રયણસેહરીકહા (રત્નશેખરીકથા)

January, 2003

રયણસેહરીકહા (રત્નશેખરીકથા) : પ્રાકૃત ગદ્યપદ્યમય કથા. જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ તેના કર્તા. તેમણે ‘વસુપાલચરિત્ર’, ‘સમ્યક્ત્વકૌમુદી’ અને ‘વિંશતિસ્થાનકચરિત્ર’ પણ લખ્યાં છે. પંદરમી સદીના અંતમાં થયેલા આ લેખક સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. ચિતોડમાં લખાયેલી ‘રયણસેહરીકહા’ની પાટણ ભંડારની પ્રતિલિપિ સં. 1512માં થયેલી છે. એટલે તેની રચના તે પહેલાં થયેલી હોવી જોઈએ. આત્માનંદ જૈન ગ્રંથમાળામાં સં. 1974માં નિર્ણયસાગર, મુંબઈથી આ કથા પ્રકાશિત થઈ છે.

‘રયણસેહરીકહા’ સાંવત્સરિક, ચાતુર્માસિક ચતુર્દશી, અષ્ટમી આદિ પૂર્વાનુષ્ઠાનના ર્દષ્ટાન્તરૂપે લખાઈ છે. કથાનું વસ્તુ રતનપુરના રાજા રત્નશેખર દ્વારા પોતાના પ્રધાન મતિસાગરની સહાયથી સિંહલના રાજા જયસિંહની કન્યા રત્નાવલીને મેળવવાના પ્રયાસોનું છે. લગ્ન પછી બંને જૈનધર્મપાલનમાં ઉત્તરોત્તર ર્દઢ બની મૃત્યુ પછી દેવ-દેવી તરીકે જન્મે છે. મહાવીર પોતાના ગણધર ગૌતમને આ કથા કહે છે.

વિપ્રલંભ અને સંભોગશૃંગારની આ એક સરસ કથા છે. પ્રાકૃત અને સંસ્કૃત સુભાષિતોનો એમાં પ્રયોગ થયો છે.  સરસ અને પ્રૌઢ શૈલીમાં લખાયેલી આ કથાથી હિંદીનું સુપ્રસિદ્ધ કાવ્ય મલિક મુહમ્મદ જાયસીનું ‘પદ્માવત’ પ્રભાવિત જણાય છે. જટમલની કથા ‘ગોરા બાદલ કી વાત’ પણ તેનાથી પ્રભાવિત લાગે છે.

કાનજીભાઈ પટેલ