાંધીએ ધરેલી ભેટ હતી. તેમની પાસેનાં તમામ નાણાં તેમણે ત્યજી દીધાં તેમજ ભારતનાં ગામડાં અને નગરો ખૂંદતાં વર્ધા પહોંચ્યા. તેમના ‘રીટર્ન ટુ ધ સોર્સ’ ગ્રંથમાંનું ‘વર્ધા’ પ્રકરણ ગાંધી-અભ્યાસના સૂક્ષ્મ અને સંક્ષિપ્ત નિરૂપણને રજૂ કરે છે. ગાંધીદર્શનનાં મૂળ તત્વોની છણાવટ કરીને તેઓ ગાંધીવિચારને પામ્યા. જાણે તેમાં તેમને સમગ્ર જિંદગીનું ભાથું મળી ગયું.

ગાંધીના સંપર્કથી તેઓ શ્રમકાર્યમાં ખૂંપ્યા તેમજ તેમણે કાંતણ, વણાટ, સુથારીકામ અને ઉદ્યોગોની તાલીમ લીધી. પરિશ્રમ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા તેમણે સાંકળી લીધી. તેમના મતે યંત્રો ગુલામી, પરાવલંબન અને ફુરસદ લાવે છે. આ ફુરસદ માણસને નશાબાજ અને વિનાશક બનવા તરફ પ્રેરે છે. આ વિચારોને પદ્ધતિસર વિકસાવી તેમણે યંત્રસંસ્કૃતિનો વિરોધ કર્યો. ભારતીયો તેમની ઊંચી સાંસ્કૃતિક પરંપરાનો નાશ ન કરે એમ તેઓ ચાહતા હતા. ભારતીય મૂલ્યોની અંદર રહેલી શ્રદ્ધા પશ્ચિમી સંસ્કૃતિના વાયરે ઊડી ન જાય તે માટે તેઓ સૌને ચેતવતા હતા. વર્ધાથી ગંગોત્રીની યાત્રા આરંભી તેમણે યાત્રા દરમિયાન સંતો, તપસ્વીઓ અને અવધૂતોનો સંપર્ક કર્યો. પછીથી મહત્વનાં બધાં ભારતીય તીર્થોની યાત્રા કરી તેઓ ટાગોરને મળ્યા. અંતે હરિપુરા કૉંગ્રેસમાંથી ગાંધીની ભાવભીની વિદાય લીધી હતી.

ફ્રાન્સ પરત જઈ ગાંધીવિચારને તેમણે વ્યવહારમાં ઉતારવાની મથામણ કરી. ગાંધીના સ્વદેશીના સિદ્ધાંતનું અધ્યયન કરતાં પોતાની ભૂમિમાં ગાંધીસિદ્ધાંતોથી જીવવાનો પ્રયોગ ઉચિત લાગતાં તેમણે ભારત છોડી ફ્રાંસમાં પ્રયોગ હાથ ધરવાનું પસંદ કર્યું. તેમણે ‘આર્ક’ નામની સંસ્થા સ્થાપી અને 1948માં ટર્નિયર નામના નગરમાં પ્રથમ ‘ગ્રામસમાજ’ની સ્થાપના કરી. આ ‘ગ્રામસમાજ’માં કોઈ પણ વ્યક્તિને મુક્ત પ્રવેશ મળતો હતો. તે અંગે સ્પષ્ટ નિયમો ઘડી, 1953માં ‘ગ્રામસમાજ’ની પુનર્રચના કરી.

ખ્રિસ્તી પુરાણોમાં નોઆના આર્કના જહાજનો એક પ્રસંગ છે, જેણે પ્રલયમાંથી પ્રાણીઓને તાર્યાં હતાં. આ ઘટનામાંથી તેમણે ‘કૉમ્યુનિટી ઑવ્ આર્ક’ નામ પસંદ કર્યું. ‘કૉમ્યુનિટી ઑવ્ આર્ક’માં ભારતીય પદ્ધતિનું આશ્રમજીવન શરૂ કરવામાં આવ્યું. જેમાં સભ્યો સાદું અને કઠોર જીવન જીવે તેવો આગ્રહ રહેતો. વિવિધ દેશના નાગરિકો અહીં સત્ય, પ્રેમ અને પારસ્પરિક સહિષ્ણુતા સાથે કામ કરે તેવી અપેક્ષા રહેતી હતી. ‘જાતે જ કામ કરવું, અન્ય પર બોજારૂપ ન થવાય માટે કામ કરવું…… વિશ્વભરની વ્યવસ્થાની પ્રગતિ અને સમર્થન માટે કામ કરવું’ આ પ્રકારના સોગંદ ‘આર્ક’માં જોડાતી વખતે તેના પ્રત્યેક સભ્યે લેવાના રહેતા. બલિદાન અને સ્વયાતના છતાં તેના સભ્યો અહિંસાત્મક કાર્યોમાં જોડાતા.

‘પીસ બી વિથ યૂ’ આશ્રમવાસી માટેના અભિવાદન-શબ્દો હતા. ભોજન અને નાસ્તા ઉપરાંત સંગીતમય પ્રાર્થના તેના રોજિંદાક્રમનો અચૂક ભાગ હતી. રાત્રે પ્રકાશ માટે માત્ર મીણબત્તીનો ઉપયોગ થતો. આમ આશ્રમમાં સત્ય, અહિંસા, સ્વૈચ્છિક ગરીબી, સમૂહજીવન અને શ્રમની પ્રતિજ્ઞા સ્થાપિત કરી શકાય તેવી જીવનશૈલીને ઉત્તેજન પૂરું પાડવામાં આવતું.

‘આર્ક’માં નાના નાના ઘટકો રચી પ્રત્યેકમાં 30થી 50ની સભ્ય સંખ્યા રાખી કામ આગળ ચલાવવામાં આવતું. આ દરેક ઘટકનો અલાયદો અધિપતિ રહેતો. દરેક બાબતમાં અહિંસાની કાર્યપદ્ધતિનો અમલ કરવાની તેમની કોશિશ રહેતી. અહીં અધિપતિથી માંડીને આમ આદમી અહિંસા તથા સત્યને વળગી રહે તેવી જીવનપદ્ધતિ ગોઠવવાના પ્રયાસો થતા. ‘આર્ક’ની બહાર વસતા મદદરૂપ કાર્યક્રરો સહકારી કાર્યકર કહેવાતા જેઓ આશ્રમજીવનનાં મૂલ્યો સમાજમાં પ્રસારવાનું કામ કરતા. ‘આર્ક’નો એક વિશેષ ઉલ્લેખનીય નિયમ એ હતો કે પ્રત્યેક વ્યક્તિ દર વર્ષે પોતાની તિજોરી ખાલી કરે. આમ સભ્યો સાચા અર્થમાં ‘અપરિગ્રહી’ બની રહે તેવા પ્રયોગો પણ તેમણે કર્યા હતા. સપ્તાહમાં એક વાર ઉપવાસ અને મૌનની ભલામણ કરવામાં આવતી. આમ ફ્રાંસમાં ગાંધી-કથિત આશ્રમજીવન સ્થાપવા અને આંતરવિકાસ સાધવામાં તેઓ સૌના પથદર્શક અને પ્રેરણામૂર્તિ હતા. 1983માં તેમના અવસાન પછી આશ્રમમાં વસવા આવનારાઓની સંખ્યા બમણી થઈ હતી. આર્ક સંઘ હેઠળ 7 જેટલા આશ્રમો ચાલે છે. તેમના અનેક અનુયાયીઓએ ઇટાલી, સ્પેન, મોરૉક્કો, કૅનેડા, આર્જેન્ટિના અને અમેરિકા ખાતે આવા સમુદાયો રચ્યા છે.

જાહેર જીવનમાં સરકારી જુલ્મોનો પ્રતિકાર કરવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. આવા વિચારોને અનુલક્ષીને 1958માં તેમણે ‘અહિંસક નાગરિક પ્રવૃત્તિ’ આરંભી. તે પાછળનો મુખ્ય ઉદ્દેશ શાંતિસૈનિકો તૈયાર કરી, શાંતિવાદી વિચારો અને વ્યવહારનો પ્રસાર કરવાનો હતો. 1959 અને 1960 દરમિયાન ફ્રાંસે શંકાસ્પદ અલ્જિરિયનોની અટકાયત કરી ત્યારે તેમણે તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું, જોકે તે ખાસ સફળ થયું નહોતું. ફ્રેંચ સરકારે અલ્જિરિયાના યુદ્ધસમયે ફરજિયાત લશ્કરી સેવાનો નિયમ ઘડ્યો ત્યારે તેની વિરુદ્ધ પણ સફળ આંદોલન કર્યું. પરિણામે ફ્રેંચ સરકારને ડિસેમ્બર, 1963માં ફરજિયાત લશ્કરી સેવામાંથી મુક્તિ આપતો કાયદો ઘડવો પડ્યો. અલ્જિરિયામાં ફ્રેન્ચ સરકાર દ્વારા ચાલતા અત્યાચારોના વિરોધમાં તેમણે ઉપવાસ કર્યા હતા. લારઝાકમાં ખેડૂતોની ઘાસિયા જમીન પર બંધાનાર લશ્કરી છાવણીઓ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યાં. સત્ય અને અહિંસા વિરુદ્ધ પડકાર પેદા થાય એટલે શાંતિદાસ તે ઝીલે જ ઝીલે. અણુબૉંબનો વિરોધ અને નિ:શસ્ત્રીકરણના વિસ્તાર અંગેની વાત પોપે સરકારોને સ્પષ્ટ રીતે જણાવવી જ જોઈએ એમ તેઓ માનતા. 1963માં રોમના પોપ સુધી આ અપીલ પહોંચાડવા તેમણે 40 દિવસના ઉપવાસ કર્યાં.

1975માં ભારતમાં ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી જયપ્રકાશ નારાયણને જેલમાં પૂર્યા ત્યારે તેમના આ કૃત્યનો વિરોધ કરી તેને અંગે પત્ર લખનારાઓમાં શાંતિદાસ સૌપ્રથમ હતા.

1951માં ભારતમાં વિનોબા ભાવેએ ભૂદાન આંદોલનનો પ્રારંભ કર્યો, ત્યારે તેઓ તેમાં જોડાવા 1956માં ફરી ભારત આવ્યા અને બિહારની ભૂદાન યાત્રામાં જોડાયા. આ અનુભવોને આધારે તેમણે ‘ગાંધી ટુ વિનોબા’ ગ્રંથની રચના કરી. તેમણે વિશ્વબંધુત્વના અનોખા પ્રયોગો કર્યા. તેમના આ પૂર્વેના ‘રીટર્ન ટુ ધ સોર્સ’ ગ્રંથમાં તેમણે ભારત-ગંગોત્રી યાત્રાનું અનુભવભાથું વ્યક્ત કર્યું છે; જે ગાંધી-વિચારસાધનાને સમજવાનું મૂલ્યવાન સાધન છે. તેમણે 25 જેટલા ગ્રંથો ફ્રેંચ ભાષામાં રચ્યા છે, જે છથી વધુ ભાષાઓમાં અનૂદિત થયેલા છે.

રક્ષા મ. વ્યાસ